Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટમાં લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળના બે ગુનામાં ૧૩ની ધરપકડ

અમરગઢ ભીચરીમાં વિજ્યાબેન ગજેરાની ૧૨ એકર જમીનમાં ઘુસી જતાં પિતા-પુત્ર સહિત ત્રણ અને આંબેડકરનગરમાં પ્લોટમાં ઘુસણખોરી કરવાના ગુનામાં ૧૦ને પકડી લેવાયાઃ કુવાડવા અને માલવીયાનગર સ્ટેશનમાં ફરિયાદો

રાજકોટ તા. ૧૮: પારકી જમીનોમાં ઘુસણખોરી કરવા મામલે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ નોંધાયેલા બે ગુનામાં પોલીસે કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે.

કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુવાડવા રોડ પર રહેતાં વિજ્યાબેન મનસુખભાઇ ગજેરાની અમરગઢ ભીચરી ગામે ૧૨ એકર ૨૦ ગુઠા જમીન આવેલી હોઇ તેમાં ગેરકાયદે કબ્જો કરી લેવાયો હતો. આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંતર્ગત ભીચરીના ગોવિંદ નારણભાઇ ડાંગર, નિર્મળ ઉર્ફ નિરૂ ગોવિંદભાઇ ડાંગર અને વનરાજ ગોવિંદભાઇ ડાંગર સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેય સામે કાર્યવાહી કરી ધરપકડ કરી લેવામાં આવી છે અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. વિજ્યાબેન પોતાની જમીન પર આટો મારવા જતાં તો તેને જમીનમાં પ્રવેશતા પણ અટકાવાતા હતાં. પોલીસે ત્રણેયને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી અને હરેશભાઇ સારદીયાની બાતમી પરથી બંનેને પકડી લેવાયા હતાં.

જ્યારે અન્ય બનાવમાં ૧૫૦ રીંગ રોડ આંબેડકરનગરમાં ધારા ગેસ ગોડાઉન પાસે મવડી રેવન્યુ સર્વે નં. ૯૯/૧૦૦માં આવેલા કાંતાબેન કાપડી તથા તેના પુત્રની માલિકીના પ્લોટમાં આશરે બાવીસ વર્ષથી દબાણ કરી નવ મકાન અને કારખાનું ચણી લઇ દબાણ કરાયું હતું. કાંતાબેનનો ૬૦૦ વારનો પ્લોટ અને તેના પુત્ર પ્રતિકનો ૬૯૭ વારનો પ્લોટ હોઇ તેમાં અંદાજે ૧૯૯૯થી કબ્જો જમાવી લેવાયો હતો. આ અંગે કલેકટર તંત્રમાં અરજી થયા બાદ ગુનો નોંધવા આદેશ થતાં  લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે આ ગુનામાં વાવડી અલય ગાર્ડન ડી-૪૫ ગુરૂકૃપા ખાતે રહેતાં જનકસિંહ ભાવસિંગ પરમાર (ઉ.૪૩) તથા ખોડિયારનગર-૧૬ ગોવર્ધન ચોકમાં રહેતાં કરસન હરજીભાઇ ખાટરીયા (ઉ.૩૮) તેમજ વર્ષોથી દબાણ કરેલા પ્લોટમાં જ રહેતાં બીજા આઠ જણા બિપીન જીવણભાઇ વધેરા (ઉ.૩૫), સુરેશ જીવણભાઇ વધેરા (ઉ.૪૨), જયાબેન જીવણ વધેરા (ઉ.૬૦), લક્ષમણ સવાભાઇ ઉર્ફ સવજીભાઇ રાતડીયા (ઉ.૪૭), રેખા લક્ષમણભાઇ રાતડીયા (ઉ.૪૦), ગોવિંદ દાનાભાઇ સોલંકી (ઉ.૫૦), ભીખા લાખાભાઇ મકવાણા (ઉ.૬૦) અને રંભા ગોવિંદભાઇ ચાવડા (ઉ.૬૦)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એસ. આર. ટંડેલ તથા જે. એસ. ગેડમની રાહબરીમાં બંને કેસમાં કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ એન. આર. વાણીયા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, કોન્સ. હરેશભાઇ સારદીયા, એએસઆઇ જગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. જયદિપ લાઠીયા, જીઆરડી મનવીર ડાંગર અને હિતેષ કુબાવતે તથા માલવીયાનગરના પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા અને ડી. સ્ટાફની ટીમોએ ઉપરોકત બંને કેસમાં કામગીરી કરી હતી.

(2:52 pm IST)