Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

અકસ્‍માત કેસમાં બીજા ડ્રાઇવરને પોલીસમાં રજુ કરી દીધોઃ પડધરીમાં બે સામે ગુન્‍હો નોંધાયો

લાયસન્‍સ ન હોય કલેઇમની રકમ પોતાને ન ચુકવવી પડે તે માટે : વિમા કંપની દ્વારા જીલરીયાના હિતેષ સાંગાણી અને રાજકોટના વલ્લભ લીલા સામે ફરીયાદ

રાજકોટ, તા., ૧૯: પડધરી પાસે થયેલ અકસ્‍માતના બનાવમાં ડ્રાઇવર પાસે લાયસન્‍સ ન હોય મૃતક કે ઇજા પામનારના સંબંધીઓ પોતાના પર કલેઇમ કરશે તો રૂપીયા ચુકવવા પડશે તેવી દહેશતે પડધરી પોલીસમાં અકસ્‍માત કેસમાં પોતાની જગ્‍યાએ બીજો ડ્રાઇવર રજુ કરી દેવાતા બંન્ને ડ્રાઇવરો સામે વિમા કંપનીએ ફરીયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આઇસીઆઇ લોમ્‍બાર્ડ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીના ચીફ ઇન્‍વેસ્‍ટીંગ મેનેજર નવીનકુમાર ચોરસીયાએ  જીલરીયા ગામના હિતેષ માવજીભાઇ સાગાણી તથા વલ્લભ ભીખાભાઇ લીલા (રહે. ન્‍યારી કણકોટ, સાધુ વાસવાણી રોડ, ન્‍યુ અંબીકા પાર્ક, રાજકોટ) સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ૧૯-૧-ર૦૧રના રોજ જામનગર-રાજકોટ હાઇવે પર જાગનાથ જીનીંગ પાસે મહિન્‍દ્રા યુટીલીટી નં. જીજે ૦૩ એવી ૯૪૮૮ પલ્‍ટી ખાતા ગાડીમાં બેઠેલ સુનીલભાઇ રાજપુતનું મોત થયું હતું. જયારે અન્‍ય બીજા દસેક જણાને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ બનાવમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ થતા અકસ્‍માતના દિવસે યુટીલીટી જીપ હિતેષ માવજીભાઇ સાગાણી ચલાવતો હતો. પરંતુ પોતાની પાસે લાયસન્‍સ ન હોવાથી અકસ્‍માતમાં મૃતક કે ઇજા પામનારના સંબંધીઓ કલેઇમ કરશે તો પોતાને રૂપીયા ચુકવવા પડશે તેવી દહેશતે વિમા કંપની સામે ઠગાઇ કરવા માટે અન્‍ય આરોપી વલ્લભ ભીખાભાઇ લીલાને આરોપી તરીકે પોલીસમાં રજુ કરી યુટીલીટી જીપ ચલાવતા હોવાની ખોટી માહીતી પોલીસને આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે પડધરી પોલીસે ઉકત બન્ને શખ્‍સો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)