Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કાલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૪૩૦૬૨ છાત્રોને ડીગ્રી એનાયત

પદવીદાન સમારોહમાં રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રફુલભાઇ પાનસેરીયા ખાસ ઉપસ્‍થિત રહેશે : ૧૩ વિદ્યાશાખાના ૧૨૬ છાત્રને ૧૪૭ ગોલ્‍ડ મેડલ અર્પણ થશે : જામનગરના તબીબી છાત્રને ૧૦ સુવર્ણચંદ્રક મળશે

રાજકોટ તા. ૧૯ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો પ૭ મો પદવીદાન સમારંભ આવતીકાલે તા. ર૦ને શુક્રવારના સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત રાજયના રાજયપાલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્‍યક્ષસ્‍થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ખાસ ઉપસ્‍થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૩૦૬ર દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૪૭ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૭મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૭ મા પદવીદાન સમારંભનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ પ૭મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા નીચે મુજબ છે.

વિનયન વિદ્યાશાખા ૧૨૧૫૯, શિક્ષણ વિદ્યાશાખા ૪૦૪૩, વિજ્ઞાન વિદ્યાશાખા ૬૭૩૩, ઈજનેરી વિદ્યાશાખા ૦૨, કાયદા વિદ્યાશાખા ૧૮૭૯, તબીબી વિદ્યાશાખા ૧૭૫૪, વાણિજય વિદ્યાશાખા ૧૩૯૯૫, ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૭૨,  ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા ૨૧૨,  હોમીયોપેથી વિદ્યાશાખા ૭૯, બિઝનેસ મેનેજમેન્‍ટ વિદ્યાશાખા ૧૮૬૩, આર્કીટેકચર વિદ્યાશાખા ૪૦,  પરફોર્મિંગ આર્ટસ વિદ્યાશાખા ૨૮, ફાર્મસી વિદ્યાશાખા ૧૦૩ કુલ ૪૩૦૬૨ ડીગ્રી એનાયત થશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૭ મા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ ખાસ ઉપસ્‍થિત રહી સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરશે.

પ૭ મા પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના ૧ર૬ વિદ્યાર્થીઓને કુલ ૧૪૭ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાશ્રીઓ તરફથી કુલ ૬૬ ગોલ્‍ડમેડલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૮૧ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે. આ ગોલ્‍ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને આ પદવીદાન સમારોહમાં વુડનના વિશિષ્‍ટ બોક્ષમાં પદવી એનાયત કરાશે.

એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થીની શ્રી આનંદ તાન્‍યા ઈન્‍દ્રપાલને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૧૦ ગોલ્‍ડમેડલ અને ૧પ પ્રાઇઝ, પી.ડી.યુ. સરકારી મેડીકલ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ધીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્‍ચ-૧ જનરલ સર્જરીમાં ૩ ગોલ્‍ડમેડલ, એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્‍ચ-૧ જનરલ સર્જરીમાં ૩ ગોલ્‍ડમેડલ, ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ , લાઠીના વિદ્યાર્થી લશ્‍કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ-૬ માં ૩ ગોલ્‍ડમેડલ, દોશી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, વાંકાનેરની વિદ્યાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં ૩ ગોલ્‍ડમેડલ એનાયત થશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૭ મા પદવીદાન સમારોહની સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. ગરીમાપૂર્ણ પ૭ મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામકશ્રી નીલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે.

(4:04 pm IST)