Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રવિવારે ૧૮ વોર્ડની ૭૨ બેઠકોનું ૯૯૧ બુથ પર મતદાનઃ ૨૯૩ બુથ સંવેદનશીલ અને ૧૯ બુથ અતિ સંવેદનશીલ

૧૬૧૩ પોલીસ, એસઆરપીની ૪ કંપની, ૧૪૧૮ હોમગાર્ડ અને ૮૦૦ ટીઆરબી મળી ૪૨૪૯ જવાનોનો બંદોબસ્તઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ-જેસીપી ખુરશીદ અહેમદનો જડબેસલાક બંદોબસ્ત પ્લાન

રાજકોટ તા. ૧૯: રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું મતદાન યોજાયું છે. શાંતિપુર્વક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પ્રક્રિયા થાય એ માટે શહેર પોલીસે જડબેસલાક બંદોબસ્તનું આયોજન કર્યુ છે. પોલીસે જે ટોટલ બુથ છે તેમાંથી ૨૯૩ બુથને સંવેદનશીલ તરીકે અને ૪૬ને અતિ સંવેદનશીલ તરીકે અલગ તારવ્યા છે. કુલ ૧૯ વોર્ડની ૭૨ બેઠકોનું મતદાન ૩૯૫ બિલ્ડીંગોના ૯૯૧ બુથ પર થશે. પોલીસની નજરે અતિ સંવેદનશીલ બિલ્ડીંગ ૦૪ છે. જ્યારે સંવેદનશીલ બિલ્ડીંગની સંખ્યા ૭૮ છે. સંવેદનશીલ બુથ ૨૯૩ અને અતિ સંવેદનશીલ બુથ ૧૯ છે. આ તમામ સ્થળોેએ વધુ બંદોબસ્ત રાખવો પડશે. પોલીસની નજરે ટ્રબલ સમ સ્પોટ અને કોમી સંવેદનશીલ પોઇન્ટ ૪૬ છે. આ તમામ પોઇન્ટ પર અલગથી વધારાનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પોલીસે ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્વક રીતે થાય એ માટે ૨૧/૧ થી ૧૮/૨ સુધીમાં ૭૯૪૦ શખ્સો સામે અટકાયતી પગલાઓ લીધા છે. બુટલેગરોને પણ દારૂ સાથે પકડ્યા છે. ૧૦ પીઆઇ, ૫૫ પીએસઆઇ અને ૧૦ કયુઆરટીની ટીમો સતત સેકટર અને ગ્રુપ પેટ્રોલીંગ કરતી રહેશે. પોલીસે ચેક પોસ્ટ પણ ઉભી કરી છે. આઠ ચેક પોસ્ટ પર અત્યાર સુધીમાં ૬૮૧૪૦ વાહનો ચેક કર્યા છે. જેમાં બે વાહનોમાંથી વાંધાજનક વસ્તુ મળતાં કાર્યવાહી થઇ હતી.  ચુંટણી ફરજમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ ૧૬૩૧ પોલીસ અધિકારીઓ, જવાનો, એસઆરપીની ૪ કંપની, ૧૪૧૮ હોમગાર્ડ જવાનો, ૮૦૦ ટીઆરબી મળી કુલ ૪૨૪૯ જવાનો ફરજ બજાવશે.

(3:56 pm IST)