Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાતી ફિલ્મ 'ધમણ'માં મારૃ મહત્વનું પાત્રઃ જેનિશ

પિત્રાઈ ભાઈ વરૃણને એકટીંગ કરતાં જોતા શોખ જાગ્યો, બસ હવે આ જ ફિલ્ડમાં રહેવું છે : મુળ રાજકોટના ૧૬ વર્ષના યુવા કલાકાર જેનિશ બુધ્ધદેવ અક્ષયકુમારના જબરદસ્ત ફેન છેઃ અહીલ્યાબાઈ, મેરે સાંઈ સહિતની અનેક સિરીયલોમાં કામ કરી ચૂકયા છે

રાજકોટઃ રઘુવંશી સમાજમાંથી આવતા જેનિશ બુધ્ધદેવએ રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. આ ઉગતા કલાકારે અનેક નામાંકીત હિન્દી સિરીયલોમાં કામ કર્યુ છે અને આગામી ગુજરાતી ફિલ્મ 'ધમણ'માં પણ તેઓનું એક મહત્વનું પાત્ર છે.

જેનિશ બુધ્ધદેવ જણાવે છે કે મેં હિન્દી સિરીયલો અહીલ્યાબાઈ, મેરે સાંઈ, વિધ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ, ભીમરાવ આંબેડકરમાં કામ કર્યું છે. મુળ રાજકોટના છે. તેઓ એક પ્રશ્નના જવાબમાં જણાવે છે કે મારા પિત્રાઈ ભાઈ વરૃણ બુધ્ધદેવને એકટીંગ કરતાં નિહાળતા મને પણ એકટીંગનો શોખ જાગ્યો બસ ત્યારથી નકકી કરી લીધુ મારે અભિનેતા જ બનવું છે. વરૃણ બુધ્ધદેવને બેસ્ટ ચાઈલ્ડ એકટરનો એવોર્ડ મળેલો છે.

૧૬ વર્ષના આ યુવા કલાકાર કહે છે આગામી ૨ ડિસેમ્બરના રોજ ગુજરાતી ફિલ્મ 'ધમણ' રિલીઝ થઈ રહી છે. તેમાં પણ મારૃ મહત્વનું પાત્ર છે. આ ફિલ્મ છ ભાષામાં લોન્ચ થશે અને દેશભરમાં રીલીઝ થઈ રહી છે. મુખ્ય વાત એ છે કે આ ફિલ્મમાં હું એકમાત્ર રાજકોટનો કલાકાર છું જયારે કલાકારો અમદાવાદ સહિતના શહેરોના છે.

જેનિશ કહે છે બોલીવૂડના સુપરસ્ટાર અક્ષયકુમાર અને અભિનેત્રી કિયારા અડવાણી તેના ફેવરીટ એકટર છે. તેમણે જણાવેલ કે અક્ષયકુમાર સાથે ફિલ્મસીટીમાં મુલાકાત કરી હતી. તેઓએ મને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

સુપ્રસિધ્ધ સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ટપુના પાત્ર માટે ઓડીશન આપેલું. પરંતુ તેમાં જુનો ટપુ ફરીથી સિરીયલમાં આવી જતાં બીજુ ઓડીશન કેન્સલ થયું હતું.

જેનિશ ધો.૧૨માં અભ્યાસ કરે છે અને મુંબઈમાં એકટીંગની તાલીમ લઈ રહ્યા છે. તેઓના પિતા ભરતભાઈ બુધ્ધદેવ બજરંગ ખાખરા અને મારૃતિ પાપડના નામનો વ્યવસાય કરે છે. માતા દક્ષાબેન, ભાઈ જયદીપભાઈ અને ભાભી શ્વેતાબેન સતત પ્રોત્સાહન આપતા રહે છે.તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લેતા યુવા કલાકાર જેનિશ બુધ્ધદેવ (મો.૮૨૦૦૮ ૯૫૩૯૫) સાથે તેમના પિતા ભરતભાઈ બુધ્ધદેવ, ધવલ કાછેલા (રઘુવંશી યુવા શકિત સંઘના પ્રમુખ), પ્રિન્સ રૃપારેલીયા નજરે પડે છે.

(4:36 pm IST)