Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જેઠારામને રાજસ્‍થાનના રાવતારામના કહેવાથી મેતાજી રૂપારામે પંજાબથી ભરી આપ્‍યો'તો ૧૯.૪૧ લાખનો દારૂᅠ

એરપોર્ટ પોલીસે બામણબોર પાસે ઝડપી લીધેલા લાખોના દારૂમાં સપ્‍લાયરના નામ ખુલ્‍યા : કોન્‍સ. યુવરાજસિંહ જાડેજાની બાતમી પરથી ટ્રક અટકાવાયોઃ કોલસાના કોથળા દૂર હટાવતાં ઠાઠામાં બે બારણા દેખાયા, તે ખોલતાં જ ૪૬૨૦ બોટલ દારૂ મળ્‍યોઃ કુલ ૨૯.૭૧ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી મનોજ શર્માની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાત, પીએસઆઇ રાઠોડ અને ટીમની કામગીરી

ઉપરની તસ્‍વીરમાં એરપોર્ટ પીઆઇ એમ. એ. ઝણકાત અને ટીમ તથા જપ્‍ત થયેલા ટ્રક  સાથે રાજસ્‍થાની ચાલક અને નીચેની તસ્‍વીરોમાં ક્રાઇમ બ્રાંચે પકડેલા ત્રણ શખ્‍સ, કાર અને દારૂનો જથ્‍થો જઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: શહેરના એરપોર્ટ પોલીસની ટીમે વધુ એક વખત લાખોનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. યુવરાજસિંહ જાડેજાની બાતમી પરથી બામણબોર ચેકપોસ્‍ટ પર આરજે૧૯જીબી-૫૧૯૭ નંબરનો ટ્રક આંતરવામાં આવતાં ઠાઠામાં કોલસાના કોથળાઓની પાછળ ચોરખાનામાં છુપાવેલો રૂા. ૧૯,૪૧,૩૦૦નો ૪૬૨૦ બોટલ દારૂ મળતાં રાજસ્‍થાની ટ્રકચાલક જેઠારામ હીરારામ જાખડ (જાટ) (ઉ.૨૨-રહે. કલજીકી બેરી સાંચોર જી. જાલોર)ને પકડી કુલ ૨૯,૭૧,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. તેની પુછતાછમાં આ દારૂનો જથ્‍થો તેને રાજસ્‍થાનના બાડમેરના રામજીકા ગોૈડ ખાતે રહેતાં રાવતારામ (સુરેન્‍દ્ર)ના કહેવાથી  તેના મુનીમ (મેતાજી) રૂપારામે પંજાબથી આ દારૂ ભરી દીધો હતો. આ દારૂ રાજકોટ પહોંચ્‍યા બાદ કોને આપવાનો હતો તે રૂપારામ વ્‍હોટ્‍સએપ કોલીંગથી જણાવવાનો હતો. પરંતુ એ કોલ આવે તેના પહેલા એરપોર્ટ પોલીસે ટ્રક ઝડપી લીધો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપીશ્રી સજ્જનસિંહ પરમાર અને એસીપીશ્રી મનોજ શર્માની સુચના મુજબ એરપોર્ટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી ટ્રકને અટકાવાયો હતો. ઠાઠામાં દારૂ હોવાની માહિતી હોઇ તપાસ કરતાં તેમાં કોલસાના કોથળા જોવા મળ્‍યા હતાં. આ જથ્‍થો હટાવીને જોતાં ઠાઠામાં બે બારણા દેખાયા હતાં. તે ખોલતાં અંદરથી અલગ અલગ બ્રાન્‍ડનો ૧૯,૪૧,૩૦૦નો દારૂનો જથ્‍થો મળ્‍યો હતો.

ટ્રક ચાલક જેઠારામા જાખડની પુછતાછ કરતાં તેણે કબુલ્‍યું હતું કે આ દારૂનો જથ્‍થો તેને તેના શેઠ રાવતારામ (સુરેન્‍દ્ર) કુકણા જાટ (રહે. રામજી કા ગોૈડ માલાણી રોડ, બાડમેર-રાજસ્‍થાન)ના કહેવાથી મુનીમ (મેતાજી) રૂપારામે પંજાબથી ભરાવી આપ્‍યો હતો. ટ્રક લઇને પોતાને રાજકોટ તરફ આવવાનું હતું અને અહિ પહોંચીને કોને આપવો તેની જાણ રૂપારામ વ્‍હોટ્‍સએપ કોલથી કરવાનો હતો. પોલીસે ત્રણેય વિરૂધ્‍ધ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. એક ટન કોલસો, દારૂ, ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. પીઆઇ એમ. એ. ઝણકાત, પીએસઆઇ એ. કે. રાઠોડ, એએસઆઇ જે. એલ. બાળા, એએસઆઇ વાય. બી. ચોૈહાણ, કોન્‍સ. કે. એમ. વાઝા, હેડકોન્‍સ. ભગીરથસિંહ ડોડીયા, કોન્‍સ. ગોપાલસિંહ ઝાલા, કોન્‍સ. ઉમેશભાઇ ચાવડા, પીસીઆર ઇન્‍ચાર્જ યુવરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

ક્રાઇમ બ્રાંચનો લોઠડામાં દરોડો

અન્‍ય દારૂનો જથ્‍થો ક્રાઇમ બ્રાંચ પીઆઇ બી.ટી. ગોહિલની ટીમે પકડયો હતો. લોઠડામાં આવેલા બજરંગ ઇન્‍ડસ્‍ટ્રીઝના શેડમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમી કોન્‍સ. રોહિતભાઇ કછોટ, જયપાલભાઇ બરાલીયા અને સહદેવસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી હિપાલ દેવજીભાઇ ગોહેલ (ઉ.૩૪-રહે. ગંજીવાડા-૨૬નો ખુણો), રૂતવીક વિનોદભાઇ મકવાણા (ઉ.૨૨-રહે. નવા થોરાળા અવધ પાર્ક-૪) તથા નરેશ મનસુખભાઇ વાઘેલા (ઉ.૨૭-રહે. રામનગર-૯ ભાવનગર રોડ)ને પકડી લઇ રૂા. ૩,૪૮,૦૦૦નો ૬૯૬ બોટલ દારૂ કબ્‍જે કરી એક કાર મળી કુલ રૂા. ૫,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. હિપાલ અગાઉ રાજકોટ, લોધીકા સહિતમાં દારૂના ત્રણ, ધમકીના એક ગુનામાં પકડાયો હતો. તેમજ પાસામાં જઇ આવ્‍યો છે. અન્‍ય બે શખ્‍સ પણ દારૂમાં પકડાયા હતાં. સીપી, જોઇન્‍ટ સીપી, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ બી. ટી. ગોહિલ તથા ભરતસિંહ પરમાર, રોહિતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજા, જયપાલભાઇ બરાલીયા, રણજીતસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૫)

બીજા દરોડામાં લોઠડા બજરંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ શેડમાંથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી. ટી. ગોહિલની ટીમે ૩.૪૮ લાખનો દારૂ પકડયો

હિપાલ, રૂત્‍વીક, નરેશ ત્રણેય અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્‍યા છેઃ ગંજીવાડાના રઝાક ઉર્ફ ડોક્‍ટરનું નામ ખુલ્‍યું: કોન્‍સ. રોહિત કછોટ, જયપાલ બરાળીયા અને સહદેવસિંહ જાડેજાની બાતમી

(11:33 am IST)