Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

જામનગરના જયેશ પટેલ ગેંગના વકીલ સહીતના પાંચ આરોપીના 'ડીફોલ્ટ' બેઇલ રદ

ફિલ્મ સ્ટાર સંજયદતના ટાડાના કેસમાં મળેલ જામીનનો ચુકાદો ટાંકીને જામીન પર છુટવા અરજી કરી હતીઃ તપાસનો ગાળો લંબાવતા પહેલા નોટીસ આપેલ નથી તેથી જામીન મળવા જોઇએ તેવી રજુઆતને કોર્ટે ફગાવી દીધીઃ સ્પે. પી.પી. એસ.કે.વોરાની દલીલો માન્ય રાખતી કોર્ટ

રાજકોટ, તા., ૧૯: રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક અદાલતે જામનગરના ભુકાફીયા જયેશ પટેલના પાંચ સાગરીતોએ રજુ કરેલ ડીફોલ્ટ બેઇલ રદ કરતા ઠરાવેલ છે કે ફિલ્મ સ્ટાર સંજય દતની ટાડા કેસની જામીનની હકિકતો આ કેસમાં લાગુ પડતી નથી તેથી હાલના પાંચેય અરજદારો ડીફોલ્ટ બેઇલના સિધ્ધાંત મુજબ જામીન મુકત થવા હક્કદાર નથી.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે જામનગરના ભુમાફીયા જયેશ પટેલના સાગરીતો યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, જીગર આડતીયા એડવોકેટ વસંતભાઇ માનસતા અને નિલેશ ટોલીયાએ રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતમાંડીફોલ્ટ બેઇલના સિધ્ધાંત હેઠળ જામીન અરજીઓ રજુ કરી દલીલો કરેલ હતી કે વર્ષ ૧૯૯૩માં ફિલ્મ સ્ટાર સંજય દતને જે સંજોગોમાં સુપ્રિમ કોર્ટે ડીફોલ્ટ જામીન આપેલ હતા તે મુજબ હાલના કિસ્સામાં પણ અરજદારોને ડીફોલ્ટ બેઇલ મળવાપાત્ર છે.

કાયદાના પ્રબંધો મુજબ ગુજસીટોક હેઠળ પોલીસ તપાસ ૯૦ દિવસમાં પુર્ણ થવી જરૂરી છે. આ તપાસ જો ૯૦ દિવસમાં પુરી ન થાય તો વધુ ૯૦ દિવસ માટે તપાસ સમયગાળામાં વધુ સમય માંગી શકાય. આજ પ્રકારની જોગવાઇ ટાડાના કાયદા હેઠળ હતી જે મુજબ ૯૦ દિવસમાં તપાસ પુરી ન થતા ફિલ્મ સ્ટાર સંજય દતે ડીફોલ્ટ બેઇલની માંગણી કરેલ હતી. હાલના ગુજસીટોકના કેઇસમાં સ્પેશ્યલ અદાલતે પોલીસ તપાસનો સમયગાળો ૯૦ દિવસ માટે લંબાવી આપેલ હતો. પરંતુ આવો હુકમ કરતા પહેલા સુપ્રીમ કોર્ટ ફિલ્મ સ્ટાર સંજય દતના કેસમાં આપેલ ચુકાદા મુજબ સ્પેશ્યલ અદાલતે હાલના આરોપીઓને નોટીસ કરી તેઓને રજુઆતની તક આપેલ ન હતી.

શ્રી સરકારવતી સ્પેશ્યલ પી.પી. શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે સુપ્રિમ કોર્ટે ફિલ્મ સ્ટાર સંજય દતના કેસમાં આરોપીને નોટીસ કરવાનો જે આદેશ આપેલ છે તે ૯૦ દિવસની સમય મર્યાદા પુરી થઇ ગયા બાદ જો વધારો માંગવામાં આવે તો તેવા જ કિસ્સામાં લાગુ પડે છે. ૯૦ દિવસનો સમયગાળો પુર્ણ થતા પહેલા જો વધારો માંગી લેવામાં આવે તો તેવા કિસ્સામાં આરોપીઓને નોટીસ કરવાની અને રજુઆત કરવાની તક આપવાનો સુપ્રિમ કોર્ટનો કોઇ આદેશ નથી. સુપ્રિમ કોર્ટના આ ચુકાદાની છણાવટ કરતા શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે કાયદાની જોગવાઇ મુજબ પોલીસ તપાસના ૯૦ દિવસમાં ચાર્જશીટ રજુ ન થાય તો આરોપીઓને જામીન મળવાનો હક્ક અબાધીત છે (કાયદામાં જેને ડીફોલ્ટ બેઇલ કરહેવામાં આવે છે) આવો હકક અબાધીત થયા બાદ જોપોલીસ તપાસની સમયમર્યાદા વધારવાની માંગણી કરવામાં આવે તો કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ આરોપીઓને સાંભળવા જોઇએ કારણ કે પોલીસ તપાસની સમય મર્યાદા વધારી આપવાથી આરોપીઓની તરફેણમાં અબાધીત થતા પહેલા પોલીસ તપાસનો ૯૦ દિવસની સમયમર્યાદાની અંદર જો વધારો માંગી લેવામાં આવે તો આરોપીઓને ડીફોલ્ટ બેઇલ મળવાપાત્ર નથી.

આ ઉપરાંત વધુ રજુઆત કરતા જણાવવામાં આવેલ કે સમયમર્યાદા વધારી આપતા પહેલા જો આરોપીઓને નોટીસ કરવામાં ન આવે તો તેવી ક્ષતીના પરીણામ શું હોય શકે તે અંગે જયારે સુપ્રિમ કોર્ટે કોઇ ચોક્કસ હુકમ કરેલ ન હોય ત્યારે આવી ક્ષતીના પરીણામરૂપે આરોપીઓ ડીફોલ્ટ બેઇલનો આગ્રહ રાખવા હક્કદાર નથી. આવી ક્ષતીના પરીણામ ફકત અદાલત જ પોતાની વિવેકબુધ્ધિ મુજબ પ્રમાણીત કરી શકે.આ તમામ રજુઆતોના અંતે સ્પેશ્યલ જજે પાંચેય આરોપીઓની ડીફોલ્ટ બેઇલ (જામીન)ની અરજી રદ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે ગુજસીટોક એકટ હેઠળના સ્પેશ્યલ પી.પી. તરીકે શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલ હતા.

(11:36 am IST)