Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મતદાન પહેલાની તૈયારીઃ શહેરના બંને ઝોનમાં પોલીસની ફલેગમાર્ચઃ સંવેદનશીલ બુથની વિઝીટઃ ફૂટ પેટ્રોલીંગ-એરિયા ડોમિનેશન કરાયું

રાજકોટઃ રવિવારે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં શાંતિપુર્ણ મતદાન થાય અને કોઇ છમકલા ન થાય તે માટે શહેર પોલીસે તમામ તૈયારી કરી લીધી છે. ૪૦૦૦ જવાનો મતદાન મથકો પર અને શહેરમાં બંદોબસ્ત જાળવશે. ગત સાંજે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદની સુચના હેઠળ ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ પોતાના ઝોન હેઠળના પોલીસ સ્ટેશનો એ-ડિવીઝન, બી-ડિવીઝન, ભકિતનગર, થોરાળા, આજીડેમ અને કુવાડવા રોડના વિસ્તારોમાં તથા ઝોન-૨ના પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર, તાલુકા પોલીસ હેઠળના વિસ્તારોમાં એરિયા ડોમિનેશન, ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ સંવેદનશીલ બુથની વિઝીટ કરી હિસ્ટ્રીશીટરો, ટપોરીઓ અને નાસતા ફરતા શખ્સોના ઘરે તેમજ બૂટલેગરોના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. માથાભારે શખ્સોને પણ ચેક કરવામાં આવ્યા હતાં. બંને ડીસીપી સાથે એસીપી એચ. એલ. રાઠોડ, એસ.આર. ટંડેલ, પી. કે. દિયોરા તથા પીઆઇ સી. જી. જોષી, એમ. બી. ઓૈસુરા, વી. જે. ચાવડા, જે. ડી. ઝાલા, એમ. સી. વાળા, એન. એન. ચુડાસમા, પીઆઇ એલ. એલ. ચાવડા, કે. એ. વાળા, એ. એસ. ચાવડા, કે. એન. ભુકણ, જે. વી. ધોળા તથા તમામ પોલીસ સ્ટેશનોની ડી. સ્ટાફની ટીમો તથા બીજા સ્ટાફે ૩૨ વાહનો, ડ્રોન કેમેરા સાથે પોતપોતાના વિસ્તારોમાં એરિયા ડોમિનેશન, ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(12:49 pm IST)