Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કોર્પોરેશનના વહીવટી તંત્રમાં ધરમુળમાંથી ફેરફાર કરીશું

નાના ધંધાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા, મહિલાઓ માટે સુખાકારી યોજના : 'આપ'ના વોર્ડ નં.૮ના ઉમેદવારો પન્નાબેન જોશી, જાગૃતિબેન પરમાર, શિવલાલ પટેલ અને દર્શન કણસાગરા કહે છે ભાજપના શાસનમાં મસમોટા ભ્રષ્ટાચાર થયા અમે પારદર્શક વહીવટ લાવશું

રાજકોટ,તા.૧૮: રાજકોટ મહાનગરપાલીકામાં 'આપ'નું શાસન આવશે તો ધરમુળમાંથી ફેરફાર કરવામાં આવશે. પારદર્શક વહીવટ લાવીશું. દિલ્હીમાં જે રીતે કેજરીવાલ સરકારનું શાસન ચાલી રહ્યું છે. તેવી જ રીતે રાજકોટમાં પણ શાસન ચલાવીશું.

'આપ'ના વોર્ડ નં.૮માં ઉમેદવારો પન્નાબેન નિલેશભાઈ જોશી, જાગૃતિબેન પરમાર, શિવલાલ પટેલ અને દર્શન કણસાગરાએ જણાવેલ કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સરકારની ગાઈડલાઈન મુજબ જ રાજકોટ કોર્પોરેશન ચૂંટણી લડી રહ્યા છીએ. 'આપ'ના મોટાભાગના ઉમેદવારો ૪૦ થી ૪૨ વર્ષની વયના છે. યુવાઓની ટીમ છે.

તેઓએ જણાવેલ કે બજેટમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. છેલ્લે ભાજપના શાસનમાં ૫૬૨ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. જો કોર્પોરેશનમાં ભાજપની સરકાર આવશે તો જનરલ બોર્ડને વિવિધ ભાગોમાં લઈ જશું, નગરાજનો અમલ કરાવીશું.

શિવલાલભાઈ, દર્શનભાઈ, જાગૃતિબેન અને પન્નાબેન વધુમાં જણાવેલ કે હાલ દરેક વોર્ડમાં શેરીઓના ખૂણે કોર્પોરેટરોના નામ જ લગાવેલા બોર્ડમાં જોવા મળતા હોય છે. પરંતુ અમે કોર્પોરેટરોના નામ, મોબાઈલ નંબર તેમજ જે તે વિભાગના અધિકારીઓના મોબાઈલ નંબર પણ નાખવામાં આવશે. હાલમાં શિક્ષણ કથળ્યું છે જે- જે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે તે ફરીથી શરૂ કરાવીશું. પીવાનું પાણી ફ્રી તેમજ વેરાની પધ્ધતિમાં પણ ફેરફાર લાવીશું.

લારી- ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને બેસવાની વ્યવસ્થા કરી આપીશું. વોકળા ઉપર સ્લેબ ભરાવી તેઓને જગ્યા ફાળવવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓ માટેની સુખાકારી યોજનાઓ જેમ કે બસ મુસાફરી, બગીચા બનાવવા વિ.ઉપર ભાર મુકવામાં આવશે.

ઉકત તસ્વીરમાં વોર્ડ નં.૮ના 'આપ'ના ઉમેદવારો સર્વશ્રી પન્નાબેન જોશી (મો.૯૮૨૫૨ ૧૩૪૯૮), જાગૃતિબેન પરમાર (મો.૯૧૦૬૨ ૧૪૧૨૪), શિવલાલ પટેલ (મો.૯૮૨૫૦ ૭૯૦૨૨) અને દર્શન કણસાગરા (મો.૯૮૨૫૨ ૮૧૨૯૯) નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(10:21 am IST)