Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મિડીયાકર્મી તાલીમાર્થીઓ પ્રિલીમીનરી પરીક્ષામાં પ૦માંથી ૩પ છાત્રોએ અને ૩પ છાત્રોમાંથી ૧૧ છાત્રોએ મેઇન્સ પરીક્ષા ક્રેક કરી

રાજકોટ : સૌરષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી - જુદી સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોનાં મારફત યોજવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક છાત્રોનું સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થયું છે. તાજેતરમાં માહિતી પ્રસારણ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરનાં ભરતી બોર્ડ દ્વારા નાયબ માહિતી નિયામક વર્ગ-૧, સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-ર ની કુલ ર૩ જગ્યાઓ માટે પ્રિલીમીનરી પરીક્ષાની ૧૦૦ કલાકની નિઃશુલ્ક તાલીમનું આયોજન સીસીડીસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં પ૦ જેટલા મિડીયા કર્મી તાલીમાર્થીઓ જોડાયા હતાં. જેમાંથી ૩પ તાલીમાર્થીઓએ પરિશ્રમની કરી સફળતા મેળવેલ. ૩પ સફળ તાલીમાર્થીઓને મેઇન્સ પરીક્ષાની સઘન તાલીમ અંગ્રેજીનાં તજજ્ઞ નિષ્ણાંત અમીનભાઇ ધારાણી અને ગુજરાતીના તજજ્ઞ નિષ્ણાંત શ્રીમતી પ્રજ્ઞાબેન ધામેચા તથા ધવલભાઇ મારૂ મારફત ૧૦૦ કલાકનું નિબંધલેખન, પત્રલેખન, સિનટેકસ, અહેવાલ લેખન વગેરે વિસ્તરણાત્મક લેખિત પરીક્ષાનું નિઃશુલ્ક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. આ તાલીમાર્થીઓનું સચોટ માર્ગદર્શન અને તાલીમાર્થીઓની સખ્ત મહેનત રંગ લાવી અને મેઇન્સ પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવેલ છે ત્યારે તાલીમાર્થીઓને યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, કુલસચિવ નિલેશભાઇ સોની, સીસીડીસીનાં સંયોજક ડો. નિકેશભાઇ શાહ અને ટીમ સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, શ્રીમતી દિપ્તીબેન ભલાણી, આશીષભાઇ કિડીયા, હીરાબેન, સોનલબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(4:06 pm IST)