Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પાન ફાકીના ધંધામાં બહુ જામતું નહોતું એટલે ગાંજો વેંચવાના રવાડે ચડ્યોઃ નાશીર પકડાયો

ખોખડદડ રોડ પરથી બાઇકમાં ૬૪૦ ગ્રામ ગાંજો લઇને નીકળતાં કોઠારીયા સોલવન્ટ નુરાનીપરાના શખ્સને એસઓજીની ટીમે દબોચી લઇ આજીડેમ પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૧૯: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત ગાંજા સાથે એક શખ્સને પકડ્યો છે. એસઓજીની ટીમ કોઠારીયાથી ખોખડદડ જવાના રોડ પર બીએસએનએલની ઓફિસ પાસે ચુંટણી અંતર્ગત પેટ્રોલીંગમાં, વાહન ચેકીંગમાં હતી ત્યારે  કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા-૭માં રહેતો અને ઘર નજીક પાન ફાકીની દૂકાનમાં બેસી ધંધો કરતો નાશીર તૈયબભાઇ મડમ (ઉ.૩૦)ને રૂ. ૬૪૦૦ના૬૪૦ ગ્રામ ગાંજા સાથે પકડી લઇ આજીડેમ પોલીસને સોંપ્યો હતો.

 એસઓજીના પીએઅસાઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ અને ઝહીરખાન ખફીફ તથા કોન્સ. અઝહરૂદ્દીન બુખારીએ જીજે૦૭એઇ-૧૧૪૧ લઇને એક શખ્સ નીકળતાં શંકાસ્પદ જણાતાં અટકાવીને તલાસી લેતાં ગાંજો મળી આવ્યો હતો. આ શખ્સે પુછતાછમાં પોતાનું નામ નાશીર મડમ હોવાનું અને નુરાનીપરામાં રહેતો હોવાનું કહ્યું હતું. તેના વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવાતાં વધુ તપાસ પીએસઆઇ એમ. એમ. ઝાલાએ હાથ ધરી છે. પાન-ફાકીના ધંધામાં બહુ જામતું ન હોઇ આર્થિક ભીંસ દુર કરવા નાશીરે ગાંજો લાવી પડીકીઓ બનાવી વેંચવાનું ચાલુ કર્યુ હતું. રાજકોટથી જ તે કોઇ પાસેથી લાવતો હોવાનું રટણ કરતો હોઇ કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ હાથ ધરાશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, વિજેન્દ્રસિંહ ઝાલા, અનિલસિંહ, ઝહીરખાન, અઝહરૂદ્દીનભાઇ, સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

(12:51 pm IST)