Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ શહેરના અમદાવાદ હાઈવે પરથી ૨ કિલો ગાંજાના મોટા જથ્થા સાથે પકડાયેલ આરોપીઓ (૧) ખાલીદ મામાણી, (૨) યુસુફ સામતાણી તથા (૩) યાસીન ઉર્ફે ગાંડો કાજેડીયા રહે. સુરેન્દ્રનગરવાળાને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી તથા તેમનો પોલીસ સ્ટાફ તા. ૨૮-૮-૨૦૨૧ના રોજ સાંજના ૫.૨૦ કલાકના પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ નદીના કાંઠા પાસે ઉપરોકત આરોપીઓ ખાલીદ મામાણી તથા યુસુફ સામતાણી એક કાળા કલરનો રેકઝીનનો થેલો લઈને ઉભા હતા, તે અરસામાં ત્યાં અન્ય એક આરોપી યાસીન કાજડીયા મોટર સાયકલ ઉપર આવેલ અને ઉપરોકત બન્ને આરોપીઓને મળેલ હતો અને ઉપરોકત માલની ડીલીવરીનો માલ પહોંચાડવાના કમિશન પેટે રૂ. ૩,૦૦૦ મળવાના હતા જેથી તેણે ઉપરોકત માલ રાજકોટના સમીર લીંગડીયાને આ માલ આપવાનો હતો, તેવું નક્કી કરેલ હતું. તે અરસામાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જેથી આ ત્રણેય આરોપીઓની હિલચાલ શંકાસ્પદ જણાતા તેઓની પોલીસ દ્વારા અંગજડતી કરતા એક કાળા કલરનો થેલો ચેક કરતા તેમાંથી માદક વાસ આવતા, આ થેલામાં ગાંજા જેવો પદાર્થ લાગતા આ ગાંજાનો વજન કાંટા ઉપર વજન કરતા કુલ વજન ૧.૯૪૦ કિ.ગ્રા. જથ્થો હોય, જેથી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, ત્યાર બાદ આરોપીઓની સામે કુવાડવા રોડ પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટની કલમ-૮ (સી), ૨૦(બી), ૨૯ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

આ કામના ત્રણેય અરજદાર/આરોપીઓની ધરપકડ કરતા તેના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી મારફત રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી, ત્યારબાદ આ કામના અરજદાર/આરોપીઓના એડવોકેટની દલીલોને ગ્રાહ્ય રાખીને તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈને તેમજ એ.પી.પી. શ્રીની દલીલોને ધ્યાને લઈને આ કામના અરજદાર/આરોપીના રૂ. ૨૫૦૦૦ના અમુક શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના ત્રણેય અરજદાર/આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલ હતા.

(2:48 pm IST)