Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મિરર રાઇટીંગમાં સર્વજીતસિંહ જાડેજાની માસ્‍ટરી

રામાયણ, ભાગવત, શિક્ષાપત્રી, હનુમાન ચાલીસા સહીતના પુસ્‍તકો ઉંધા અક્ષરે લખી ચુકયા છે : સંતો મહંતોએ આશીર્વાદ વરસાવ્‍યા : વ્‍યવસાયે ખેતી અને શેરબજારનું કામ, પણ શોખ ખાતર લેખન કલા વિકસાવી : ગુજરાતી-હિન્‍દી-અંગ્રેજી ત્રણેય ભાષાનો મહાવરો : ગીનીશ બુકમાં નામ નોંધાવવાની ઇચ્‍છા

રાજકોટ તા. ૧૯ : ઉલ્‍ટા અક્ષર લખવામાં રીબડાના સર્વજીતસિંહ શત્રુઘ્‍નસિંહ જાડેજાએ ગજબની ફાવટ હાંસલ કરી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વજીતસિંહે જણાવ્‍યુ હતુ કે હું આમ તો ધો.૧૦ સુધી જ ભણ્‍યો છુ. હાલ વ્‍યવસાયે ખેતી અને શેર બજારનું કામ સંભાળુ છુ. પરંતુ શોખ ખાતર મે મિરર રાઇટીંગની કળા વિકસાવી છે. નાનપણથી મને ઉલ્‍ટુ લખવાનો શોખ જાગ્‍યો છે. આજથી ૧૪ વર્ષ પહેલા મેં આ રીતે ધાર્મિક લખાણો લખીને ધોરાજીના શ્રી ચૈતન્‍યહનુમાનજી આશ્રમના લાલુગીરીબાપુને બતાવતા તેઓએ મારી ઉપર હાથ મુકીને આશીર્વચનો વરસાવ્‍યા હતા. બસ ત્‍યારથી મારી કલમ કયારેય અટકી નથી.

તેઓ કહે છે કે મિરર રાઇટીંગ એ એવું લેખન કાર્ય છે કે જે કાગળ પર ઉંધી રીતે લખવામાં આવે છે. જેને વાંચવા માટે અરીસાની મદદ લેવી પડે. લખાણને અરીસા સામે મુકો એટલે સ્‍પષ્‍ટ વાંચી શકાય. મિરર રાઇટીંગ એ મારો શોખનો વિષય છે. આમ તો વ્‍યવસાયે ખેતી અને શેરબજારનું કામ સંભાળુ છુ. પરંતુ શોખ ખાતર આ કળા વિકસાવી છે.

આ મિરર રાઇટીંગની કળાથી હું ઇશ્વર ભક્‍તિ પણ કરૂ છુ. રામાયણ, ભગવદ્દ ગીતા, હનુમાન ચાલીશા, શિક્ષાપત્રીને પણ હું આ રીતે મિરર રાઇટીંગમાં લખી ચુકયો છે. હાલ વચનામૃત લખવાનું કામ ચાલુ છે. અને આગામી સમયમાં નવકારમંત્ર લખવાની પણ ઇચ્‍છા છે. માત્ર ગુજરાતી જ નહીં, હિન્‍દી અને અંગ્રેજી ભાષામાં પણ આ રીતે લખી શકુ છુ. મારી આ કળાને ગીનીશ બુકમાં સ્‍થાન મળે તે માટે હું હાલ પ્રયત્‍નશીલ છુ.આ સિવાય શું પ્રવૃત્તિ કરો છો? તેવા સવાલના જવાબમાં સર્વજીતસિંહે જણાવ્‍યુ હતુ કે અમે બે ભાઇ અને માતા-પિતા મળી ખુશહાલમય અમારો પરિવાર છે. બધા જ સભ્‍યો ધાર્મિક અને સેવા વૃત્તિ ધરાવે છે. હું પોતે પણ ગૌ સેવા અને ગાંડાઓની સેવાનો હીમાયતી છુ. જયારે સમય મળે ત્‍યારે ગોંડલમાં રામગરબાપુના જયભગવાન સેવા ગૃપમાં સેવામાં લાગી જાવ છુ. ગૌ સેવા કરવી પણ મને ખુબ ગમે છે.

આ મુલાકાત દરમિયાન સર્વજીતસિંહ જાડેજાના પિતાશ્રી શત્રુઘ્‍નસિંહે જણાવ્‍યુ હતુ કે સર્વજીતસિંહ નાનપણથી જ સેવાભાવી અને ધર્મમય સ્‍વભાવ ધરાવે છે. તેમની આ લેખન કલાને પૂ. લાલગીરી બાપુ ઉપરાંત પૂ. મોરારીબાપુ તથા સ્‍વામિનારાયણ સંપ્રદાયના શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીએ પણ બીરદાવી આશીર્વચનો આપ્‍યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મિરર રાઇટર સર્વજીતસિંહ જાડેજા (મો.૮૩૨૦૮ ૧૧૦૯૨) અને બાજુમાં શત્રુઘ્‍નસિંહ જાડેજા તથા લખમણભાઇ મુછડીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:06 pm IST)