Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ક્ષણે-ક્ષણે ઓશોની અનુભૂતિ : સ્‍વામી શશિકાન્‍ત સદૈવજી

ઓશો મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ઓશો વાટિકા ખાતે વિશેષ શિબિર : ઓશોએ કહ્યું હતું, મારા મૃત્‍યુ બાદ ઉપસ્‍થિતિનો ઊંડો અનુભવ થતો રહેશે : ઉર્જા ઓશોના દેહમાં બંધ હતી, મૃત્‍યુ બાદ એ ચેતના સ્‍વતંત્ર બની અને વધારે ઉપલબ્‍ધ થઇ : પૂ. સદૈવજી

સ્‍વામી શશિકાંત સદૈવજી સાથે સ્‍વામી સંજય સરસ્‍વતીજી, માં ધ્‍યાન રસીલી, પ્રેમ સ્‍વામી વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : રમેશ ટંકારિયા)

 

રાજકોટ તા. ૧૯ : ‘ઓશોની અનુભૂતિ હું ક્ષણે-ક્ષણે મહેસુસ કરૂં છું. તેમની ચેતના કરૂણાથી ભરપૂર છે.'

આ શબ્‍દો ઓશો સન્‍યાસી શશિકાન્‍ત સદૈવજીના છે. કાલાવડ રોડ પર વાગુદડ ખાતે આવેલી ઓશો વાટિકામાં આજથી સ્‍વામી સદૈવજીના દિવ્‍ય સાનિધ્‍યમાં ઓશો શિબિરનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજે ઓશો મહપરિનિર્વાણ દિન છે. આજના દિને ઓશોએ દેહત્‍યાગ કર્યો હતો. આ પ્રસંગ અન્‍વયે ઓશો વાટિકામાં શિબિરનું આયોજન થયું છે. શિબિરના સંચાલક શશિકાન્‍ત સદૈવજી ઓશોમય જીવન માણે છે. તેઓ દિલ્‍હીમાં સ્‍થાયી થયા છે. ‘સાધના પથ' મેગેઝિનના એડિટર છે. ઓશોને ખૂબ માણ્‍યા છે, વાચ્‍યા છે, સમજયા છે અને ક્ષણે-ક્ષણે ઓશો ચેતના મહેસુસ કરી રહ્યા છે. આજે પૂ. સદૈવજી ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા.

તેઓએ જણાવ્‍યું હતું કે, સામાન્‍ય રીતે મૃત્‍યુને દુઃખનો પ્રસંગ માનવામાં આવે છે, પરંતુ ચેતનાની દૃષ્‍ટિએ જુઓ તો મૃત્‍યુ અલગ દેખાશે. ઓશો કહેતા હતા કે મૃત્‍યુએ જીવનનો અંત નથી. મૃત્‍યુ બાદ ચેતનારૂપે હું વધારે પ્રાપ્‍ત થઇશે. મૃત્‍યુ બાદ મારી મોજુદગીનો ઊંડો અનુભવ થતો રહેશે.

સ્‍વામી સદૈવજી કહે છે કે, ઓશો ચેતનાનો અનુભવ ક્ષણે-ક્ષણે થાય છે. ધ્‍યાનની સહજ ગહેરાઇ પ્રાપ્‍ત થાય ત્‍યારે ઓશો ચેતાની ઝલક શરૂ થઇ જાય છે. સ્‍વામીજી કહે છે કે, ઓશોએ ઘણી જ ધ્‍યાનવિધિઓ આપી છે. આ બાબત સમજવા જેવી છે. કોઇપણ વિધિ અંતર્ગત ધ્‍યાન કરો તે ધ્‍યાન નથી, પણ ધ્‍યાનમાં જવાની પ્રક્રિયા જ છે. ધ્‍યાન અક્રિયા સમાન હોય છે. આ અક્રિયાની સ્‍થિતિ મૃત્‍યુને પાર લઇ જાય છે. ઓશો વાટિકા ખાતેની શિબિરમાં આ અંગે ચિંતન -પ્રયોગ થશે.

સ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે, જન્‍મ દરેકને મળે છે, પણ જીવન દરેકે બનાવવું પડે છે. જીવન વ્‍યર્થ ન જાય તે જરૂરી છે. જીવનને સાર્થક કરવાના પ્રયોગો શિબિરમાં થવાના છે. પરમાત્‍મા સંસારથી અલગ નથી. ધ્‍યાનની અવસ્‍થામાં પરમાત્‍માની ઉપસ્‍થિતિનો અનુભવ થાય છે.

ધ્‍યાન માટે કંઇ છોડવાનું નથી, જે કંઇ કરો તેમાં ધ્‍યાન જોડી દો. આ દિશા સાધના પથની છે. પરિસ્‍થિતિ બદલવી દરેકના વશની બાબત નથી, માણસ મનઃસ્‍થિતિ બદલવા સક્ષમ છે. મનઃસ્‍થિતિ બદલે તો કોઇપણ પરિસ્‍થિતિનો વિપરિત પ્રભાવ અસર કરતો નથી. ઓશો કહેતા કે, માળા કે રોબ વગર ઓશો સન્‍યાસી હોવાનું દેખાવું જોઇએ. આ સ્‍થિતિ ધ્‍યાન વગર સંભવ નથી.

સ્‍વામી શશિકાન્‍ત સદૈવજીએ જણાવ્‍યું હતું કે, ઓશો ભવિષ્‍યવકતા નહિ, ભવિષ્‍ય દૃષ્‍ટા હતા. ભવિષ્‍યદૃષ્‍ટા દિવ્‍ય દૃષ્‍ટિથી જોઇ શકે છે. ઓશો વાટિકા ખાતેની શિબિરમાં વિવિધ ધ્‍યાન પ્રયોગો થનાર છે.

મુલાકાત પ્રસંગે સ્‍વામી સંજય સરસ્‍વતીજી, મા ધ્‍યાન રસીલી, પ્રેમ સ્‍વામી ઉપસ્‍થિત રહ્યા છે.

 

શિબિર કાર્યક્રમ

રાજકોટ : વાગુદડ ખાતે ઓશો વાટિકામાં આજે સાંજે ૬.૩૦ વાગ્‍યે સ્‍વામી શશિકાન્‍ત સદૈવજીના સાનિધ્‍યમાં ઓશો ધ્‍યાન શિબિર પ્રારંભ થશે. આ આવાસ શિબિર છે, જે રવિવારે સાંજ સુધી ચાલશે. ઓશો નિર્વાણ પ્રસંગની શિબિર અંગે વધારે માહિતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮૨૯ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(4:20 pm IST)