Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટ મ્યુનિ. કોર્પો.ના કવાટર્સ સસ્તામાં અપાવી દેવાની લાલચ આપી ઠગાઈના ગુનામાં બે આરોપીના જામીન નામંજુર

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના આવાસ યોજનાના કવાર્ટર સસ્તામાં અપાવી દેવા અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારી તરીકે ઓળખ આપનાર મનસુખ અને પિયુષના જામીન રદ્દ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, નવા થોરાળા રામનગર વિસ્તારમાં રહેતા સલીમભાઈ અલારખાભાઈ કંડોળીયા જે પિતૃકૃપા ઈન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી કે.એસ. ડીઝલ ભરતનગર મેઈન રોડ રાજકોટ ખાતે આવેલ દિનેશભાઈ પાઠકના કારખાનામાં નોકરી કરે છે, તેઓએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવીને જણાવેલ કે, દિનેશભાઈ પાઠકના ભાણેજ ભાવેશભાઈ પંડયા દિનેશભાઈ પાઠક પાસે આવેલા અને જણાવવા કે મને રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સાહેબો ઓળખે છે અને તે શહીદ ઉદ્ધમસિંહ ટાઉનશિપમાં કુવાડવા રોડ ડી-માર્ટની પાછળ આવેલ આવાસ યોજનામાં તથા કવિ કલાપી શ્રધ્ધા સોસાયટી, હરીધવા મેઈન રોડ રાજકોટ સસ્તા અને નાના બજેટમાં આવાસ યોજના ફલેટ અપાવી તેવી લાલચ ભાવેશ પંડયા અને મનસુખભાઈ એધાણી તથા પિયુષ વસાવડીયાની સાથે મળીને (૧) ફરીયાદી સલીમભાઈ અલારખાભાઈને (૨) ઈલાબેન ડાભી રહે. રિદ્ધિ-સિદ્ધિ દુધસાગર રોડ (૩) દિનેશભાઈ પાઠક (૪) નયનાબેન મકવાણા રહે. રામનગર સોસાયટી નવા થોરાળા (૫) જાગૃતિબેન પરમાર રહે. નવા થોરાળા આરાધના સોસાયટી અને (૬) મહેશભાઈ વાઢેર રહે. ન્યુ નહેરૂનગરવાળાને પણ સસ્તામાં આવાસ યોજનાના કવાર્ટર અપાવી દેવા માટે લાલચ આપી તથા આરોપી પિયુષ વસાવડીયા એ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સાહેબ હોવાની ખોટી ઓળખ આપીને ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી સરકારી સહી-સિક્કા કરીને તમામ લોકો સસ્તામાં આવાસ યોજના કવાર્ટર ખરીદ કરવા આરોપી પિયુષભાઈ વસાવડીયા તેમજ આરોપી મનસુખભાઈ એધાણી અને ભાવેશ પંડયાની સાથે મળીને રકમ કુલ ૫,૫૧,૦૦૦-૦૦ ઓળવી ગયેલ હોય, ભાવેશ પંડયાનું અવસાન થયેલ હોય તેથી નામ. જ્યુ. મેજી. (ફ.ક.) જજ સાહેબ એ સી.આર.પી.સી.ની કલમ ૧૫૬(૨) મુજબ હુકમ કરીને થોરાળા પોલીસ સ્ટેશનને પી.આઈ.શ્રીને આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૭૧, ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુનો નોંધવા હુકમ ફરમાવેલ હતો.

ફરીયાદના આધારે થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એચ.બી. વડાલીયા (૧) આરોપી પિયુષ ધરમશી વસાવડીયા અને (૨) મનસુખ મનુભાઈ એધાણી રહે. રાજકોટવાળાની ધરપકડ કરેલ અને કોર્ટ હવાલે કરતા નામ. કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ હોય આ ગુનામાં બન્ને આરોપીએ રાજકોટ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટ રેગ્યુલર જામીન ગુજારેલ હતી. જેમા મૂળ ફરીયાદીના એડવોકેટ સંજય એચ. પંડયાએ ફરીયાદી તરફે રજુ રાખેલ દલીલ, વાંધા જવાબ અને પુરાવા લીસ્ટને ધ્યાને લઈને બન્ને આરોપીઓની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે મુકેશભાઈ પીપળીયા એડવોકેટ અને મૂળ ફરીયાદી તથા ભોગ બનનાર વતી રાજકોટના એડવોકેટ સંજય એચ. પંડયા, મનિષ એચ. પંડયા, રવિભાઈ ધ્રુવ, ઈરશાદ સેરસીયા, જયદેવસિંહ ચૌહાણ અને વનરાજસિંહ જાડેજા રોકાયેલ છે.

(11:40 am IST)