Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

કોરોનાના કોપથી માનવજાતને મુક્ત કરાવવા જૈનાચાર્ય ૧૮૦ ઉપવાસની ઉગ્ર સાધના કરી રહ્યા છે

જગતમાં જ્યારે જ્યારે કુદરતી આપત્તિ આવે છે ત્યારે યોગી પુરૂષો સૂક્ષ્મની શક્તિનું જાગરણ કરીને માનવજાતને તેમાંથી મુક્ત કરવાનો પુરૂષાર્થ કરે છે. મુંબઈનાં ઉપનગર કાંદિવલીમાં બિરાજમાન ૫૪ વર્ષના જૈનાચાર્ય પરમ પૂજ્ય વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા છેલ્લા ૧૫૦ દિવસથી ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. કુલ ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરવા પાછળ તેમનો સંકલ્પ સમગ્ર જગતના જીવોને કોરોનાની અને લોકડાઉનની પીડામાંથી મુક્ત કરવાનો છે. કોરોનાને કારણે ધર્મસ્થાનો પણ લોકડાઉનની ઝપટમાં આવી ગયાં તેને કારણે લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી છે. આ ધાર્મિક ભાવના ફરીથી પ્રબળ બને તેવી શુભ ભાવના સાથે જૈનાચાર્ય ૧૮૦ ઉપવાસની સાધના કરી રહ્યા છે. આવતી તા.૨૦ ડિસેમ્બરે આચાર્ય ભગવંત ૧૮૦ ઉપવાસનું પારણું કરશે ત્યારે ચોથી વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરનારા તેઓ જગતના પ્રથમ તપસ્વી બનશે.

માત્ર ૧૩ વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરીને જૈન સાધુ બનનારા આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી માટે ઉગ્ર તપશ્ચર્યા કરવાની કોઈ નવાઈ નથી. તેમના ગુરુ આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પણ ઉગ્ર તપસ્વી હતા. તેમણે પોતાના જીવનમાં શ્રી વર્દ્ધમાન તપની ૧૦૮ ઓળીની ઉગ્ર સાધના પૂર્ણ કરી હતી. વર્ષો અગાઉ ૧૪ વર્ષના બાળમુનિ રૂપાતીતવિજયજી મહારાજના ૩૦ દિવસના ઉપવાસ જોઈને તેમને માસક્ષમણ કરવાની પ્રેરણા થઈ હતી. આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા અગાઉ પણ ૮,૧૬, ૩૦, ૬૮, ૭૭, ૯૧, ૯૫, ૧૦૮, ૧૨૨, ૧૨૩ અને ત્રણ વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન તેઓશ્રી સુપ્રસિદ્ધ પદ્મભૂષણ જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ભાયખલા ખાતે જૈન ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ત્યાં તેમણે ૯૫ ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી હતી. ૯૫ ઉપવાસનું પારણું કરતી વખતે જ તેમણે ૧૮૦ ઉપવાસ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

વર્તમાન ચાતુર્માસ દરમિયાન સ્વ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા બોરીવલીમાં મંડપેશ્વર રોડ ખાતે બિરાજમાન છે તો આચાર્યશ્રી વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા બોરીવલી ગીતાંજલિ નગર ખાતે બિરાજમાન છે. વર્દ્ધમાન તપોનિધિ આચાર્યશ્રી વિજયવરબોધિસૂરીશ્વરજી મહારાજા બોરીવલીના રોયલ કોમ્પલેક્સમાં બિરાજમાન છે તો આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા કાંદિવલીમાં બિરાજમાન છે. આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા દર ૧૬ દિવસે પગપાળા વિહાર કરીને આ ત્રણેય વડીલ આચાર્ય ભગવંતો પાસે જાય છે અને તેમની પાસે બીજા ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. દરેક વખતે પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી તેઓ વડીલ આચાર્ય ભગવંતોને અને શ્રમણ-શ્રમણી ભગવંતોને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમનું ઋણ માથે ચડાવે છે.

જૈન ધર્મના ઉપવાસમાં દિવસ દરમિયાન માત્ર ઉકાળેલાં પાણી સિવાય કોઈ પણ પ્રકારનો આહાર કે પ્રવાહી ખોરાક લઈ શકાતો નથી. આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા ૧૮૦ ઉપવાસનો ઉગ્ર તપ કરવાની સાથે રોજના આશરે ૧૨ કલાક ટટ્ટાર બેસીને સૂરિમંત્રની ત્રીજી પીઠિકાનો જાપ પણ કરે છે. જૈન સાધુ જીવનની દરેક ક્રિયાઓ તેઓ અપ્રમત્ત ભાવે કરે છે. રાત્રિના સમયે તેઓ માંડ ત્રણથી ચાર કલાકની નિદ્રા લે છે. તપસ્વી સમ્રાટ આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજાના ૧૮૦ ઉપવાસનું પારણું જૈન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના થાય તે રીતે કરાવવાની જોરદાર તૈયારીઓ મુંબઈના જૈન સંઘો દ્વારા ચાલી રહી છે. 

(12:14 pm IST)