Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગ્લોકલ ઇન્ફોમાર્ટ દ્વારા રાજકોટ જિલ્લા સહકારી બેંકને ''બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ''

રાજકોટ તા. ૧૯: રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી. એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે નાબાર્ડે આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવેલ છે. વર્ષોથી બેંકીંગ ક્ષેત્રે રીસર્ચ કરી રહેલ રાષ્ટ્રીય લેવલની સંસ્થા ગ્લોકલ ઇન્ફોમાર્ટ-મુંબઇ દ્વારા તાજેતરમાં યોજાયેલ બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-ર૦ર૦ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.એ ભાગ લેતા આ બેંક ક્રેડીટ ગ્રોથ તથા ટર્નરાઉન્ડની સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે આવતા શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ને (૧) ''બેસ્ટ ક્રેડીટ ગ્રોથ એવોર્ડ-ર૦ર૦'' તથા (ર) ''બેસ્ટ ટર્નરાઉન્ડ એવોર્ડ-ર૦ર૦'' એમ બે એવોર્ડ માટે વિજેતા જાહેર કરેલ છે.

રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકને પાંચ વખત નાબાર્ડ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ, ''નાફસ્કોબ'' તરફથી બે વખત એન્યુઅલ પરફોર્મન્સ એવોર્ડ તેમજ જી.એસ.સી. બેંક દ્વારા દશાબ્દી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મુંબઇ ખાતે યોજાયેલ બે દિવસના કો-ઓપરેટીવ સમિટનું ઓનલાઇન આયોજન કરેલ તેમાં સમગ્ર દેશની બેંકોના પ૦૦ પ્રતિનિધિશ્રીઓ જોડાયેલ હતા. આ સુંદર સેમિનારમાં બેંકના કરન્ટ સીનારીયોને લગતી બાબતો તેમજ ડિપોઝીટ, ધિરાણો, વસુલાત, એન.પી.એ., ઇન્ફોરર્મેશન ટેકનોલોજી, ડિઝીટલાઇઝેશન અને સાબરક્રાઇમ અટકાવવા અંગે ઓનલાઇન વિશેષ માર્ગદર્શન મળેલ હતું આમ આ બેંકને વધુ બે ''બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-ર૦ર૦'' મળતા બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ તમામ સ્ટાફમાં આનંદ અને ઉત્સાહ જોવા મળેલ છે.

(2:53 pm IST)