Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સોસાયટીના નિયમોનું પાલન કરવાનું કહેતાં ડખ્ખોઃ પ્રમુખ અમિતભાઇ ઠક્કરને ધનરાજ બેડલાની ધમકી

રૈયા રોડ પર આવેલી ડ્રીમલેન્ડ સોસાયટીમાં બનાવઃ યુનિવર્સિટી પોલીસને આવેદનