Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનો કાલે ૪૯મો સ્થાપના દિન

જકાતની આવક બંધ થતા સરકારની ગ્રાન્ટ ઉપર જ કોર્પોરેશનનો આધારઃ નિયમીત રાજકોટીયનો વિકાસનાં ખરા અર્થમાં ભાગીદારો : ૧૯૬૪-૬પમાં નગર પાલીકામાં રૂપાંતરઃ નગરસેવકો ૪૦ કોપોરેશનને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય ૧૩ એવોર્ડ મળ્યા છે :૧૯૪૯માં રાજકોટ બરો મ્યુનિસીપાલીટીની સ્થાપના ૧૯૭૩માં મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો

રાજકોટ, તા. ૧૮: આવતીકાલે રાજકોટ મ્યુ કોર્પોેરશનની સ્થાપનાને ૪૮ વર્ષે પૂર્ણ થઇને ૪૯માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો અકીલા છે ત્યારે કોર્પોેરેશનનાં અત્યાર સુધીના ઇતિહાસના લેખા-જોખા ઇએ તો ૧૯૭૩માં રાજકોટને મહાનગરપાલિકાનો દરજજો પ્રાપ્ત થયા બાદ શહેરમાં વિકાસની હરણફાળ થઇ છે. પરંતુ સાથોસાથ છેલ્લા બે-ત્રણ વર્ષથી તંત્રની તિજોરીની સ્થિતિ પણ તંગ થયાની ફરીયાદો ઉઠી છે. આ અંગેની વિગતો જોઇએ તો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કોર્પોરેશનનું બજેટ ૧ાા થી ર હજાર કરોડનું  બજેટ બને છે. પરંતુ ૭પ ટકા બજેટ સરકારની ગ્રાન્ટ આધારિત હોય છે. કેમકે જકાતની આવક બંધ થયા બાદ તંત્ર પાસે આવકનો સ્વતંત્રસ્ત્રોત રહ્યો નથી. મિલ્કત વેરાની આવક ઉપર જ તંત્રને નમવુ પડે છે પરિણામે દર વર્ષે બજેટની આવક-જાવકનો ટાંગામેળ થતો નથી અને સરકારની ગ્રાન્ટ ન મળી હોય તેવા કિસ્સામાં બજેટમાં જાહેર થયેલ વિકાસ કામો કાગળમાં જ રહી જાય છે. આમ કોપોરેશનના ઇતિહાસમાં રાજકોટમાં વિકાસ કામો જેટ ઝડપે થયા છે પરંતુ છેલ્લા-બે ત્રણ વર્ષથી તિજોરીની સ્થિતિ તંગ થતાં તંત્રને ખોટા ખર્ચા બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે આવક વધારવા તંત્રએ પગલા લેવા જરૂરી છે.

રાજકોટ મહાનગર પાલીકાની હદ વધી નવા વિસ્તારોનો સમાવેશ શહેરમાં થયો અને નવા વિસ્તારોમાં લાઇટ, પાણી, રસ્તા સહીતની માળખાકીય સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી મ્યુનિસીપલ કોર્પોરેશને નિભાવી. જેમાં મોટા ભાગે તંત્રવાહકો સફળ રહયા છે. રાજકોટવાસીઓ પણ તંત્રને પુરતો સહયોગ આપી રહયા છે. આમ છતાં રાજકોટ માટે 'મેટ્રોસીટી'નું બિરૂદ મેળવવું હજુ કપરૂ છે.

રાજકોટ કોર્પોરેશનની છેલ્લા ચાર દાયકાઓથી વહીવટી અને માળખાકીય સુવિધાઓની તથા રાજકીય બાબતોની સફરની એક ઝલક અત્રે પ્રસ્તુત છે.

રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાને ચાર દાયકા વિત્યા છે. આ ચાર દાયકામાં ઘણો વિકાસ થયો છે. પરંતુ હજુ ઘણુ કરવાનુ બાકી છે. પરંતુ ચાર દાયકા પહેલા પણ જે સમસ્યાઓ હતી તે આજે પણ યથાવત રહી છે. હજુ નવા વર્ષોમાં પણ કોર્પોરેશનની અગ્ર યોજનાઓમાં આવાસ યોજનામાં સામેલ છે. પરંતુ તમામ વિસ્તારોમાં આવશ્યક પ્રાથમીક સુવિધાઓ પહોંચાડવામાં ૪૫ વર્ષે તંત્ર વામણું પુરવાર થયું છે. ૧૯ નવેમ્બર ૧૯૭૩ના રોજ રાજકોટ નગરપાલીકાનું મહાનગર પાલીકામાં રૂપાંતર થયું ત્યારે ૪ લાખ વસ્તીમાંથી આજે ૧૬ લાખ વસ્તી ધરાવતા રાજકોટ શહેરની દોટ હવે મેગાસીટી તરફ મંડાઇ છે. જે તંત્ર સામે મોટો પડકાર છે.

કોર્પોરેશનનાં ઇતિહાસ ઉપર નજર ફેરવીએ તો ૧૯૭૩માં કોર્પોરેશનની સ્થાપના વચ્ચે સૌ પ્રથમ નિયુકત મેયર સ્વ. રમેશભાઇ છાયા હતા અને ચુંટાયેલા મેયર સ્વ. અરવિંદભાઇ મણીયારે શાસન સંભાળ્યું હતું. વધુ સમય મેયર પદે રહેનાર વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળા હતા. રાજકોટના સૌ પ્રથમ મ્યુનિસીપલ કમિશ્નર કૃષ્ણમુર્તિ હતા. સૌથી લાંબો સમય સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે વિજયભાઇ રૂપાણી અને કમિશ્નર તરીકે મુકેશ કુમારે કામ કર્યુ છે. આ તમામનું યોગદાન રાજકોટના વિકાસમાં રહયું  છે. પરંતુ વિકાસની ગતી સાથે સુવિધાઓ ઉભી કરવામાં ગતી સાથોસાથ તાલ મિલાવી શકી નથી. કોર્પોરેશનની સુવર્ણ સફરની ઝલક અહી પ્રસ્તૃત છે.

સફરઃ સુધરાઇથી મનપા સુધી

એ આશ્ચર્ય પ્રેેરક હકીકત છે કે સ્વતંત્રતા મળી એ પહેલા (એટલે કે ૧૯૪૭ પહેલા) રાજકોટ શહેરમાં બે સુધરાઇ અસ્તિત્વમાં હતી. હાલ શહેરની મધ્યમાંથી પસાર થઇ રહેલા ઢેબર રોડ પર એ વખતે ગોંડલ સ્ટેટની માલીકીની રેલ્વે લાઇન પસાર થતી હતી અને હાલના મ્યુનિસીપલ કોર્પોરેશન બિલ્ડીંગનો રોડના કાંઠા પરનો ભાગ રેલ્વે સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ સમયે રાજકોટ શહેર બે હિસ્સામાં વહેચાયેલું હતું.

રાજકોટમાં સર્વપ્રથમ લોકનિયુકત સભાસદોની ચુંટણી તા.ર૭-૯-૪૯ના રોજ થઇ હતી. રાજકોટ બરો મ્યુનિસીપાલીટીના જનરલ બોર્ડમાં ૩પ લોકનિયુકત પ્રતિનિધિશ્રીઓ હતા. જેમાં હરીજન અનામત અને સ્ત્રી અનામત કક્ષામાં બબ્બે બેઠકોનો સમાવેશ થતો હતો. રાજકોટ બરો મ્યુનિસીપાલીટી સને ૧૯પ૧-પરનાં વાર્ષિક અહેવાલમાં નોંધાયા પ્રમાણે જનરલ બોર્ડ ઉપરાંત સ્ટેેન્ડીંગ કમીટી, પબ્લીક વર્કસ કમીટી, હેલ્થ એન્ડ સેનીટેશન કમીટી તથા રૂલ્સ કમીટી દ્વારા નિર્ણયો લેવામાં આવતા હતા. સને ૧૯૬૪-૬પમાં બરો મ્યુનિસીપાલટીનું રાજકોટ નગર પાલીકામાં રૂપાંતર થયું અને લોકનિયુકત પ્રતિનિધિશ્રીઓની સંખ્યા ૪૦ ની થઇ હતી.

