Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સાઈકલ ચલાવવા થઈ જાઓ તૈયારઃ ૫ ફેબ્રુઆરીએ રાજકોટમાં ‘સાયકલોફન'

આ વખતે ‘વર્ચ્‍યુઅલી'ની જગ્‍યાએ ‘ફિઝિકલ' સાયકલોફન યોજાશેઃ રાજકોટની ૫૦૦થી વધુ સ્‍વનિર્ભર શાળાના ધો.૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ ઉમળકાભે ભાગ લેશે

રાજકોટઃ સાયકલીસ્‍ટોની અત્‍યંત પ્રિય એવી સાયકલોફન છેલ્લા બે વર્ષથી ‘વર્ચ્‍યુઅલી' જ યોજાઈ રહી હોવાને કારણે તેનો ચાર્મ મતલબ કે રોમાંચ સાયકલીસ્‍ટોમાં જોવા મળી રહ્યો નહોતો પરંતુ આ વર્ષે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સાયકલ ક્‍લબની સાથે શહેરની ૫૦૦ જેટલી સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એસોસિએશન દ્વારા મળીને આગામી પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્‍યાતિભવ્‍ય સાયક્‍લોફન યોજવામાં આવી રહી છે.

સાયકલોફનના આયોજકોના જણાવ્‍યા પ્રમાણે આ વખતની સાયક્‍લોફનનું આયોજન ખાસ કરીને પહેલીવાર સાયકલિંગ કરનારા સાયકલીસ્‍ટ તેમજ બાળકોને સાયકલ પ્રત્‍યે વધુમાં વધુ કેમ વાળી શકાય તેના પર વધુ ધ્‍યાન કેન્‍દ્રીત કરીને કરવામાં આવ્‍યું છે. આ માટે આ વર્ષની સાયક્‍લોફનમાં પાંચ કિલોમીટર અને વીસ કિલોમીટરની સાયકલરાઈડ યોજવામાં આવશે. આ આયોજનમાં આ વર્ષે પહેલીવાર સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એસોસિએશન પણ જોડાયું છે જે અંતર્ગત શહેરની ૫૦૦થી વધુ શાળાઓ તેમાં જોડાઈ છે.

આ ઉમદા ઈવેન્‍ટમાં સહભાગી થવા માંગતી સંસ્‍થાઓ તેમજ લોકો રોટરી મીડટાઉન લાયબ્રેરી અથવા સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એસોસિએશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉન, રાજકોટ સાયકલ કલબ અને રાજકોટ મહાપાલિકા દ્વારા  ફિટ રાજકોટ અંતર્ગત સાયક્‍લોફનનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે  સાયકલોફનમાં ૧૪ દેશના ૧૬૪૪૧ સાયકલીસ્‍ટેએ ૫.૧૧ લાખ કિલોમીટર સાયકલ ચલાવી વૈヘકિ રેકોર્ડ નોંધાવ્‍યો હતો.

રજિસ્‍ટ્રેશન કેવી રીતે કરી શકાશે?

પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયકલોફનમાં ભાગ લેવા માંગતાં (૧૮ વર્ષથીઊપરના) સાયકલીસ્‍ટો www.cyclofun.org ઉપર પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત વધુ વિગતો માટે તેઓ ૭૪૦૫૫ ૧૩૪૬૮ ઉપર ટેલિફોનિક સંપર્ક કરી શકશે.

 

(11:07 am IST)