Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રેલ્વેમાં સિનિયર સીટીઝનને ટિકીટમાં મળતા કન્સેશન ફરી લાગુ કરોઃ પ્લેટફોર્મ ટિકીટ વધારો પાછો ખેંચો

ઓલ ઈન્ડીયા બીએસએનએલ પેન્શનર્સ એસો.ના મનુભાઈ ચનિયારાની રેલ્વે બોર્ડ-સાંસદને રજૂઆત

રાજકોટ, તા. ૧૮ :. ઓલ ઈન્ડીયા BSNL DOT પેન્શનર્સ એસોસીએશનના ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી મનુભાઈ ચનિયારાએ રેલ્વેમાં સિનીયર સીટીઝન ૬૦ વર્ષથી ઉપરના ઉંમરના પુરૂષ માટે ૪૦ ટકા અને ૫૮ વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે મળતા ૫૦ ટકા કન્સેશન જે કોરોનાને લઈ માર્ચ ૨૦૨૦ બંધ કરાયેલ તે ફરીને લાગુ કરવા માટે તથા સિનીયર સીટીઝન જે રેલ્વેમાં મુસાફરી કરવા બીજા ઉપર આધારિત હોય તેવા સંજોગોમાં પ્લેટફોર્મ ટિકીટ રૂ. ૧૦માંથી રૂ. ૫૦ જે વધારો કરેલ તે પાછો લેવા રેલ્વે બોર્ડના ચેરમેનશ્રી તથા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમને રજૂઆત કરેલ હતી.

ઓલ ઈન્ડીયા BSNL DOT પેન્શનર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી શ્રી કે.જી. જયરાજએ પણ રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને પણ આ અંગે ઘટતા પગલા લેવા રજૂઆત કરતા જણાવેલ કે મોટાભાગે સિનીયર સીટીઝનએ કોરોના વેકસીનના બન્ને ડોઝ લઈ લીધેલ છે. કોરોના કેસ પણ ઘટેલ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ સિનીયર સીટીઝન કોરોનાને લઈ માર્ચ ૨૦૨૦ બંધ કરાયેલ કન્સેશન ફરીને લાગુ કરવા અને પ્લેટફોર્મ ટિકીટમાં રૂ. ૧૦માંથી રૂ. ૫૦ જે વધારો કરેલ તે પાછો લેવા સહાનુભૂતિપૂર્વક વિચારી ઘટતા પગલા લેવા રજૂઆત કરેલ.

BSNLના પેન્શનર્સ તથા ફેમીલી પેન્શનર્સને તા. ૧/૧૦/૨૦૨૦થી તા. ૩૦/૬/૨૦૨૧ સુધીનું મોંઘવારી ભથ્થું કેરલ હાઇકોર્ટના ચુકાદા મુજબ BSNLના કર્મચારીઓને ચુકવવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનના ઓર્ડર પછી BSNL મેનેજમેન્ટ તરફથી ઓર્ડર કરવામાં આવેલ છે. તે જ પ્રમાણે તા. ૧/૧૦/૨૦૨૦ થી તા. ૩૦ /૬/૨૦૨૧ સમયગાળા માટેના મોંઘવારી ભથ્થા સાથે ચુકવવા ઓર્ડર કરેલ છે. આથી BSNLના પેન્શનર્સ તથા ફેમેલી પેન્શનર્સને તા. ૧/૧૦/૨૦૨૦ થી તા. ૩૦/૬/૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્થુ ચુકવવા શ્રીમતી નિર્મલા સિતારમન નાણામંત્રી ટેલિકોમ્યુનિકેશનના સેક્રેટરી તથા ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના સેક્રેટરી સમક્ષ મનુભાઇ ચનિયારાએ રજુઆત કરેલ હતી.

(2:50 pm IST)