Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાતી ફિલ્મ 'મેડલ' માં વિલનની ભુમિકા કરતા હેમાંગ દવે કહે છે અત્યાર સુધી કોમેડી ખુબ કરી હવે કડપ પણ બતાવી જાણ્યો

નવકાર પ્રોડકશન નિર્મિત ફિલ્મ ૨૫ મીથી રીલીઝ : મ્યુઝીક કુશલ ચોકસીએ પીરસ્યુ છે : 'અહેસાસ તારો' અને 'તારલાનો દેશ' ગીતો લોકમુખે વસી ગયા : ૨૫ મીથી ફિલ્મ રીલીઝ : મોટાભાગનું શુટીંગ ટીંબલા ગામમાં થયુ

રાજકોટ તા. ૧૮ : નવકાર પ્રોડકશન દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ 'મેડલ' આગામી તા. ૨૫ મીથી ગુજરાત અને મુંબઇના સીને પડદે રજુ થવા જઇ રહી છે.

આ ફિલ્મમાં વિલનની ભુમિકા નિભાવનાર હેમાંગ દવેએ 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે મેં અત્યાર સુધીમાં મેં ૩૫ જેટલી ફિલ્મો કરી છે. મોટે ભાગે મે કોમેડીનો રોલ કર્યો છે. જયારે આ ફિલ્મ 'મેડલ' મારા માટે પડકારરૃપ હતી, કમકે તેમાં મને નેગેટીવ એટલે કે વિલનના રૃપમાં લેવામાં આવ્યો છે.

દિગ્દર્શક ધવલ જીતેન શુકલ દ્વારા મારામાં જે વિશ્વાસ મુકાયો તેમાં પાર ઉતરવા મેં પૂર્ણ પ્રયાસ કરી બતાવ્યો છે. અત્યાર સુધી કોમેડી ખુબ કરી, પણ આ ફિલ્મમાં કડપ પણ બતાવી જાણ્યો છે. આ ફિલ્મમાં મારો રોલ 'મોહન' નામના શિક્ષક તરીકે છે. જે હંમેશા કોઇનો ઉત્સાહ તોડી પાડવાનું જ કાર્ય કરે છે.

જો કે મારા રોલની નેગેટીવીટીને બાજુ રાખીએ તો ફિલ્મમાં ગ્રામીણ વિકાસ અને શિક્ષણ તેમજ ખાસ કરીને રમત ગમત તરફ બાળકોને પ્રોત્સાહીત કરવાની વાત ખુબ સારી રીતે મુકવામાં આવી છે. એક યુવાન અંગ્રેજી શિક્ષક સરકારી શાળામાં ભણાવવા માટે ખાનગી શાળાની આરામદાયક નોકરીની ઓફરને ઠુકરાવી દયે છે. ગામડામાં રહી વિદ્યાર્થીઓને ખરા દિલથી કેળવણી આપે છે. રમત ગમતની તાલીમ આપે છે અને ખેલ કલા મહાકુંભમાં મેડલ જીતવાને લાયક બનાવે છે.

અભિનય ક્ષેત્રે આવવા માંગતા લોકોને શીખ આપતા હેમાંગ દવેએ જણાવેલ કે જો થીએટરનું થોડુ ઘણું નોલેજ અને ઇકોનોમી બેકગ્રાઉન્ડ હોય તો જ આ ક્ષેત્રે પ્રવેશ કરવો જોઇએ. થીએટર અને ફિલ્મ વચ્ચેનો ભેદ સમજાવતા તેઓએ જણાવેલ કે થીએટર એ એકટરનું માધ્યમ છે અને ફિલ્મ એ ડીરેકટરનું માધ્યમ છે.

અહીં ઉલ્લેખનીય છે કે હેમાંગ દવે 'થઇ જશે', 'તંબુરો', 'આવુ જ રહેશે', 'ઘંટડી' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકયા છે.

ફિલ્મ 'મેડલ'માં મુખ્ય પાત્ર જયેશ મોરેએ નિભાવ્યુ છે ઉપરાંત તેમની સાથે કિંજલ રાજપ્રિયા, મૌલિક નાયક, ચેતન દૈયા, હેમાંગ દવે, અર્ચન ત્રિવેદી તેમજ બાળ કલાકારોમાં આર્યા સાગર, ઋષી, કરણ પટેલ, ભવ્ય વગેરેએ ભુમિકા નિભાવી છે. 

ધ્રુવિન દક્ષેશ શાહ દ્વારા નવકાર પ્રોડકશનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મમાં મ્યુઝીક ડાયરેકટર તરીકે કુશલ ચોકસીએ સેવા આપી છે. ફિલ્મમાં ચારેક ગીતો છે. જેમાંના પાર્થીવ ગોહીલના સ્વરમાં 'અહેસાસ તારો' અને આદિત્ય ગઢવીના સ્વરમાં 'તારલાનો દેશ' લોકમુખે ખુબ વસી ગયા છે.

ફિલ્મ મેડલની પટકથા અને સંવાદ વૈશાખ રાઠોડે લખ્યા છે. મોટાભાગનું શુટીંગ લીંમડી પાસેના ટીંબલા ગામમાં અને થોડુઘણું અમદાવાદમાં થયુ છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે ફિલ્મ 'મેડલ'ની વિગતો વર્ણવતા હેમાંગ દવે અને બાજુમાં મ્યુઝિક ડાયરેકટર કુશલ ચોકસી તથા મીડિયા ક્ષેત્રના દિવ્યેશ ડાભી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:34 pm IST)