Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે

આ વખતે સીધા બેંકમાં જમા કરવાનું કેન્સલ કરાયું: જે તે R.O. મતદાનના દિવસે ઝોનલ ઓફીસે પોલીંગ સ્ટાફનું કવર આપી દેશે... : ૯૯૧ બૂથ માટે કૂલ ૬પ૪૦નો સ્ટાફઃ આ ઉપરાંત ૧ હજારનો અન્ય સ્ટાફ કાલથી બે દિવસ ખડેપગેઃ હાઇએલર્ટના આદેશો... : તમામ પોલીંગ સ્ટાફને જમવાના રોકડા રૂપિયા ચૂકવાશે : ૧ મતદાન મથક દીઠ પ૭૦૦નું ભથ્થુઃ પ્રિસાઇડીંગને ૧૭૦૦ ફર્સ્ટ પોલીંગ ઓફીસરને ૧૩૦૦ સેકન્ડ પોલીંગ અને મહીલા પોલીંગ ઓફીસરને ૧૦પ૦ તથા પટ્ટાવાળાને ૬૦૦ રોકડા ચૂકવવા તૈયારીઓ... : દરેક પોલીંગ સ્ટાફ બૂથ ઉપર નાઇટ હોલ્ટ કરશેઃ રવિવારે સવારે ૬ વાગ્યે મોકપોલઃ તેમાં પ૦-પ૦ મતો નાંખવા ફરજીયાત

રાજકોટ તા. ૧૯: રવિવારે યોજાનાર મહાનગરપાલીકાની ચૂંટણી અન્વયે રોકાનાર પોલીંગ સ્ટાફને ૬૦ લાખથી વધુની રકમ ચુકવવા અંગેની તૈયારીઓ દરેક R.O. દ્વારા શરૂ કરાઇ છે.

આ અંગે આજે માહિતી આપતા એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયા અને ચૂંટણીની તમામ કામગીરી સંભાવના અને ભારે અનુભવી નાયબ મામલતદારશ્રી અતુલ મહેતાએ આજે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણી કુલ ૯૯૧ બુથ ઉપર થશે, દરેક બૂથમાં પોલીંગ સ્ટાફમાં પ પોલીંગ કર્મચારી અને એક પટ્ટાવાળા સહિત કુલ ૬નો સ્ટાફ રહેશે, ૯૯૧ બુથ ઉપર કાલે બપોરે ૧ર વાગ્યા બાદ પ૯૪૬નો સ્ટાફ રવાના થશે, તે ઉપરાંત ૧૦ ટકા રીઝર્વ પોલીંગ સ્ટાફ રહેશે, જે પ૯૪ના સ્ટાફના ઓર્ડર થઇ ગયા છે, આ ઉપરાંત ચૂંટણી શાખા, દરેક R.O., ઝોનલ ઓફીસરો થઇને અન્ય કુલ ૧ હજારનો સ્ટાફ રહેશે. ટુંકમાં કાલથી બે દિવસ કુલ ૭ાા હજારનો સ્ટાફ ૪૯ કલાક સુધી ખડેપગે રહેશે.

એડી. કલેકટરે ઉમેર્યું હતું કે કાલે ૧ર વાગ્યાથી સ્ટાફ રવાના થશે, અને નાઇટ હોલ્ટ જે તે બૂથ ઉપર કરશે, રવિવારે ૭ વાગ્યાથી દરેક બૂથ ઉપર મતદાન શરૂ થશે અને તેના કલાક પહેલા એટલે કે સવારે ૬ વાગ્યે દરેક બૂથ ઉપર મોકપોલ પક્ષોના એજન્ટોની હાજીરમાં યોજાશે અને દરેક બૂથમાં મોકપોલના પ૦-પ૦ વોટ નાંખવાના રહેશે, જેની ગણત્રી થશે, તેમાં કોઇ ગરબડ જણાશે તો તુર્ત જ EVM બદલી નખાશે.

પોલીંગ સ્ટાફના ભથ્થા અંગે નાયબ મામલતદારશ્રી અતુલ મહેતાએ જણાવ્યું હતું કે, ૧-મતદાન મથક દીઠ રૂ. પ૭૦૦નો ખર્ચ થશે, જેમાં પ્રિસાઇડીંગ ઓફીસરને રૂ. ૧૭૦૦ (બે તાલીમ-ર દિ' બુથ ઉપર અને બે વખતનું ભોજનનો સમાવેશ થાય છે.), ફર્સ્ટ પોલીંગ ઓફીસરને રૂ. ૧૩૦૦, સેકન્ડ પોલીંગ ઓફીસર અને મહિલા પોલીંગ ઓફીસરને રૂ. ૧૦પ૦, તથા પટ્ટાવાળાને રૂ. ૬૦૦નું ભથ્થુ ચૂકવાશે.

કુલ ૬પ૪૦ના બથ ઉપરના અને રીર્ઝવ સ્ટાફને રૂ. ૬૦ લાખથી વધુની રોકડની ચૂકવણી મતદાનના દિવસે જે તે R.O. દ્વારા કરાશે, આ માટે R.O. દ્વારા હાલ દરેક પોતાના સ્ટાફના કવર બની રહ્યા છે, જે મતદાનના દિવસે ઝોનલ ઓફીસરને આપશે અને ઝોનલ ઓફીસર પોતાના રૂટમાં આવતા મતદાન મથકના જે તે પોલીંગ સ્ટાફને કવર આપી દેશે.

આ વખતે પોલીંગ સ્ટાફના બેંક ખાતામાં ડાયરેકટ જમા કરવાનું કેન્સલ કરી રોકડ ચૂકવણી કરવાનું નકકી કરાયું છે. ર૦૧પમાં ૪ થી પ કર્મચારીના નાણા અન્યના ખાતામાં જમા થઇ ગયાની ઘટનાઓ બનતા દેકારો મચી ગયો હતો, પરીણામે આ વખતે હાથોહાથ રોકડ આપવાનુ કહેવાયું છે.

(3:13 pm IST)