Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

વાવડી રેકર્ડ ગુમ પ્રકરણઃ કલેકટરનો FIR નોંધાવવા તથા સીટી પ્રાંત-ર ને તપાસ કરવા આદેશઃ કોઇ જવાબદારને નહિ છોડાય

મામલતદાર તંત્રે હજુ FIR નહિ નોંધાવતા કલેકટર લાલઘુમ : એડી. કલેકટરને FIR અંગે તાકિદે કાર્યવાહી કરવા આદેશો : પોલીસમાં જાણવા જોગ એન્‍ટ્રી શું કામ : જયાંથી રેકર્ડ ગુમ થયું તેની બાજુના નાલામાં ગ્રામ પંચાયત-રેવન્‍યુના પોટલા જોઇ કલેકટર ચોંકી ઉઠયા : એક ભંગારના ડેલામાંથી પણ ૭ પોટલા મળ્‍યાઃ તેમાં કોર્પોરેશનની ટેક્ષ બ્રાંચના મહત્‍વના દસ્‍તાવેજો : રાજકોટ તાલુકા મામલતદાર તંત્રની અંદાજે ૬ હજાર નોંધના દસ્‍તાવેજ ગૂમ થતા જબરી સનસનાટી : વાવડીના રેકર્ડ પ્રકરણના ગાંધીનગર સૂધી પડઘાઃ ત્‍યાંથી તપાસ ટીમ દોડી આવે તો નવાઇ નહી તેમ કલેકટર લોબીમાં કર્મચારીઓમાં ભારે ચર્ચા :રેવન્‍યુનુ ફુલ કેટલૂ રેકર્ડ ગૂમ થયું કે કરાયું તેની તમામ વિગતો મંગાવાઇ

રાજકોટ તા. ૧૮ :.. વાવડી હવે કોર્પોરેશનમાં ભળી ગયું છે, પરંતુ હાલ તો વાવડી ગ્રામ પંચાયત અને  મહેસુલનું મહત્‍વનું રેકર્ડ અને તેના પોટલા કોર્પોરેશનના કબજાગ્રસ્‍ત બિલ્‍ડીંગના કબાટમાંથી ગૂમ થતા રાજકોટનું મહેસુલ તંત્ર ચોંકી ઉઠયું હતું. આ વિસ્‍તારના તલાટી ગીધવાણીએ તાલુકા મામલતદારને જાણ કરતા, તાલુકા મામલતદારે નાયબ મામલતદાર માધવ મહેતાને પોલીસમાં એન્‍ટ્રી કરાવવા સુચના આપી હતી, પરિણામે માધવ મહેતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં રેવન્‍યુ રેકર્ડ ગુમ થવા અંગે પોલીસમાં જાણવા જોગ એન્‍ટ્રી કરાવી હતી, અને હાલ પોલીસ તપાસ કરી રહી છે.

દરમિયાન આ રેવન્‍યુ-પંચાયતના રેકર્ડ બાબતે મોટો ઉહાપોહ ઉભો થતા રાજકોટ કલેકટર મેદાનમાં આવ્‍યા છે.

આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રેકર્ડ ગૂમ પ્રકરણમાં હજૂ એફઆઇઆર નહિ નોંધાયાનું અને માત્ર જાણવા જોગ જ એન્‍ટ્રી કરાવ્‍યાનું કલેકટરે જાણતા જ કલેકટર લાલઘુમ બની ગયા હતા, અને આ પ્રકરણમાં એડી. કલેકટરને આદેશો કરી તાકિદે એફઆઇઆર અંગે કાર્યવાહી કરવા આદેશો કર્યા હતાં.

ત્‍યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરે જણાવ્‍યું હતું કે આજે જ તાકિદે આ પ્રકરણમાં એફઆઇઆર નોંધાવી દેવાશે, તેમજ આ પ્રકરણમાં સીટી પ્રાંત-ર સંદીપ વર્માને અમે તપાસ કરી રીપોર્ટ કરવા આદેશો કર્યા છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આવી રીતે રેકર્ડ ગૂમ થાય તે ચલાવી નહિ લેવાય... અમે આ પ્રકરણમાં કોઇપણ જવાબદાર હશે તેને નહિ છોડીએ, આકરા શિક્ષાત્‍મક પગલા લેવાશે.

આ રેકોર્ડની સાથોસાથ કોર્પોરેશનનું પણ રેકર્ડ ગૂમ થયાનું અને ગ્રામ પંચાયતના ૭/૧ર-૮/અ ની નોંધના પોટલા જયાંથી રેકર્ડ ગૂમ થયું તે મકાનની બાજુમાં આવેલ નાલામાં પ પોટલા પડયાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે, ભંગારના ડેલામાંથી ૭ પોટલા મળ્‍યા તેમાં કોર્પોરેશનની ટેક્ષ બ્રાંચના મહત્‍વના દસ્‍તાવેજો-કાગળો હોવાનું પોલીસ ઉમેરી રહી છે.

એટલૂ જ નહી નાલામાંથી ગ્રામ પંચાયત-રેવન્‍યુ રેકર્ડના પોટલાનો વિડીયો જોઇ કલેકટર ચોંકી ઉઠયા હતા, તેમણે પણ તમામ વિગતો મંગાવી છે.

વાવડી ગ્રામ પંચાયત-રેવન્‍યુ રેકર્ડની ખરીદ-વેચાણ દસ્‍તાવેજની અંદાજે પ થી ૬ હજાર નોંધ-૭/૧ર, ૮/અના ઉતારા, આંબો, વારસાઇ નોંધ વિગેરે અનેક મહત્‍વના  દસ્‍તાવેજો ગૂમ થતા જબરી સનસનાટી મચી છે, તંત્ર હલબલી ગયું છે, આના પડઘા ગાંધીનગર પડયા છે, રેવન્‍યુનું કૂલ કેટલુ રેકર્ડ ગૂમ થયું તેની તમામ વિગતો મંગાવાઇ છે, ગાંધીનગરથી તપાસ ટીમ દોડી આવે તો નવાઇ નહી તેમ કલેકટર લોબીંમાં ચર્ચાય રહ્યું છે.

(3:44 pm IST)