Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જિલ્લા પંચાયતમાં 'ઓનલાઈન' બજેટની તૈયારી

પરંપરાગત પદ્ધતિમાં પરિવર્તનઃ ફેબ્રુઆરીમાં બજેટઃ પેપરલેસ તરફ આગે કદમ

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય સરકાર ટેકનોલોજી આધારિત પેપરલેસ વહીવટ પર ભાર મુકી રહી છે. તેના અનુસંધાને જિલ્લા પંચાયતમાં આગામી બજેટ ઓનલાઈન રજૂ થાય તેવા નિર્દેશ મળે છે. નવા નાણાકીય વર્ષના બજેટની પ્રાથમિક તૈયારી શરૂ થઈ ચૂકી છે. આવતા ફેબ્રુઆરીમાં ચાલુ વર્ષના સુધારા બજેટ સાથે નવા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું રાબેતા મુજબનું બજેટ રજૂ કરવામાં આવશે. પરંપરાગત પદ્ધતિમાં પરિવર્તન લાવી ઓનલાઈન બજેટ રજુ કરવાની દિશા પકડવામાં આવી છે.

વર્ષ ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં પંચાયતની સામાન્ય ચૂંટણી હતી. માર્ચ મધ્યે નવી ચૂંટાયેલી પાંખે શાસન સંભાળેલ. બજેટને બહાલી આપવા માટે સમયની અત્યંત મર્યાદા હતી. અગાઉના શાસકોએ તૈયાર કરેલા બજેટને નવા શાસકોએ મહદઅંશે યથાવત રાખી બહાલી આપેલ. આ વખતે શાસકોને પોતાની ઈચ્છા મુજબનું બજેટ બનાવવાની અનુકુળતા છે.

જો ઓનલાઈન બજેટ રજૂ થાય તો કાગળો દ્વારા અપાતી તેની નકલની પદ્ધતિ ચાલુ રહેશે કે કેમ ? તે નક્કી નથી. બધા સભ્યો પાસે બજેટમાં ઓનલાઈન ભાગ લેવાની સુવિધા કે જાણકારી ન હોય તે સ્વભાવિક છે. નવી પદ્ધતિમાં શું વિકલ્પ આપવામાં આવે છે ? તે હવે પછી ખ્યાલ આવશે. પંચાયતના ઈતિહાસમાં ઓનલાઈન બજેટ પ્રથમ વખત રજૂ થશે તેમ પંચાયતના સૂત્રોનું કહેવુ છે.

(3:39 pm IST)