Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કોરોના પોઝીટીવ દર્દી રજીસ્ટ્રેશન કરાવ્યા વગર મતદાન કરવા જશે તો સીધી ફોજદારી ફરિયાદ

મતદાન કરવા ઇચ્છતા કોરોના પોઝીટીવ દર્દીઓએ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવુ

રાજકોટ, તા. ૧૯ :. આગામી રવિવારે તા. ૨૧ના રોજ રાજકોટના ૯૯૧ બુથો ઉપર રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે અને તે સંદર્ભે ઈવીએમ સહિતની તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી પંચે મતદાનના દિવસે કોરોના દર્દીઓ માટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. તેમણે જણાવેલ કે કોરોના પોઝીટીવ જે તે મતદાર કે અન્ય કોઈ આગેવાન કાર્યકર, નેતા કે કોઈપણ કર્મચારી-અધિકારીઓ મતદાનના આગલા દિવસે એટલે કે શનિવારે તા. ૨૦ના રોજ જે તે વોર્ડના રીટર્નીંગ ઓફિસર પાસે ફરજીયાત રજીસ્ટર્ડ કરાવવાનુ રહેશે. તેમજ કોઈપણ સરકાર અન્ય એમબીબીએસ ડોકટરનું સર્ટીફીકેટ આપવાનું રહેશે કે જેમા લખેલુ હોવુ જરૂરી છે કે આ કોરોના પોઝીટીવ મતદારની શારીરીક સ્થિતિ બુથ ઉપર મતદાન કરી શકે તેવી છે. અને જો કોઇ કોરોના પોઝીટીવ દર્દી રજીસ્ટ્રેશન વગર સીધા જ મતદાન કરવા પહોંચશે તો સીધા ફોજદારી ફરીયાદ થશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આવા મતદારે પીપીઈ કીટ પહેરવી ફરજીયાત છે અને તે કીટ પહેરવાની તાલીમ આરોગ્ય અધિકારી પાસેથી લેવાની રહેશે અને આવા મતદાર માટે ચૂંટણી પંચે ૨૧મીએ સાંજે ૫ થી ૬ દરમિયાનનો ટાઈમ ફીકસ કર્યો છે.

શ્રી રેમ્યા મોહને ઉમેર્યુ હતુ કે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પીટલ કે હોમ આઈસોલેશન હોય તે તમામને ઉપરોકત નિયમો લાગુ પડે છે. કલેકટરે રીપીટ કર્યુ હતુ કે આવા મતદારે ૨૦મીએ જ રજીસ્ટર્ડ કરાવવાનુ રહેશે. મતદાનના દિવસે રજીસ્ટર્ડ કરાવે તે નહિ ચાલે, તેમજ જે તે દર્દીએ કોરોના ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર જાળવી અલગ ઉભી કરાયેલ લાઈનમાં ઉભુ રહેવાનુ રહેશે અને સ્વખર્ચે આવવાનું રહેશે.

(3:12 pm IST)