Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

આત્મનિર્ભર યાત્રા વડાપ્રધાનના અભિયાનને સાર્થક બનાવશે : વિશ્વકર્મા

ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ : રાજકોટ ખાતે ગ્રામયાત્રાને લીલીઝંડી આપતા મંત્રી જગદીશભાઇ : રાજકોટ જિલ્લાના ૨૮.૭૫ કરોડના ૪૯૩ કાર્યો તથા ૧૮૧૨ લાભાર્થીઓને ૨.૨૨ કરોડની યોજનાકીય સહાયનું ઇ-લોકાર્પણ : લાભાર્થીઓને ચેક - આવાસ યોજનાની ચાવી - સનદનું વિતરણ : નરેન્દ્રભાઇનો આભાર માનતા પત્રો લખવા લોકોને અપીલ

રાજકોટ તા. ૧૮  : 'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત ત્રિદિવસીય રાજયવ્યાપી 'આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રા' અન્વયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી કુટિર ઉદ્યોગ, સહકાર, કલાઈમેટ ચેન્જ, વન પર્યાવરણ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે  પ્રારંભ કરાયો હતો.

રાજકોટ જિલ્લાના કુલ ૨૮.૭૫ કરોડના ૪૯૩ વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા ૧,૮૧૨ લાભાર્થીઓને કુલ રૂપિયા ૨..૨૨ કરોડની યોજનાકીય સહાયના કાર્યક્રમો નું ઈ-લોકાર્પણ કરતા મંત્રીશ્રી જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમા રાજયમાં ખેડૂતો, મહિલાઓ સહીત ગ્રામીણ ક્ષેત્રમાં લોકો વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે.

મંત્રીશ્રીએ લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલા પ્રગતિ કરે તે માટે અમલી બનાવાયેલી સખીમંડળ, મિશન મંગલમ જેવી યોજનાઓ ખૂબ સફળ થઈ છે. મહિલાઓ રાજય સરકારની ગ્રાન્ટ થકી આત્મનિર્ભર બની રહી છે. પ્રધાનમંત્રીશ્રીના અથાક પ્રયત્નોથી મહિલા સશકિતકરણને વેગ મળ્યો છે. 'માં' યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. 'ઉજવલા' યોજના તળે અનેક મહિલાઓને ગેસ કનેસકશન મળ્યા છે. જનધન ખાતાઓ દ્વારા લોકોને બચત અને સહાય સીધી તેમના ખાતા મારફતે મળી રહી છે.  

મંત્રીશ્રીએ યાત્રા અંગે વિશેષ માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, આ યાત્રા રાજયના ૧૮ હજાર જેટલા ગામડાઓમાં પસાર થઈ પ્રજાની વચ્ચે જઈ તેમને મળવાપાત્ર લાભો અંગે જાણકારી પૂરી પાડશે, લોકોના પ્રશ્નોનું સમાધાન કરશે. સ્વચ્છતા અને ગ્રામીણ વિકાસની સરવાણી આગળ ધપાવશે.  

આ તકે મંત્રીશ્રી વિશ્વકર્માએ લાભાર્થીઓને મળેલ સહાય બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને કાગળ લખી કૃતજ્ઞતા વ્યકત કરવા ઉપસ્થિતોને ખાસ આહવાન કર્યું હતું.

ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે તેમના વકતવ્યમાં રાજય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે પોષણક્ષમ ભાવો પૂરા પાડવા માટે કરવામાં આવેલ પહેલને આવકારી તેનાથી  ખેડૂતોને થતાં લાભો અંગે વાત કરી રાજય સરકાર હંમેશા ખેડૂતલક્ષી અને તેમના હિત માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આ તકે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના સામે વેકિસનેશન કામગીરીને બિરદાવી કોરોના સામે લોકોને સુરક્ષિત કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. યાત્રા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થકી પ્રજાલક્ષી કામગીરી જન જન સુધી પહોંચે તે માટે તેઓએ આ યાત્રા સફળ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરે પ્રાસંગિક પ્રવચનમાં ગામેગામ વેકિસનેશન કાર્યક્રમ ખૂબ સફળ બને તે માટે વહીવટી તંત્રની સકારાત્મક કામગીરીની સરાહના કરી રહી હતી. લોકો જાગૃત બની કોરોના સામે સુરક્ષિત બને તે માટે તેઓએ ખાસ અપીલ કરી હતી

કાર્યક્રમમાં સખી મંડળની મહિલાઓએ રાજય સરકાર દ્વારા તેમને મળેલ લોન સહાય અને તેમના થકી મહિલાઓ આત્મનિર્ભર બની હોવાનું આ તકે જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચન કરતા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ લોકોને યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર સમયબદ્ઘ કામગીરી કરી રહ્યું છે.

આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોનું બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર પુષ્પકુંજ ચડાવી અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રીશ્રી દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રાજયવ્યાપી કાર્યક્રમનું લાઈવ મહાનુભાવોએ નિહાળ્યું હતું. કાર્યક્રમ સ્થળે આયુર્વેદિક નિદાન તેમજ વેકિસનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા સાંસદશ્રી રામભાઇ મોકરીયા, અગ્રણીઓ સર્વેશ્રી ડી.કે. સખિયા, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ,  મનસુખભાઈ રામાણી,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. પટેલ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)