Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રવિવારે નરેન્‍દ્રભાઇ ધોરાજીમાં : રાજકોટ એરપોર્ટ પર એરફોર્સના વિમાનનું આગમન

વેરાવળથી સીધા ધોરાજી બપોર બાદ જાહેરસભા સંબોધવા પહોંચશે : ઝેડ પ્‍લસ સીકયુટીરી સંદર્ભે એસ.પી.જી. કમાન્‍ડો આવી પહોંચ્‍યા : કલેકટર દ્વારા નિયમો મુજબ પ્રોટોકલ અપાશે : સરકીટ હાઉસ-સીવીલ હોસ્‍પિટલ ખાતે ખાસ રૂમ-વોર્ડ ઉભા કરાયા : રાજકોટથી કલેકટર સહિત કોઇ અધિકારી નહિ જાય

રાજકોટ, તા. ૧૭ :  ભાજપના ઉમેદવારો ફાઇનલ થતા જ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇના ઝંઝાવાતી પ્રવાસ ગોઠવાયો છે, તેઓ ર૦ થી રપ સભા અને અર્ધો ડઝન રોડ શો પણ કરવાના છે.

દરમિયાન રાજકોટ જીલ્લામાં વડાપ્રધાનનો કાર્યક્રમ ધોરાજીમાં ગોઠવાયો છે, તેઓ રવીવારે બપોરે ૧ર-૪પ વાગ્‍યે વેરાવળથી ધોરાજી આવી પહોંચશે, તેમની ઝેડ પ્‍લસ સુરક્ષા વ્‍યવસ્‍થા હોય, આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર એરફોર્સનું સ્‍પે. વિમાન એલપીજીના રપ થી વધુ કમાન્‍ડો સાથે આવી પહોંચ્‍યુ હતુ અને કલેકટર-પોલીસ સાથે મીટીંગ કરી આ કમાન્‍ડો ધોરાજી બપોર બાદ જાય તેવી શકયતા છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, કલેકટર તંત્ર દ્વારા એરપોર્ટ-ધોરાજીમાં પ્રોટોકોલ મુજબ સિકયુરીટી અપાશે, રાજકોટ જીલ્લા પોલીસ તંત્ર સુરક્ષા અંગે તમામ વ્‍યવસ્‍થા કરશે, રાજકોટ-સરકીટ હાઉસમાં પ્રોટોકલ મુજબ ર થી ૩ રૂમ તમામ સુવિધા સાથે તૈયાર રખાશે, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે પણ ડોકટરો ની ટીમ સાથેનો સ્‍પે. વોર્ડ ઉભો કરવા સૂચના અપાઇ છે.

કલેકટરે જણાવેલ કે ધોરાજીમાં પણ પ્રાંત તથા પોલીસ તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ આરોગ્‍ય કેન્‍દ્ર, આરામગૃહમાં તમામ વ્‍યવસ્‍થા થઇ રહી છે. તેમણે ઉમેરેલ કે આચાર સંહિતા હોય રાજકોટથી કલેકટર કે અમારા તંત્રના કોઇ અધીકારી નહિ જાય, કલેકટરે ઉમેરેલ કે વડાપ્રધાન રવીવારે વેરાવળથી સીધા ધોરાજી આવવાના છે, હાલ રાજકોટમાં રોકાણ કે રાજકોટથી ધોરાજી જાય તેવો કોઇ પોગ્રામ આવ્‍યો નથી.

 

(3:30 pm IST)