તા. ૧૯-૧૧-૧૯૭૩ના રોજ રાજકોટ નગર પાલીકાનું રાજકોટ મહાનગર પાલીકામાં રૂપાંતર થયું ત્યાર બાદ બોમ્બે પ્રોવીન્શીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટઃ ૧૯૪૯ હેઠળ તંત્ર કાર્યરત થયું. ૬૯ ચો.કી. મી. ક્ષેત્રફળ ધરાવતા શહેરને કુલ ૧૮ વોર્ડમાં વિભાજીત કરવામાં આવ્યું.

સભાસદોની સંખ્યા પ૧ નિયત થઇ અને તેમાં બે સીટ પછાત જ્ઞાતી માટે અનામત હતી. તમામ વોર્ડમાં સભાસદોની સંખ્યા (હાલ માફક) સમાન ન હતી સને ૧૯૯પમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની સામાન્ય ચુંટણી યોજાઇ. એ પહેલા રાજકોટની નવી વોર્ડ રચના બની અને તે પ્રમાણે ર૦ વોર્ડ રચાયા. જેમાં પ્રત્યેક વોર્ડમાં ત્રણ-ત્રણ કોર્પોરેટરોની સંખ્યા નિયત થઇ.

દરમિયાન જુન-૯૮માં રાજય સરકારે રાજકોટના પરા વિસ્તાર સમાન રૈયા નગરપાલીકા, નાનામવા નગર પંચાયત અને મવડી નગર પંચાયતના વિસ્તારો રાજકોટમાં ભેળવી દેતા ક્ષેત્રફળ વધીને ૧૦૪.૮૬ ચો.મી. થયું. ૧૯૯૯માં રાજય સરકારે નવા ભળેલા વિસ્તારોને નવા ત્રણ વોર્ડમાં વિભાજીત કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ અને રાજકોટ મહાનગર પાલકીની જ્ઞ૯ બેઠકો માટે ચુંટણી થઇ હતી. જેમાં કોંગ્રેસને ૪૪ અને ભાજપને રપ બેઠકો પ્રાપ્ત થઇ હતી. આ બોર્ડ ૧પ મી ઓકટોબર-ર૦૦૦ના રોજ અસ્તિત્વમાં આવેલ છે.

દરમિયાન ડિસેમ્બર ર૦૧૦ થી નવી ચુંટાયેલી બોડીએ કાર્યભાર સંભાળી લીધો છે. પ૮ બેઠકોની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ શાસનની ધુરા સંભાળેલ છે. જયારે ૧૧ બેઠકો સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વિરોધપક્ષની જવાબદારી વહન કરશે. મેયર પદ માટેની મુદત અઢી વર્ષની છે જયારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની મુદત એક-એક વર્ષની  હતી. વર્ષ ૨૦૧૫થી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ ચેરમેન તથા વિવિધ સમિતિઓનાં ચેરમેનની મુદ્દત અઢ્ઢ વર્ષની થઇ છે.

પ્રાપ્ત થયેલ સન્માનો અને એવોર્ડ

કોર્પોરેશનને અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા અપાતો નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ ર૦૧૧ (ઇ-ગવર્નન્સ માટે) મંથન સાઉથ એશીયા એવોર્ડ-ર૦૧૧ (એમ-ગવર્નન્સ માટે), એમ-બીલીયન્થ સાઉથ એશીયા એવોર્ડ ર૦૧૧ (એમ-ગવર્નન્સ માટે), નગર રત્ન એવોર્ડ (કોલ સેન્ટર માટે), સ્કચો ડીઝીટલ એવોર્ડ ર૦૧૧-૧ર (વેલ્યુ એડેડ અને મલ્ટીપલ પેમેન્ટ ઓપ્શન માટે) ઇ-ઇન્ડીયા ર૦૧૦ એવોર્ડ મળેલ છે. તેમજ તાજેતરમાં એક ખાનગી ચેનલ દ્વારા કોર્પોરેશનને રાત્રી સફાઇ, સ્વચ્છતા સહીતના ત્રણ એવોર્ડ મળ્યા છે. જયારે ૧૯૯૮ અને ર૦૦૪ માં ઇન્દીરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડનું બહુમાન પ્રાપ્ત થયું છે. સ્વચ્છતા માટે ૭મો ક્રમાંક અને સીટી બસ સેવા માટે એવોર્ડનું બહુમાન ચાલુ વર્ષે મળ્યું છે. અને સ્માર્ટ સિટીમાં  ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.

