Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગુજરાતના યુવાનો શારિરિક-માનસિક ચૂસ્ત બની રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દી બનાવેઃ ડો. રાણા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી અને ગુજરાત લો યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ.

રાજકોટ, તા. ૧૮ :. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર સાથે તા. ૧૭-૧૧-૨૦૨૧ના રોજ બન્ને યુનિવર્સિટીના પરસ્પર સહકાર માટે સમજુતી કરાર કરવામાં આવ્યાં. આ પ્રસંગે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના નિયામક શ્રી ડો. એસ. શાંતાકુમારે જણાવ્યુ કે આ એમ.ઓ.યુ. થકી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના તજજ્ઞો તથા વિદ્યાર્થીઓને ફિઝીકલ ફિટનેસ મેન્ટલ વેલનેસ તથા રમતગમતના સર્વાંગી વિકાસ જેવા ક્ષેત્રોમાં શારીરિક શિક્ષણ, રમત વિજ્ઞાન અને રમત ટેકનોલોજીના માધ્યમથી બન્ને યુનિવર્સિટીના પારસ્પરિક હિતોને ઉત્તેજન અને વિકાસ માટેના કાર્યમાં સહયોગ સાધવા આ એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. અર્જુનસિંહ રાણાએ આ એમ.ઓ.યુ. અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ખેલ સ્પર્ધાઓમાં દેશના ખેલાડીઓ માટે સ્પોર્ટસ એન્ટી ડોપિંગ, ખેલાડીઓના મૂળભૂત હક તથા સ્પોર્ટસ લો માટે બન્ને યુનિવર્સિટી સંયુકત ઉપક્રમે કામ કરી, ખેલાડીઓ માટે આ માળખાકીય સુવિધાઓ રાજ્યના છેવાડાના યુવાનો સુધી પહોંચે તેમજ ખેલાડીઓને આ સુવિધાનો સંપૂર્ણ લાભ મેળવી ઓલિમ્પિક કક્ષા સુધી પહોંચે તે માટે દ્રઢ નિર્ધાર કર્યો હતો.

ગુજરાત રાજ્યના પ્રગતિશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા યુવા રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના રમતગમત ક્ષેત્રના વિકાસ અને પ્રોત્સાહન માટે તથા ગુજરાતના તમામ બાળકોને બાળપણથી તેમની પ્રિય રમતગમત અંગેના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નિયમો માટે જાણકાર બનાવવા તથા તેના તમામ સ્વરૂપોમાં રમતગમતમાં ડોપિંગ નિયંત્રણ, સંકલન અને દેખરેખ માટેના ઉમદા હેતુથી આ સમજુતી કરારને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવ શ્રી અશ્વિનીકુમાર (આઈએએસ) દ્વારા આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

(2:53 pm IST)