Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જનરલ બોર્ડ કોઇના બાપનું નથી ! કોંગ્રેસ બેફામ : મેયરની ચેતવણી

મ.ન.પા.ની સામાન્ય સભામાં રાજકિય આક્ષેપબાજીમાં વશરામભાઇ સાગઠિયાએ હદ વળોટી કહ્યું... : શબ્દો પાછા ખેંચવા બાબતે ભાજપના જયમીન ઠાકર - કોંગ્રેસના વશરામભાઇ સામસામે આવી જતા ધમાલ : પુષ્કર પટેલ - મનીષ રાડિયા - વિનુભાઇ ધવાએ મામલો થાળે પાડયો : હવે પછી કોઇ બિનસંસદીય ભાષા પ્રયોગ કરશે તો સસ્પેન્ડ કરાશે : પ્રદિપ ડવ લાલઘુમ

જનરલ બોર્ડમાં વશરામભાઇ સાગઠિયા, જમીન ઠાકર સામસામે આવી ગયા બાદ ધમાલ મચી હતી તે વખતની તસ્વીરમાં પુષ્કર પટેલ, મનીષ રાડિયા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શીતા શાહ, મ્યુ. કમિશનર અમિત અરોરા વગેરે દર્શાય છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ : આજે મ.ન.પા.ના જનરલ બોર્ડમાં શાસકપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે હંમેશની જેમ રાજકિય આક્ષેપબાજીઓ થવા લાગી હતી. આ દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ વિપક્ષી સભ્યને બોર્ડમાં બોલવા દેવા બાબતની ટીપ્પણીના પ્રત્યુતરમાં બોર્ડ કોઇના બાપનું નથી. 'પ્રજાએ ચૂંટેલા બધાને બોલવાનો અધિકાર છે.' તેવું જણાવતા ભાજપના જયમીન ઠાકરે આ શબ્દોને બિનસંસદીય ગણાવી પાછા ખેંચવાની માંગ

સાથે વશરામભાઇ પાસે ધસી ગયા હતા અને બંને વચ્ચે ધમાલ મચી ગઇ હતી. જો કે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, જયમીન ઠાકર અને નેતા વિનુભાઇ ધવાએ મામલો થાળે પાડતા પ્રશ્નોતરી આગળ હતી પરંતુ સભા અધ્યક્ષ મેયરે આ બાબતે હવે પછી સભ્યને સસ્પેન્ડ કરાશે તેવી કડક ચેતવણી આપી હતી.

આ અંગેની વિગતો મુજબ આજે જનરલ બોર્ડમાં વેરા વસુલાત સંબંધની પ્રશ્નોત્તરી દરમિયાન પૂર્વ વિપક્ષી નેતાને ચર્ચામાં ભાગ લેવા સભા અધ્યક્ષ મેયર પ્રદિપ ડવે મંજુરી આપતા ભાજપના કોર્પોરેટર નિરૂભા વાઘેલાએ 'વિપક્ષને બોલવાનો મોકો અપાયો છે' તેવી ટીપ્પણી કરતા પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા ઉકળી ઉઠયા હતા અને સામાન્ય સભામાં સરાજાહેર માઇકમાં બોલ્યા કે 'જનરલ બોર્ડ કોઇના બાપનુ નથી, પ્રજાએ ચૂંટેલા દરેક સભ્યને બોલવાનો અધિકાર છે તેવી આમા શાસકપક્ષે કોઇ ઉપકાર નથી કર્યો.'

આમ, આ પ્રકારની બિનસંસદીય ભાષાનો બોર્ડમાં પ્રયોગ થતાં ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે 'આવા શબ્દો પાછા ખેંચવા ઉગ્ર માંગ ઉઠાવી વશરામભાઇ પાસે ધસી ગયા હતા અને બંને સામસામે આવી જતા ધમાલ મચી હતી. જો કે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, સભ્ય મનીષ રાડિયા, શાસક નેતા વિનુભાઇ ધવાએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.'

દરમિયાન જનરલ બોર્ડ પુરૂ થયા બાદ મેયર પ્રદિપ ડવે પણ આ મામલે હવે પછી આકરા પગલાની ચેતવણી ઉચ્ચારી કહ્યું હતું કે, હવે પછી જનરલ બોર્ડમાં કોઇપણ સભ્ય બિનસંસદીય ભાષાનો પ્રયોગ કરશે તો તે સભ્યને બોર્ડમાંથી સસ્પેન્ડ કરાશે.(૨૧.૪૦)

સામાન્ય સભામાં ભાજપના પાંચ સભ્યો ગેરહાજર

રાજકોટ : આજે મળેલ મનપાની સામાન્ય સભામાં ભાજપના ૬૮ પૈકી ૬૩ સભ્યો તથા કોંગ્રેસના તમામ ૪ સભ્યો સહિત કુલ ૭ર પૈકી ૬૭ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના પાંચ સભ્યોએ અગાઉ રજા રિપોર્ટ આપ્યા હતા. (પ-રર)

કોંગ્રેસે ભાજપની પ્રવાહી સ્થિતિને હવા આપી

વશરામભાઇ સાગઠિયાએ વિજયભાઇ રૂપાણી  નેહલ શુકલને બોર્ડમાં અભિનંદન પાઠવ્યા

રાજકોટ : મ.ન.પા.ના શાસક પક્ષ ભાજપમાં વર્તમાન જુથવાદની પ્રવાહી સ્થિતિ જાહેરમાં ચર્ચાઇ રહી છે ત્યારે જનરલ બોર્ડમાં પૂર્વ વિપક્ષી નેતાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના વિકાસકામો માટે મ.ન.પા.ને વધુને વધુ સરકારી સહાય આપી તે માટે બોર્ડમાં અભિનંદન પાઠવ્યા હતા. તેવી જ રીતે નેહલભાઇ શુકલને પણ મ.ન.પા.માં વર્તમાન વહિવટી પ્રક્રિયામાં કોર્પોરેટરોને વિશ્વાસમાં લેવાતા નહી હોવા બાબતે અવાજ ઉઠાવવા બદલ અભિનંદન પાઠવી અને જણાવેલ કે, કશ્યપભાઇ પછી નેહલભાઇ પણ પ્રજાના અવાજને વાચા આપી રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો.  આમ, વિપક્ષ કોંગ્રેસે 'મિઠા અભિનંદન'ને કારણે ભાજપની વર્તમાન પ્રવાહી સ્થિતિને 'હવા' આપી હતી.

(3:03 pm IST)