Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પ્યાસીઓ માંગે એ બ્રાન્ડ હાજર કરી દેતો, પણ બોટલમાં બીજો જ દારૂ હોય!: દેણું ઉતારવા પાનવાળા મેહુલે આદરી છેતરપીંડી

રોયલ ચેલેન્જર્સની બોટલમાંથી રેડ લેબલ, બ્લેક એન્ડ વ્હાઇટ, વેટ-૬૯, હન્ડ્રેડ પાઇપર્સ, ટીચર્સ, બ્લેક ડોગ જેવી બ્રાન્ડની બોટલમાં દારૂ ભરી પ્યાસીઓને મોંઘા ભાવે પધરાવી દેતોઃ વિનાયકનગરનો શખ્સ દોઢેક માસથી આવું કરતો'તો : ક્રાઇમ બ્રાંચના વી. જે. જાડેજાની ટીમના ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, મહેન્દ્રસિંહની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: 'હેલ્લો, મેહુલ બોલે છે?...હા બોલો ને...શું પડ્યું છે ભાઇ?...અરે તમે માંગો એ બ્રાન્ડ આપું'...કંઇક આવા જ સંવાદો માંગનાર અને વેંચનાર વચ્ચે થયા બાદ મવડી વિનાયકનગર-૧૬ કિસ્મત બેકરી પાસે રહેતો મેહુલ અરવિંદભાઇ ચાવડા (ઉ.૩૩) નામનો પાનનો ધંધાર્થી દારૂના શોખીનોને મોંઘીદાટ બ્રાન્ડની બોટલો પુરી પાડતો હતો. પરંતુ આ ભાઇ બ્રાન્ડેડના નામે છેતરપીંડી કરી રોયલ ચેલેન્જર્સ કે મેકડોવેલ્સની બ્રાન્ડનો દારૂ મોંઘીદાટ બોટલોમાં ભરીને બ્રાન્ડેડના નામે ધાબડી દેતો હોવાનું કારસ્તાન તે ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઇ જતાં ઉઘાડુ પડ્યું હતું.

પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમના  એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મેહુલને સોરઠીયા વાડી સર્કલ પાસે ડિલકસ પાન નામની દૂકાનમાંથી રૂ. ૧૫૦૦ની ગ્રાન્ટ માસ્ટર વોડકાની એક બોટલ, મેકડોવેલ્સ વ્હીસ્કીની રૂ. ૫૦૦ની એક બોટલ, રોયલ ચેલેન્જર્સની ૨૦ ખાલી બોટલો, મેકડોવેલ્સની ૦૨ ખાલી બોટલ, રેડલેબલ, બ્લેક એન્ડ વ્હાઇટ, વેટ ૬૯, ૧૦૦ પાઇપર્સ, ટીચર્સ, બ્લેકડોગની ખાલી બોટલો, ઢાકણા, સ્ટીકર્સના જથ્થા સાથે પકડી લેવાયો હતો.

પુછતાછમાં તેણે કબુલ્યું હતું કે પોતે ભંગારમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો લાવતો હતો અને તેમાં મેકડોવેલ્સ કે રોયલ ચેલેન્જર્સ બ્રાન્ડનો દારૂ ભરી દઇ બ્રાન્ડેડના નામે મોંઘાભાવે પ્યાસીઓને ધાબડતો હતો. દેણામાં ડુબી ગયો હોવાથી પોતે દોઢેક મહિનાથી આ રવાડે ચડ્યાનું રટણ કર્યુ હતું. તે બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર્સ, ઢાકણા, દમણ તરફથી લાવતો હોવાનું પણ તેણે કહ્યું હતું. અગાઉ આ શખ્સ ધારી અને રાજકોટ ડીસીબીમાં બેમળી દારૂના ત્રણ ગુનામાં પકડાઇ ચુકયો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા તથા જેમને બાતમી મળી એ કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.

(12:48 pm IST)