જકાત નાબુદી બાદ  આવકનો એક માત્ર  મજબુત સ્ત્રોત વેરા વસુલાત

કોર્પોરેશનની તિજોરીની વાત કરીએ તો છેલ્લા વર્ષોમાં તંત્રની આર્થિક હાલત ખખડતી જાય છે. છેલ્લા દાયકામાં ઉભા કરવામાં આવેલા અમુક પ્રોજેકટ અને અમુક યોજનાઓએ પણ તિજોરીને ફટકો માર્યો છે. કેટલીક યોજના જરૂરી હતી કે નહી તેનો સવાલ હજુ ઉઠે છે. કોર્પોરેશનના વહીવટી ખર્ચની વાત કરીએ તો આજે મહાનગર પાલીકાનો પગાર ખર્ચ જ કરોડો રૂપીયામાં પહોંચી ગયો છે. આ સામે જકાત નાબુદી બાદ વૈકલ્પીક ગ્રાન્ટમાં કોઇ વધારો ન થતા કોર્પોરેશન ટેકસ જેવી સ્વતંત્ર આવક ઉપર ન નિર્ભર બન્યું છે.

લોકમનોરંજન અર્થે વિવિધ કાર્યક્રમો

શહેરીજનો મનોરંજન સુવિધા માણી શકે તે માટે તંત્ર દ્વારા ૧પમી ઓગષ્ટ, ર૬મી જાન્યુઆરી, સ્થાપના દિન તેમજ ધુળેટી પર્વ નિમિતે સંગીત સંધ્યા, હાસ્ય સંમેલન સહીતના વિવિધ આયોજન કરવામાં આવેે છે. જેમાં બોલીવુેડના પ્રખ્યાત ગાયકો જેવા મહેન્દ્રકપુર, અનુ મલ્લીક, કૈલાશ ખેર, રાજા હસન, શ્રેયા ઘોસાલ તથા ઉદીત નારાયણ સહીતના ગાયકોને સાંભળવાનો શહેરીજનોએ આનંદ માણ્યો છે. જયારે જાણતા રાજા સહીતના નાટકો લોકોને મનોરંજન માટે આયોજીત થયા છે. તેમજ રંગોળી, ટ્રેઝર હન્ટ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.

અનેક પડકારો

આમ રાજકોટ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ દિન સુધીની ૪૬ વર્ષની સફરમાં શહેરની હદનો વધારો થયો તેની સાથે વસ્તી વધારો થયો અને હજુ પણ રાજકોટ ચારેય દિશાઓમાં વિકસી રહયું છે. મેગા સીટી તરફ કદમ માંડી રહેલા રાજકોટમાં પાણી, રસ્તા, લાઇટ, નવા ઓવરબ્રીજ, બાગ-બગીચા સહીતની સુવિધાઓ વિકસાવવાનો પડકાર કોર્પોરેશનના સતાવાહકોએ ઝીલવો પડશે.(૨૧.

૪૪ વર્ષમાં કેટલા વોર્ડ

અને કેટલા કોર્પોરેટરો?

રાજકોટ : કોર્પોરેશનની સ્થાપના ૧૯ નવેમ્બર ૧૯૭૩માં થઇ છે. સમયાંતરે વોર્ડનો વધારો થતો હતો. આ વર્ષે એટલે કે ચાલુ વર્ષમાં ૧૮ વોર્ડ ૭૨ કોર્પોરેટર થયા છે. ૧૯૭૩થી ૨૦૧૫ સુધી દરેક વોર્ડમાં ત્રણ-ત્રણ નગરસેવકો હતા. વર્ષ ૨૦૧૫થી એક  વોર્ડમાં ૪-૪ કોર્પોરેટરો છે.

