Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાલે સદીનું લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ

સાડા ત્રણ કલાકનો અદ્દભુત નજારોઃ ભારતના પૂર્વોત્તર રાજયમાં અંતિમ ચરણનું ગ્રહણ દેખાશેઃ રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે

રાજકોટ,તા.૧૮: વિશ્વના અમુક પ્રદેશો- દેશોમાં આવતીકાલે શુક્રવારે તા.૧૯ના સદીનું સૌથી લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતના પૂર્વોત્તર રાજયમાાં છેવાડાના વિસ્તારમાં અંતિમ ચરણનું આંશિક ચંદ્રગહણ જોવા મળશે. આશરે સાડા ત્રણ કલાકનો અવકાશી નજારો નિહાળવા- કંડારવા ખગોળ વૈજ્ઞાનિકો થનગની રહ્યા છે. રાજયમાં  ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

જાથાના રાજય ચેરમેન- એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં ગ્રહણનો પ્રારંભ ૧૨ કલાક ૪૯ મિનિટ અને સમાપ્ત સાંજે ૧૬ કલાક ૧૭ મિનિટ થશે. અરૂણાચલ પ્રદેશના છેવાડાના વિસ્તાર લોહિતપુર, ઓનગમન, રોઈંગ, તેજુ અને ઈમ્ફાલમાં અવકાશી નજારો જોવા મળવાનો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ગ્રહણ જોવા મળશે નહિ. પૂર્વ એશિયા, ઉ.યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મધ્યસાગર વિસ્તારોમાં આહલાદક ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળવાનો છે. ભારતમાં છાયા ચંદ્રગ્રહણ ટેલીસ્કોપથી અલૌકિક જોવા મળશે.

વિશેષમાં પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી- ખરાબ, લાભ- નુકશાન, હોની- અનહોની ઘટના કુદરત- પ્રકૃતિ નિયમાનુસાર બને છે તેને કોઈ અટકાવી શકતું નથી. ભારતમાં જપ- તપ, પુજા- પાઠ, દાન- પુણ્ય, અનેક ક્રિયાકાંડો જોવા મળે છે તે અવાસ્તવિક છે. કુદરતને પામવામાં વિજ્ઞાન પણ પા-પા પગલી ભરી રહ્યા છે. વિજ્ઞાનથી માનવજાત સુખી- સંપન્ન થયો છે તે સૌએ સ્વીકારવું પડે છે. મોટી માન્યતાઓ નાબુદ કરવા જાથા સતત પ્રયત્નો કરે છે. રાજયમાં જિલ્લા- તાલુકા મથકે ગ્રહણની વૈજ્ઞાનિક સમજ  આપવાનો કાર્યક્રમ જાથા આપશે. તેમ અંતમાં જણાવાયું છે.

(11:39 am IST)