Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મોબાઇલ ટાવરના વેરા સહિતની વેરા વસુલાત બાબતે તંત્રને આડે હાથ લેતા કોર્પોરેટરો

મ.ન.પા.ના બોર્ડમાં આજે 'સરમુખત્યારશાહી' ન ચાલી : કોંગ્રેસને બોલવાની તક : પ્રજાના પ્રશ્નો ચર્ચાયા : ટાવરનો વેરો નહી ઉઘરાવી તંત્રએ આર્થિક નુકસાની વેઠી : વશરામ સાગઠિયાનો આક્ષેપ : વેરા વસુલાતમાં વોર્ડ ઓફિસરની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા મનીષ રાડિયા : ટેકસ વિભાગમાં વર્ષોથી ચિટકી રહેલા કર્મચારીઓ સામે નેહલ શુકલે ઉઠાવ્યો સવાલ : પાણી વેરાની આવક બાબતે દેવાંગ માંકડનો પેટા પ્રશ્ન

રાજકોટ તા. ૧૮ : મ.ન.પા.ના જનરલ બોર્ડમાં આજે ઘણા સમય પછી પ્રજાના સાચા પ્રશ્નની ચર્ચા થઇ હતી. કેમકે શાસક પક્ષ ભાજપે વિપક્ષને બોલવાની મંજુરી આપી હતી. જેથી વિપક્ષી સભ્યો ઉપરાંત ભાજપના કોર્પોરેટરોએ એકસંપ કરી વેરા વસુલાત બાબતે તંત્રને ઘેરી લીધું હતું.

આજના જનરલ બોર્ડમાં ભાજપના વોર્ડ નં. ૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ પેટા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

વશરામભાઇ સાગઠિયા

પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ શહેરમાં મોબાઇલ ટાવરોના વેરાના માંગણા તથા ટાવરના વેરા દરમાં ઘટાડા અંગે પ્રશ્ન ઉઠાવતા મ્યુ. કમિશનરે સ્વીકાર્યુ હતું કે, મોબાઇલ ટાવરનો વેરામાં અગાઉ ૧૩૨ કરોડનું લેણુ હતું પરંતુ દર ઘટયા બાદ હાલમાં ૧૭ કરોડનું લેણુ બાકી છે પરંતુ આ બાબતે કાનુની લડત ચાલતી હોવાથી કામગીરી સ્થગીત છે.

આથી વશરામભાઇએ એવો આક્ષેપ કરેલ કે, 'તંત્રએ ટાવરનો વેરો વસુલવામાં ઢીલ રાખી અને આર્થિક નુકસાન પહોચાડયું છે.'

નેહલ શુકલ

ભાજપના કોર્પોરેટર નેહલ શુકલે વેરા વિભાગમાં સતત પાંચ વર્ષે સુધી કેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે તેવી માહિતી માંગી હતી.

કેતન પટેલ

કેતન પટેલે જુદા-જુદા વિસ્તારોના જંગીદર, કોમર્શિયલ અને રહેણાંક મકાનોના આકરણી દર બાબતે સવાલો ઉઠાવ્યા હતા.

મનીષ રાડિયા

સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય મનીષ રાડિયાએ વોર્ડ ઓફિસરની ભૂમિકા વેરા વસુલાતમાં શું હોય છે તે વિષે માહિતી માંગી હતી.

સુરેન્દ્રસિંહ વાળા

શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ 'સરકારી કચેરીઓ પાસેથી કેટલી વેરા વસુલાત કરવાની બાકી છે?' તે બાબતે માહિતી માંગી હતી.

દેવાંગ માંકડ

વોટર વર્કસ ચેરમેન દેવાંગ માંકડે પાણી વેરો કેટલો બાકી છે તેના વ્યાજની કેટલી રકમ બાકી છે તે બાબતે માહિતી માંગી હતી.

વિનુભાઇ ધવા

શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવાએ સુચિત સોસાયટીમાં વેરા વસુલાતની પધ્ધતિ અંગે જાણકારી માંગી હતી.

નિરૂભા વાઘેલા

ભાજપના કોર્પોરેટર નિરૂભા વાઘેલાએ કાર્પેટ એરીયા આકારણી માટે ખાનગી એજન્સીએ કરેલ કાર્યવાહી તેમજ તેના રિ-સર્વે બાબતની વિગતો માંગી હતી.

આમ, આજે સતત ૧ કલાક સુધી કોર્પોરેટરોએ વેરા વસુલાત સંદર્ભે તંત્ર ઉપર તડાપીટ બોલાવી હતી.(૨૧.૪૩)

(તસ્વીર : અશોક બગથરિયા)

(3:41 pm IST)