      વર્ષ   વોર્ડ કોર્પોરેટર

૧૯૭૩થી ૮૭      ૧૮ ૫૧

૧૯૮૮થી ૯૯      ૨૦ ૬૦

૨૦૦૦થી ૧૫      ૧૩ ૬૯

૨૦૧૫થી - ૧૮    ૭૨

મહિલા મેયર

*  ભાવનાબેન જોષીપુરા

*  મંજુલાબેન પટેલ

*  ગૌરીબેન સિંધવ

*  સંધ્યાબેન વ્યાસ

*  રક્ષાબેન બોળીયા

*  બીનાબેન આચાર્ય  

આજ દિન સુધીના મેયર

રમેશભાઇ છાયા (નિયુકત)      તા. ૧૯/૧૧/૭૩ થી તા. ર૭/ર/૭૪ 

અરવિંદભાઇ મણીયાર     (ચુંટાયેલ)     તા. ૮/૧૧/૭પ થી તા.૧૮/૭/૮૦

અરવિંદભાઇ મણીયાર     ''    તા. ૭/ર/૮૧ થી તા. ૧૬/ર/૮૩

વજુભાઇ વાળા     ''       તા. ૧૬/ર/૮૩ થી તા. ૬/ર/૮૭

વજુભાઇ વાળા     ''       તા. ૮/ર/૮૭ થી  તા. ૭/ર/૮૮

વિનોદભાઇ શેઠ    ''       તા. ૮/ર/૮૮ થી તા. ૧૬/ર/૯૧

વજુભાઇ વાળા     ''       તા. ૧૬/ર/૯૧ થી તા. ૩૧/૧૦/૯૩

ભાવનાબેન જોશીપુરા     ''     તા. ૧/૭/૯પ થી તા. ૩૦/૭/૯૬

વિજયભાઇ રૂપાણી ''       તા. ૧૦/૭/૯૬ થી તા. ૧૭/૭/૯૭

ઉદયભાઇ કાનગડ ''       તા. ૧૭/૭/૯૭ થી તા. ર૪/૭/૯૮

ગોવિંદભાઇ સોલંકી ''       તા. ર૪/૭/૯૮ થી તા. ૯/૭/૯૯

મંજુલાબેન પટેલ  ''       તા. ૯/૭/૯૯ થી તા. ૩૦/૬/ર૦૦૦

અશોકભાઇ ડાંગર  ''       તા. ૧પ/૧૦/ર૦૦થી તા. ૧૮/૪/ર૦૦૩

મનસુખભાઇ ચાવડા       ''     તા.૧૮/૪/ર૦૦૩થી તા. ર૭/૪/ર૦૦૪

ગૌરીબેન સિંધવ   ''       તા.ર૭/૪/ર૦૦૪થી તા. ૧૪/૧૦/ર૦૦પ

ધનસુખભાઇ ભંડેરી ''       તા.ર૭/૧ર/ર૦૦પ થી તા. ૧૯/૬/૦૮

સંધ્યાબેન વ્યાસ   ''       તા.૧૯/૬/ર૦૦૮ થી તા. ૧પ/૧ર/૧૦

જનકભાઇ કોટક    ''       તા.૧પ/૧ર/૧૦ થી ૧૪/૬/ર૦૧૩

રક્ષાબેન આર. બોળીયા    ''     તા.૧૪/૬/૧૩ થી ૧૪/૧૨/૨૦૧૫

જૈમનભાઇ ઉપાધ્યાય     ,,     તા.૧૪/૧૨/૨૦૧૬ થી ૧૪/૦૬/૨૦૧૮

બીનાબેન આચાર્ય ,,      તા. ૧૫/૦૬/૨૦૧૮ થી ૧૪/૧૨/૨૦૨૦

પ્રદિપ ડવ         ,,      તા. ૧૨/૦૩/૨૦૨૧ થી કાર્યરત

મ્યુનિસીપલ કમિશ્નરો

વી. ક્રિષ્નામૂર્તિ                ૧૯-૧૧-૧૯૭૨ થી ૨૧-૧૨-૧૯૭૩

