Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

આઠ ગુનામાં સંડોવણી, ૨૦૧૬થી બીજા પાંચ ગુનામાં ફરાર ઇભલાનો ભાઇ જાવલો પિસ્તોલ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે માધાપર ચોકડીથી બેડી જવાના રસ્તેથી દબોચ્યોઃ રિમાન્ડની તજવીજ : હેડકોન્સ. સંતોષભાઇ મોરી, અભીજીતસિંહ જાડેજા અને કરણભાઇ મારૂની બાતમી

રાજકોટ તા. ૧૯: અગાઉ અલગ અલગ આઠ ગુનામાં સંડોવાઇ ચુકેલા અને અન્ય પાંચ ગુનામાં ૨૦૧૬થી ફરાર મોરબી રોડ શાળા નં. ૭૭ સામે રહેતાં અને હાલ રેલનગર છત્રપતિ શિવાજીનગર ટાઉનશીપ બ્લોક નં. ૧૦૨માં ભાડેથી રહેતાં નામચીન જાહિદ ઉર્ફ જાવલો કરિમભાઇ કાથરોટીયા (ઉ.૩૨)ને ક્રાઇમ બ્રાંચની ટીમે માધાપર ચોકડીથી અમદાવાદ તરફ જવાના બાયપાસ બેડી ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે.

નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલાનો ભાઇ એવો જાહિદ ઉર્ફ જાવલો અગાઉ ૨૦૧૪ થી ૨૦૦૦ સુધીમાં આઠ ગુનાઓમાં સંડોવાઇ ચુકયો છે. જેમાં બી-ડિવીઝનના મારામારી, લૂંટ-રાયોટ, દારૂ, હત્યાની કોશિષના ૭ ગુના તથા મોરબી સીટીના મારામારીના એક ગુનાનો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં તેને પોલીસે જે તે વખતે પકડી લીધો હતો.

જાહિદને બીજા પાંચ ગુનાઓ જેમાં ડીસીબીનો દારૂનો ગુનો, એ-ડિવીઝનના હત્યાની કોશિષ, રાયોટ સહિતના બે ગુના, બી-ડિવીઝનના હત્યાની કોશિષ-રાયોટના બે ગુના મળી પાંચ ગુનામાં પકડવાનો બાકી હતો. આ ગુના તેણે ૨૦૧૬થી ૨૦૨૦ સુધીમાં આચર્યા હતાં.  તે મોરબી રોડ પરના તેના મકાને મળી આવતો નહોતો. કેટલાક સમયથી તેણે રેલનગરમાં મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં આવ જા કરતો હતો. મોટે ભાગે સુરેન્દ્રનગર તરફ રહેતો હતો. દેશી પિસ્તોલ-કાર્ટીસ એ તરફથી લાવ્યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.

પોલીસે ૧૫ હજારની પિસ્તોલ, ૩૦૦ના ૩ કાર્ટીસ અને એક મોબાઇલ ફોન કબ્જે લીધો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, અ.એસ.આઇ. આર. બી. ગઢવી, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂએ આ કામગીરી કરી હતી.

(11:37 am IST)