Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાજપે સરકારી સ્‍કુલો અને હોસ્‍પિટલો ભંગારમાં ભંગાર કરી નાખી

ઇન્‍દ્રનિલ રાજયગુરૂનો ભવ્‍ય રોડ શો : ડેમો અને નહેરો બાંધવાના વિચાર કોંગ્રેસના જ હતા, ભાજપ ખોટો જશ ન લ્‍યેઃ સતા માટે કોંગ્રેસ કયારેય હલ્‍કી કક્ષાએ ગયુ નથીઃ ભાજપના શાસનમાં મોંઘવારી-ભ્રષ્‍ટાચારએ ભરડો લીધો છેઃ ‘આપ'ના સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા

રાજકોટઃ રાજકોટ-૬૮ એટલેકે પૂર્વ મત વિસ્‍તારના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજગુરુને પ્રચંડ લોકસમર્થન મળી રહયુ છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચાઇ ગયા બાદ ચિત્ર સ્‍પષ્‍ટ થઇ ગયુ છે અને તેમના પ્રચારે સ્‍પીડ પકડી છે. જુદા જુદા વિસ્‍તારમાં તેમના કાયલયો ખુલી રહયા છે તેમજ રોડ-શો પણ યોજાઇ રહયો છે. ઇન્‍દ્રનીલ રાજગુરૂના રોડ-શોમાં અત્‍યાર સુધી એકત્ર ન થઇ હોય એટલી મેદની જોવા મળે છે. આ સમગ્ર વિસ્‍તારના લોકો ઇન્‍દ્રનીલ રાજગુરુને એક સાચા લોકસેવક તરીકે ઓળખે છે. તેમણે ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન કરેલા વિકાસ કાર્યો હજુ પણ લોકોને યાદ છે. ગઇકાલે વોર્ડ નં.૪માં મધ્‍યસ્‍થ કાર્યાલયના ઉદઘાટનના સમયે પણ વિશાળ જનસંખ્‍યા એકત્ર થઇ હતી અને બધાએ એક અવાજે ઇન્‍દ્રનીલ રાજગુરૂને ચૂંટ કાઢવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હોવાનું યાદીમાં જણાવાયુ છે.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી ચેતન સોરઠીયા અન્‍ય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે પણ તન-મન અને ધનથી ઇન્‍દ્રનીલ રાજગુરૂને વિજયી બનાવવા માટે કામે લાગી જવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે ઇન્‍દ્રનીલ રાજગુરૂએ કહયુ હતું કે, કોંગ્રેસે વર્ષો પહેલા વિનામૂલ્‍યે શિક્ષણ અને તબીબી સુવિધાઓ આપેલી હતી પરંતુ ભારતીય જનતા પક્ષે તેનું કોર્પોરેટ કલ્‍ચર કરી નાખ્‍યુ છે અને આ બન્ને સેવાઓને મોંઘી કરી નાખી છે. કોંગ્રેસે શરૂ કરેલી સરકારી હોસ્‍પિટલો અને સરકારી શાળાઓમાં પુરતી સુવિધા હતી અને લોકો મોટી સંખ્‍યામાં તેનો લાભ પણ લેતા હતા. હવે આજે ભારતીય જનતા પક્ષ અને આમ આદમી પાર્ટી ખોટો જશ ખાટવાનો પ્રયાસ કરે છે.

ઇન્‍દ્રનીલે કહયુ હતુ કે, ભારતીય જનતા પક્ષે સરકારી સ્‍કુલો અને સરકારી હોસ્‍પિટલોની હાલત ખરાબ કરી નાખી છે અને પ્રજાને સસ્‍તાદરે જે સુવિધા મળતી હતી તે પણ બંધ કરાવી નાખી છે. ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને આવી સ્‍કુલો અને હોસ્‍પિટલોનું ખાનગીકરણ કરીને સોંપી દીધી છે અને નફાખોરી કરી છે. આવી સ્‍થિતિમાં દેશમાં મોંઘવારીએ ફૂંફાડો માર્યો છે. ભાજપના શાસનમાં ભ્રષ્‍ટાચારે પણ ભરડો લીધો છે. થોડો વરસાદ આવે ત્‍યાં રસ્‍તાઓ તૂટી જાય છે. ઇન્‍દ્રનીલ રાજગુરુએ ઉમેયુ હતુ કે, ભારતીય જનતા પક્ષના નેતાઓ વિકાસકાર્યો કરવાના બણગા ફૂકે છે અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરે છે પરંતુ નર્મદા ડેમ કોંગ્રેસની સરકારે બાંધ્‍યો હતો અને ૯૯ ટકા જેટલું કામ કોંગ્રેસના સમયગાળામાં પુરૂ થયુ હતું. ડેમ બાંધવાનો અને નહેર બાંધવાનો વિચાર પણ કોંગ્રેસનો હતો આમ છતા ભાજપના નેતાઓ આ કામ પોતે કર્યુ છે. તેવો ખોટો પ્રચાર કરી પ્રજાને ભરમાવે છે. તેમણે ઉમેર્યુ હતું કે, ભારતીય જનતા પક્ષ આજની નવી પેઢીના મનમાં કોંગ્રેસ વિરૂધ્‍ધ ઝેર ભરી તેમને સત્‍યથી દૂર રાખે છે. કોંગ્રેસ કયારેય સતા મેળવવા માટે આવી હલ્‍કી પ્રવૃતિ કરતી નથી. કોંગ્રેસ એક પક્ષ એવો છે જેણે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવી હતી. દેશમાં રહેલી માળખાકિય સુવિધાઓ પણ કોંગ્રેસની દેન છે. કોંગ્રેસના નેતાઓ આવી સુવિધાને પોતાની ફરજ માનીને આપતા હતા અને ભાજપના નેતાઓ પોતે ઉપકાર કરે છે તેવી રીતે સુવિધાઓ આપે છે

 આ પ્રસંગે વોર્ડ નં.૪ના પ્રમુખ કલ્‍પેશ પીપળીયા ઉપરાંત કોંગ્રેસના આગેવાનો મિતુલ દોંગા, મહિલા પ્રમુખ દીપ્તિબેન મકવાણા, બાબુભાઇ ડાભી, ડી.પી.મકવાણા, રાજુભાઇ ચાવડા, પરસોતમભાઇ લીંબાસીયા, પૂર્વ કોર્પોરેટર ઠાકરશીભાઇ ગજેરા, અલ્‍પેશ ટોપિયા, રામભાઇ આહિર, મુકેશભાઇ જાદવ, આશિષભાઇ વાઢેર, દિલીપભાઇ ત્રિવેદી, અતુલભાઇ કમાણી, ગોવિંદભાઇ વઘેરા, હસુભાઇ ગોસ્‍વામી, નારણભાઇ સવસેટા, ભાવેશભાઇ લીંબાસિયા, પરસોતમભાઇ લીંબાસીયા વગેરે તેમજ પટેલ સમાજના આગેવાનો અશોકભાઇ ડોબરિયા અને ગોવિંદભાઇ સભાયા પણ ઉપસ્‍થિત રહયા હતા. વોર્ડ નં.૪માં ભગવતીપરામાં રોડ-શો પણ યોજાયો હતો અને તેમાં પણ મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉમટી પડયા હતા તેમ  એક યાદીમાં જણાવાયુ છે.

(4:28 pm IST)