Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નિર્મલા રોડ પર ધોળે દિવસે સિંધી અગ્રણીના બંગલામાં પુત્રવધૂ તાન્‍યાબેનને હથોડીના ઘા ઝીંકી લૂંટ

તાન્‍યાબેન વિવેકભાઇ બાલચંદાણી (ઉ.વ.૪૦) બપોરે પુત્રને શાળાએથી તેડી ઘરે આવ્‍યા અને કમ્‍પાઉન્‍ડમાં રસોડા તરફનો દરવાજો ખોલી રહ્યા હતાં ત્‍યારે પાછળથી આવેલા લૂંટારૂએ ઘા ઝીંક્‍યાઃ ચાર વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી પણ દીધી : લૂંટારાએ કાળુ માસ્‍ક પહેર્યુ હતું, હિન્‍દી ભાષામાં બોલતો હતોઃ સોનાની બંગડીઓ લૂંટી ગયો : શ્રીચંદભાઇ બુલચંદાણીને શાપરમાં એમ્‍પાયર ફલોર મીલઃ જમીન-મકાનના મોટા ધંધાર્થીઃ બે શોપીંગ મોલ ધરાવે છે : ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ, એસઓજીનો કાફલો ઘટના સ્‍થળેઃ હુમલામાં ઘાયલ તાન્‍યાબેનને સિનર્જી હોસ્‍પિટલમાં ખસેડાયા

લૂંટારૂના હુમલામાં ઘાયલ થયેલા તાન્યાબેન વિવેકભાઇ બુલચંદાણી સારવાર હેઠળ છે, ઘટનાથી તેઓ ભારે હતપ્રભ થઇ ગયા હતાં

તાન્યાબેન અને તેમના પતિ વિવેકભાઇ બુલચંદાણી

સનસનાટીઃ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતાં નિર્મલા રોડ પર ધોળે દિવસે સિંધી અગ્રણીના બંગલામાં ઘુસી તેમના પુત્રવધૂ પર હથોડીથી હૂમલો કરી એક લૂંટારૂ સોનાની બંગડીની લૂંટ કરી ભાગી જતાં સનસનાટી મચી ગઇ હતી. તસ્‍વીરમાં જ્‍યાં ઘટના બની તે પારિજાત બંગલો, ઘટના સ્‍થળે ગાંધીગ્રામ પીઆઇ એસ. એસ. રાણે, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, એલ. એલ. ચાવડા, બી. ટી. ગોહિલ અને ટીમો તથા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો કાફલો તથા બંગલાના માલિક શ્રીચંદભાઇ પેરૂમલભાઇ બાલચંદાણી સોૈથી છેલ્લે (નીચે) જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: શહેરમાં સતત ધમધમતાં રહેતાં નિર્મલા રોડ પર નિર્મલા સ્‍કૂલની બરાબર સામે જ પારસ સોસાયટીમાં આવેલા સિંધી અગ્રણીના પારિજાત' બંગલોમાં ધોળા દિવસે ત્રાટકેલો એક લૂંટારૂ અગ્રણીના પુત્રવધૂના માથામાં હથોડીના ઘા ઝીંકી સોનાની બંગડીઓ અને બ્રેસલેટ લૂંટીને ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે. તેણી બપોરે દિકરાને સ્‍કૂલેથી લઇને બંગલાના કમ્‍પાઉન્‍ડમાં આવ્‍યા અને રસોડા તરફનો દરવાજો ખોલી રહ્યા હતાં ત્‍યાં જ લૂંટારૂ ધસી આવ્‍યો હતો અને હુમલો કરી દિકરાને મારી નાખવાની ધમકી આપી સોનાના દાગીના ઉતરાવી લૂંટ કરી ભાગી જતાં ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ અને એસઓજીએ ઘટના સ્‍થળે પહોંચી તપાસ આદરી છે. હુમલામાં ઘાયલ અગ્રણીના પુત્રવધૂને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ નિર્મલા રોડ પર પારસ સોસાયટી ૩૭-પારિજાત ખાતે રહેતાં અને શાપરમાં એમ્‍પાયર ફલોર નામે લોટનો મોટો ધંધો ધરાવતાં તેમજ જમીન મકાનના ધંધામાં મોટુ નામ ધરાવતાં અને બે શોપીંગ મોલ પણ ધરાવતાં સિંધી આગેવાન શ્રીચંદભાઇ પેરૂમલભાઇ બાલચંદાણી (ઉ.વ.૮૦)ના બંગલોમાં બપોરે લૂંટની ઘટના બનતા સનસનાટી મચી ગઇ હતી. શ્રીચંદભાઇના પુત્રવધૂ તાન્‍યાબેન વિવેકભાઇ બાલચંદાણી (ઉ.વ.૪૦) બપોરે પોતાના પાંચ વર્ષના પુત્ર શોનને સ્‍કૂલેથી તેડીને પોતાના બંગલા પર પહોંચ્‍યા અને ગેઇટ ખોલી અંદર જઇ રસોડા તરફનો દરવાજો ખોલતાં હતાં ત્‍યાં જ એક શખ્‍સ ધસી આવ્‍યો હતો. તેણે મોઢા પર કાળુ માસ્‍ક પહેર્યુ હતું અને હિન્‍દી ભાષામાં ચાબી દે દો' તેમ કહેતાં તાન્‍યાબેને આનાકાની કરતાં ઝપાઝપી થઇ હતી અને એ શખ્‍સે હથોડી કાઢી તેના દિકરાને મારી નાખવાની ધમકી આપી તેમના હાથમાંથી સોનાની બંગડી લૂંટી લીધી હતી.

