Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રામનાથ મહાદેવ મંદિર સંકુલની સ્થીતિ ભંગારઃ મ.ન.પા.નું તંત્ર આળસ નહી ખંખેરે તો આંદોલન

પુલ ઉપરની ગ્રીલ, રિટનીંગ વોલ, પાર્કિંગ તથા પેવીંગ બ્લોક, સફાઇ સહિતના વિવિધ પ્રશ્નો તાકિદે ઉકેલવા પ્રદિપ ત્રિવેદી, ભાનુબેન સોરાણીની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૧૮ :.. શહેરનાં ગ્રામ દેવતાં શ્રીરામનાથ મહાદેવ મંદિર સંકુલની સ્થીતિ ભંગાર જેવી થઇ ગઇ છે. અહીંના નાના-મોટા વિકાસ કામ જે મ.ન.પા. તંત્ર કરી શકે તેમ છે. છતાં નથી  કરાયા તેવા આક્ષેપો સાથે કોંગી આગેવાનોએ ૧પ દિ' માં આ કામ નહી થાય તો  આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ સોરાણી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવાએ આજરોજ મ્યુનીસીપલ કમિશ્રર ને રૂરૂ રજૂઆત માં જણાવ્યું છે કે રાજકોટ શહેરના ગ્રામ દેવતા સ્વયંભુ રામનાથ મહાદેવજીના મંદિર ના પટાંગણમાં અનેક સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરવી જરૂરી છે.

કારણ કે પુલ ઉપરની જે ગ્રીલ છે તે હાલમાં વરસાદમાં ધોવાઈ ગયેલ છે અને હાલમાં એકપણ ગ્રીલ નથી જેથી જાનહાની થવાની સંભાવના હોય જેથી સત્વરે કામ કરાવવું.

રિટર્નીંગ વોલ તૂટી ગયેલ છે તે વોલ સુરક્ષારૂપી કામ કરતી હતી. આથી આ વોલ બનાવવા કામગીરી કરાવવી.

પાર્કિંગની સ્થિતિ હાલમાં ભયંકર ખરાબ હોય તેમજ વરસાદમાં પ્લીન્થ સહિતનું ધોવાઈ ગયું છે અને પડી ગઈ છે ત્યારે પાર્કિંગમાં નવું બાંધકામ કરાવવું.

પ્રવેશદ્વારથી લઇ નિજ મંદિર સુધી પેવીંગ બ્લોક ફીટ કરાવવાની ખાસ જરૂરિયાત છે જેથી તાત્કાલિક પેવીંગ બ્લોક ફીટ કરાવવા.

ચોમાસા દરમ્યાન પાણીમાં તણાઈને જે રબીસ અને કચરો આવેલ છે ત્યાં જે.સી.બીથી સફાઈ કામ કરાવવા કામગીરી કરાવવી.

ઉપરોકત દર્શાવેલ તમામ મુદ્દે આપશ્રી ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરવા યોગ્ય કરવા તેમજ રામનાથ મહાદેવજીના મંદિરે અસંખ્ય દર્શનાર્થી આવતા હોય તેની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ પગલા લેવડાવશો તેવી વિનંતી કરેલ છે અને ૧૫ દિવસમાં કામગીરી કરવા ચીમકી આપેલ છે અંતમાં કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ચુંટણી સમયે હિન્દુત્વના નામે મત માંગનારાઓ આજે મંદિરની સ્થિતિ કથળી છે તેમજ મંદિરની અને દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીના પ્રશ્નો ઉભા થયા છે ત્યારે કયાં ખોવાઈ ગયા.

(4:55 pm IST)