Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દર્દીને હોસ્પીટલમાં રાખવા-સારવાર આપવી ડોકટરનું કામ છેઃ વિમા કંપનીનું નહિં: મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૧૯: દર્દીને હોસ્પિટલમાં કેટલો સમય રાખવા અને કઇ સારવાર આપવી તે નકકી કરવાનું કાર્ય ડોકટરનું છે વીમા કંપનીનું નહીં તેમ ઠરાવી ગ્રાહક સુરક્ષા કમિશને વીમા કંપની સામે લાલ આખં કરી મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત જોતા સુપ્રસિદ્ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ડાયરેકટર નરેન્દ્રકુમાર પાંચાણી દ્વારા પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવામાં આવેલ હતો. વીમા કંપની દ્વારા આપવામાં આવેલ પોલિસી અંતર્ગત નિયત કરવામાં આવેલ સમયગાળા દરમિયાન વિમાધારક કુમારી રાશિ નરેન્દ્રકુમાર પાંચાણીને વાયરલ ઇન્ફેકશન થતા તાવ આવેલો હતો અને તબિયત બગડી ગયેલ હતી પરિણામે હોસ્પિટલમાં દાખલ થવું પડેલ અને સારવાર લેવી પડેલ જેનો કુલ ખર્ચ રૂ. ર૩,૩૧૯-૦૦ થયેલ. વીમા ધારક દ્વારા ખર્ચનો કલેમ વીમા કંપની સમક્ષ કરવામાં આવતા વીમા કંપનીએ એવું કારણ આપી કલેમ ચૂકવવાની ના ભણી દીધેલ કે તાવ આવવા જેવી સામાન્ય બિમારીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે નહીં. વીમા કંપનીના આવા મનસ્વી અને અમાનવીય વલણથી નારાજ થઇ વીમાધારક દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અધિક) રાજકોટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવેલ.

સદરહું ફરિયાદ અનુસંધાને કેસ ચાલી જતાં ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતો દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અધિક) રાજકોટના જજ વાય. ડી. ત્રિવેદી તથા સભ્ય શ્રી એ. પી. જોશીની બેન્ચ દ્વારા ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવવામાં આવ્યું કે વીમો નામંજુર કરવા અંગેનું વીમા કંપનીએ કરેલ અર્થઘટન વીમા કંપનીની સેવામાં ખામી ગણાય તેમજ દર્દીને લગતા નિર્ણય વીમા કંપનીએ નહીં પરંતુ ડોકટરે જ લેવાના હોય છે.

ગ્રાહક કમિશન દ્વારા ફરિયાદીની ફરિયાદ ગ્રાહ્ય રાખી હોસ્પિટલમાં લેવી પડેલ સારવારનો ખર્ચ ફરિયાદની તારીખથી વાર્ષિક ૬% લેખે વ્યાજ સહિત ચૂકવવા તથા ફરિયાદ ખર્ચના રૂ. ૩૦૦૦ ચુકવવા હુકમ કરેલ હતો આ કામમાં ફરિયાદી તરફે કન્ઝયુમર કાયદાના એડવોકેટ ગજેન્દ્ર જાની તથા પૃથ્વીરાજસિંહ જાડેજા રોકાયેલ છે.

(2:49 pm IST)