માથા પર હથોડીના ઘા ઝીંકાતા તાન્‍યાબેન લોહીલુહાણ થઇ ગયા હતાં. તેમનો દિકરો પણ ચીસાચીસ કરવા માંડયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં લૂંટારૂ ભાગી ગયો હતો. પોલીસને જાણ થતાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, એલ. એલ. ચાવડા, પીઆઇ બી. ટી. ગોહિલ, ચેતનસિંહ ગોહિલ, ગાંધીગ્રામ પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. જી. રાણા, શક્‍તિસિંહ ગોહિલ સહિતની ટીમો પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.

હુમલામાં ઘાયલ તાન્‍યાબેનને સારવાર માટે સિનર્જી હોસ્‍પિટલમાં ખસેડાયા હોઇ અધિકારીઓએ ત્‍યાં પહોંચી વિગતો મેળવી હતી. તાન્‍યાબેન આ ઘટનાથી ખુબ જ હેબતાઇ ગયા હતાં. તેમણે કહ્યુ઼ હતું કે પોતે દિકરાને શાળાએથી તેડીને ઘરે આવ્‍યા અને દરવાજો ખોલી રહ્યા હતાં ત્‍યાં જ મોઢે માસ્‍ક પહેરેલા હિન્‍દી ભાષીએ ધસી આવી દિકરાને મારી નાખવાની ધમકી આપી કબાટની ચાવી માંગી હતી. જે મેં આપવાનો ઇન્‍કાર કરતાં મારા માથામાં હથોડીના ઘા મારી હાથમાંથી સોનાની બંગડી કાઢી લૂંટી લીધી હતી. દેકારો થતાં તે ભાગી ગયો હતો. પોલીસે તેમની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

પારિજાત બંગલોમાં રહેતાં શ્રીચંદભાઇ ફેરૂમલભાઇ બુલચંદાણી શાપરમાં એમ્‍પાયર ફલોર મીલ ધરાવે છે તેમજ સાધુ વાસવાણી રોડ અને રણછોડનગરમાં તાજેતરમાં તેમણે બે શોપીંગ મોલ પણ બનાવ્‍યા છે.  તેમની સાથે આ બંગલામાં પુત્ર વિવેકભાઇ, પુત્રવધૂ તાન્‍યાબેન અને પોૈત્ર રહે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ એકઠા કરવા અને લૂંટારૂને શોધી કાઢવા દોડધામ આદરી છે. લૂંટની ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે નિર્મલા રોડ સહિત શહેરભરમાં સનસનાટી મચી ગઇ હતી.

રૂમની અંદર પણ લૂંટારૂ ઘુસી ગયો અને કબાટની ચાવી માંગીઃ ન આપતાં ઝપાઝપી કરી હથોડીના ઘા ઝીંક્‍યા

રૂમમાં પણ લોહીનુ ખાબોચીયું: કબાટ, ટેબલના ખાના વેરવિખેર કરી નાંખ્‍યા

રાજકોટઃ પારિજાત બંગલોમાં  ધોળે દિવસે ત્રાટકેલો લૂંટારૂ તાન્‍યાબેન બાલચંદાણી બંગલોનો ગેઇટ ખોલી અંદર આવ્‍યા અને દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ્‍યા ત્‍યાં જ લૂંટારૂ પાછળ પાછળ ધસી આવ્‍યો હતો. તેણે કાળુ માસ્‍ક પહેરી રાખ્‍યું હતું. હિન્‍દી ભાષામાં તેણે તાન્‍યાબેન પાસે કબાટની ચાવી માંગી હતી. જે તેણે આપવાની આનાકાની કરતાં તેણે હથોડીથી હુમલો કરી દીધો હતો. એ કારણે તાન્‍યાબેન પડી ગયા હતાં અને રૂમમાં લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયું હતું. લૂંટારાએ કબાટ અને ટેબલના ખાના વેરવિખેર કરી નાખ્‍યા હતાં. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે.  તપાસ માટે ડોગ સ્‍ક્‍વોડ પણ પહોંચી હતી.(ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)