Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાલે જૈન સંત-સતીજીઓનું ચાતુર્માસ પરિવર્તન : દેરાસરોમાં શત્રુંજય ભાવયાત્રા

જૈન સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસ પૂર્ણ કરી એક સ્થાનેકથી બીજા સ્થાનકે બીરાજમાન થશે : ચાતુર્માસમાં પૂ.શ્રીઓની નિશ્રામાં ભાવિકોએ અનેરો ધર્મલાભ લીધો

રાજકોટ,તા. ૧૮ : જૈન સમાજના સંત-સતીજીઓ કાલે શુક્રવારે તા. ૧૯ના રોજ ચાતુર્માસ પરિવર્તન કરશે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂ.ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં યોજાયા હતા. ચાતુર્માસ દરમિયાન ભાવિકોને પૂ.સાધુ-સાધ્વીજીઓની અનેરી નિશ્રામાં ખૂબ જ ધર્મ-ધ્યાન-ભકિત કરેલ.

આ વર્ષે કોરોના ગાઇડ લાઇનમાં છુટછાટ મળતા મહાપર્વ પર્યુષણ, મહાવિર સ્વામી જન્મ વાંચન, સંવત્સરી સહિતના તહેવારો, વ્રતો, આરાધના યોજાઇ હતી. જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓએ ઉત્સાહ-આસ્થાભેર સમગ્ર ચાતુર્માસમાં જિન ભકિત કરેલ.

કાલે કારતક સુદ પૂનમના રોજ જૈનોના ચાતુર્માસ સંપન્ન થશે. પૂ. ગુરૂભગવંતો તથા પૂ.સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ પરિવર્તન કરી એક સ્થાનકેથી બીજા સ્થાનકે વિહાર કરશે. શેષકાળ દરમિયાન પૂ.શ્રીઓ તીર્થયાત્રા કરી વચ્ચે આવતા નગરોમાં નિશ્રા પ્રદાન કરી ધર્મલાભ આપશે.

શહેરના જાગનાથ સંઘમાં બિરાજમાન પૂ.આ.ભ.શ્રી યશોવિજયસુરિજી મ.સા.આ.ઠા. કાલે ચાતુર્માસ પરિવર્તન કરશે. યુનિ. રોડ જૈન સંઘમાં ચાતુર્માસમાં બિરાજમાન પૂ.સાધ્વીશ્રી ધ્યાનરસાશ્રીજી આ.ઠા. પણ કાલે શુક્રવારે ચાતુર્માસ પરિવર્તન કરનાર છે. જ્યારે મણીયાર દેરાસર ખાતે ચાતુર્માસમાં નિશ્રા પ્રદાન કરનાર પૂ.સા.ભ.શ્રી સૌમ્યરસાશ્રીજી આ.ઠા. ચાતુર્માસ પરિવર્તન કરશે. તેઓ ઉપાશ્રયેથી સવારે ૭ કલાકે ઇન્દીરાબેન હીરાબાઇ શાહના નિવાસ સ્થાને પ્રસ્થાન કરશે.

સ્થાનકવાસી સમાજના સાધુ-સાધ્વીજીઓ પણ ચાતુર્માસ પરિવર્તન કરી અન્ય સ્થાનકે વિહાર કરશે. રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. રાજકોટમાં બિરાજમાન પૂ. ધીરજમુનિ મ.સા., પૂ.કમલમુનિ મ.સા., પૂ.દેવેન્દ્રમુનિ મ.સા., પૂ.સાધ્વીજી ભગવંતો તથા ગાદીના ગામ ગોંડલમાં બિરાજમાન પૂ.સુશાંતમુનિ મ.સા. તથા પુ.પારસમુનિ મ.સા. વિહાર કરશે.

કાલે શુક્રવારે કારતક સુદ પુનમના રોજ દેરાસરોમાં શ્રી શેત્રુજયની ભાવયાત્રા યોજાય છે. જે ભાવિકો પાલીતાણા શ્રી સિધ્ધાચલજીની યાત્રામાં ન જઇ શકતા હોય તેઓ શેત્રુંજય ભાવયાત્રા કરે છે. શ્રાવક -શ્રાવિકાઓ વિધિ વિધાન સાથે ભાવ યાત્રા કરે છે. રાજકોટના મણીયાર દેરાસર, બાવન જિનાલય, જાગનાથ સંઘ, યુનિ. રોડ સહિતના દેરાસરોમાં ભાવયાત્રા યોજાશે.

(10:29 am IST)