એન.એમ. બીજલાણી ૨૨-૧૨-૧૯૭૩ થી ૦૪-૦૩-૧૯૭૪

ટી.સી.એ. રંગાદુરી    ૦૫-૦૩-૧૯૭૪ થી ૦૫-૦૯-૧૯૭૪

ટી.વી. ક્રિષ્નામૂર્તિ             ૧૫-૧૦-૧૯૭૪ થી ૧૬-૦૬-૧૯૭૬

અશોક ભાટીયા                ૧૭-૦૬-૧૯૭૬ થી ૨૩-૦૩-૧૯૭૯

પી.જી. રામરખીયાણી ૨૭-૦૬-૧૯૭૯ થી ૦૪-૧૦-૧૯૭૯

પી.કે. દાસ           ૧૦-૧૦-૧૯૭૯ થી ૩૦-૦૪-૧૯૮૦

આર. રામભાદ્રણ              ૦૧-૦૫-૧૯૮૦ થી ૦૨-૦૬-૧૯૮૧

ડી.સી. બાજપાઈ              ૦૨-૦૬-૧૯૮૧ થી ૨૨-૧૦-૧૯૮૧

જી.આર. વિરડી               ૨૨-૧૦-૧૯૮૧ થી ૨૨-૦૪-૧૯૮૩

દેવેન્દ્ર સિક્રી           ૧૪-૦૬-૧૯૮૩ થી ૨૩-૦૭-૧૯૮૫

સી.જે. જોસે          ૨૪-૦૭-૧૯૮૫ થી ૦૫-૦૧-૧૯૮૬

એસ. જગદીશન              ૨૦-૦૧-૧૯૮૬ થી ૦૫-૧૦-૧૯૮૭

એસ.આર. રાવ                ૦૯-૧૦-૧૯૮૭ થી ૨૯-૦૮-૧૯૮૮

આર. બેનરજી                 ૦૩-૧૦-૧૯૮૮ થી ૦૫-૦૬-૧૯૮૯

અમરજીત સિંઘ               ૦૩-૦૭-૧૯૮૯ થી ૦૮-૦૭-૧૯૯૧

આઈ.પી. ગૌતમ              ૦૯-૦૭-૧૯૯૧ થી ૨૦-૦૩-૧૯૯૪

જી.આર. અલોરીયા   ૨૦-૦૩-૧૯૯૪ થી ૨૭-૦૫-૧૯૯૭

પંકજકુમાર           ૨૮-૦૫-૧૯૯૭ થી ૧૫-૦૫-૧૯૯૮

રાજ ગોપાલ          ૨૬-૦૫-૧૯૯૮ થી ૨૦-૦૪-૨૦૦૦

જે.પી. ગુપ્તા         ૨૧-૦૪-૨૦૦૦ થી ૧૮-૦૪-૨૦૦૨

પંકજ જોશી          ૦૩-૦૫-૨૦૦૨ થી ૧૧-૧૨-૨૦૦૩

મુકેશકુમાર           ૧૨-૧૨-૨૦૦૩ થી ૦૬-૦૩-૨૦૦૭

બી.એચ. ઘોડાસરા            ૦૭-૦૩-૨૦૦૭ થી ૧૧-૧૦-૨૦૦૭

આરતી કંવર         ૧૨-૧૦-૨૦૦૭ થી ૨૮-૦૩-૨૦૦૮

બી.એચ. બ્રહ્મભટ્ટ              ૨૯-૦૩-૨૦૦૮ થી ૧૧-૦૭-૨૦૧૧

અજય ભાદુ           ૧૨-૦૭-૨૦૧૧ થી ૦૬-૦૭-૨૦૧૪

વિજય નેહરા         ૦૭-૦૭-૨૦૧૪ થી ૨૩-૦૯-૨૦૧૬

બંછાનિધી પાની              ૨૩-૦૯-૨૦૧૬ થી ૦૪-૦૯-૨૦૧૯

ઉદિત અગ્રવાલ               ૦૪-૦૯-૨૦૧૯ થી ૨૩-૦૯-૨૦૨૧

અમિત અરોરા                ૨૪-૦૬-૨૦૨૧ થી કાર્યરત

(2:46 pm IST)