Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી એન.એસ.ભટ્ટના પુત્ર

સંદિપભાઇ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે શપથગ્રહણ કરી ચાર્જ સંભાળ્યો

રાજકોટ,તા. ૧૮ : રાજકોટના જાણીતા એડવોકેટ તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના પૂર્વ વાઇસ ચેરમેન તથા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેનશ્રી નટુભાઇ એસ.ભટ્ટના સુપુત્ર સંદિપભાઇનો જન્મ રાજકોટ મુકામે થયેલ હતો. પ્રાથમિક શિક્ષણ કોટક સ્કૂલમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ વિરાણી હાઇસ્કુલમાંથી મેળવેલ, ત્યારબાદ કોટક સાયન્સ કોલેજમાંથી સ્ટેટેસ્ટીક વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી ફર્સ્ટ કલાસ સાથે મેળવેલ અને એલ.એલ.બી.નો અભ્યાસ એ.એમ.પી. લો કોલેજ રાજકોટમાંથી પૂર્ણ કરેલ હતો. જેઓની તાજેતરમાં હાઇકોર્ટ જજ તરીકે નિમણુક થતા ચાર્જ સંભાળેલ છે.

 સને ૧૯૯૪ના જાન્યુઆરી મહીનાથી હાઇકોર્ટના સીનીયર વકીલ સ્વ. ગીરીશભાઇ ડી. ભટ્ટ સાથે જુનીયર તરીકે પ્રેકટીસ શરૂ કરેલ. હાઇકોર્ટમાં પ્રેકટીસ દરમ્યાન હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશનના કમીટી મેમ્બર, બાદમાં જોઇન્ટ સેક્રેટરી, બીજા વર્ષે જનરલ સેક્રેટરી, ત્રીજા વર્ષે વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચુટાઇને પોતાની સેવાઓ આપેલ. ગુજરાત સરકારના તથા કેન્દ્ર સરકારના વકીલ તરીકે પણ સેવા આપેલ છે. અને જુદી-જુદી બેન્કોના પણ વકીલ તરીકે સેવા આપેલ છે. અભ્યાસ દરમ્યાન રાજકોટ રોટરેકટ કલબના પ્રમુખ અને બાદમાં ડ્રીસ્ટ્રીકટ ૩૦૬૦નાં ડી.આર.આર. અને ત્યાર પછી અમદાવાદમાં રોટરી કલબમાં જોડાયેલ અને પ્રમુખ તરીકે સેવા આપેલ અને સંદિપભાઇના બીજા મોટાભાઇશ્રી યતિનભાઇ રાજકોટ ઘણા વર્ષોથી વકીલાત કરે છે. સંદિપભાઇના સસરા અરવિંદભાઇ અને સાળા વિજયભાઇ જુનાગઢ ખાતે વકીલાત કરે છે. સંદિપભાઇના પત્ની સોનલબેન પણ વકીલ છે.

ગુજરાત હાઇકોર્ટના સીનીયર જજોએ તેમની જજ તરીકે જવાબદારી સ્વીકારવા અંગે તેમના નામની ભલામણ સુપ્રીમ કોર્ટના ત્રણ સીનીયર જજોના બનેલ કોલેજીયમને કરતા હાલમાં તેઓને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ તરીકે વરણી સુપ્રીમ કોર્ટના કોલેજીયમે કરતા અને ગર્વનરશ્રીનો હુકમ આવતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રી શપથવિધિ કરાવતા બેન્ચ ઉપર શપથ ગ્રહણ કરેલ છે. શ્રી સંદિપભાઇએ પોતાનો હોદો સંભાળતા સગા સ્નેહીઓ-વકીલોએ તેઓની નિમણુંકને આવકારી હતી. સંદિપભાઇએ રાજકોટનું ગૌરવ પણ વધાર્યું છે.

(3:51 pm IST)