Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કણસાગરા કોલેજના પ્રિન્‍સીપાલ કાલરીયાની નિમણુંક ગેરકાયદે : ફોજદારી કાર્યવાહી કરવા પ્રો. ડોબરીયાની માંગ

અનુભવ, પગાર ધોરણ સહિતના મુદ્દે આચાર્ય તરીકે માન્‍યતા રદ્દ કરવા મુખ્‍યમંત્રી-ગૃહમંત્રીને રજૂઆત

રાજકોટ તા. ૧૯ : છેલ્લા નવેક માસથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ ખૂબ નિમ્‍ન કક્ષાએ જઇ રહ્યું છે. સાથે બેસવાવાળા પણ ક્‍યારે સામા થઇ જાય તે નક્કી નથી હોતું. તાજેતરમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણીએ  ભાજપ અને સંઘ સાથે જોડાયેલા વ્‍યકિતઓ સામે બે પોલીસ ફરિયાદ અને માન્‍યતા રદ્દ કરવાની માંગણી કરી અતિશય દયનિય હાલતમાં મુકી દીધા છે ત્‍યારે વિવાદી કુલપતિ ગીરીશ ભીમાણીના અત્‍યંત નજીકના ગણાતા કણસાગરા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ રાજેશ કાલરિયા સામે પણ ફરિયાદો ઉઠી છે.

જાણવા મળતી વિગતો મુજબ કુંડલિયા કોલેજના પ્રોફેસર ડો. રતીલાલ ડોબરીયાએ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીને માન્‍યતા રદ્દ કરવા તેમજ ફોજદારી રાહે કડક પગલા ભરવાની માંગ કરી છે.

પ્રો. રતિલાલ ડોબરીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, રાજકોટમાં શ્રી સૌરાષ્‍ટ્ર એજ્‍યુકેશન ટ્રસ્‍ટ રાજકોટ સંચાલિત શ્રીમતિ કે.એ.એન. કણસાગરા મહિલા કોલેજમાં આચાર્ય તરીકે નોકરી કરતા રાજેશ આર. કાલરિયાએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમીક ઓફિસર તરીકે ખોટા પ્રમાણપત્ર રજૂ કરી નોકરી મેળવેલી ત્‍યારબાદ યોગ્‍ય લાયકાત ધરાવતા ન હોવા છતાં બીજા ખોટા પ્રમાણપત્રો ઉભા કરી પ્રિન્‍સીપાલ તરીકે નોકરી મેળવેલ છે. તેઓ જે વિષયના સ્‍નાતક અને અનુસ્‍નાતક છે તે વિષય સદરહું કોલેજમાં ચાલતો નહિ હોવા છતાં ખોટું રેકર્ડ ઉભું કરી પ્રિન્‍સીપાલ તરીકે નોકરી કરે છે. આ અંગે અમે અનેક રજૂઆત કરેલ છે. રાજેશ કાલરિયા વગદાર હોય પ્રિન્‍સીપાલ પોસ્‍ટ ઉપર ચીટકી રહ્યા છે. રાજ્‍ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કરેલ છે. તેમની સામે સત્તાવાળાઓએ આજ સુધી કોઇ પગલા લીધેલ નથી.

પ્રો. રતિલાલ ડોબરીયાએ વધુમાં રજૂઆતમાં જણાવેલ કે, રાજેશ કાલરીયાએ સીન્‍ડીકેટમાં ખોટો ઠરાવ મંજુર કરેલ તે સમયે તે એકેડેમીક ઓફિસર હતા. સમાજ કાર્યભવનમાં અભ્‍યાસ કરાવે છે તેવું સર્ટીફિકેટ રજૂ કરેલ પરંતુ આરટીઆઇમાં ભવનના અધ્‍યક્ષનો અભિપ્રાય તદ્દન જૂદો આવેલ છે. ખોટા સર્ટીફિકેટના આધારે નોકરી મેળવનાર રાજેશ કાલરિયા સામે તુરંત પગલા ભરવા અને ફોજદારી રાહે કામ ચલાવવા અપીલ કરી છે.

રાજેશ કાલરીયા અને રતીલાલ ડોબરીયા વચ્‍ચે વકરેલા વિવાદે ઉચ્‍ચ શિક્ષણમાં અનેકવિધ ચર્ચા જગાવી છે.

(4:06 pm IST)