Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કરોડોનું સોનું પચાવી પાડવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા.  ૧૮: પ કરોડનું સોનું પચાવી પાડનાર આરોપીઓની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

સોની વેપારીઓનું રૂપિયા પ કરોડથી વધુની રકમનું સોનું ઘડામણ માટે રાખીને સોનું પચાવી જનાર આરોપીઓ તેજસભાઇ ઉર્ફે બોબી સીરીશભાઇ રાણપરા તથા રૂપેશભાઇ સીરીશભાઇ રાણપરા એ સોની વેપારીઓનું સોનું ઘડામણ માટે રાખીને સોનું વેપારીઓને પરત આપેલ નહીં અને તે સોનાની ઉચાપત કરી જઇ ગુન્હો કરેલ.

આ અંગેની સોની વેપારી જશમીનભાઇ વલ્લભભાઇ કણસાગરાએ એ ડીવીઝનમાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ અને તે ગુન્હામાં પોલીસે ઉપરોકત બન્ને આરોપી તેજસ ઉર્ફે બોબી તથા રૂપેશ રાણપરાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીઓએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓએ આટલી મોટી રકમની કિંમતી વસ્તુની ઉચાપત કરેલ છે અને આવા ગુન્હા રોજબરોજ વધતા જાય છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આવા આરોપીઓની જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તેને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી એ. વી. હીરપરાએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરીકે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:48 pm IST)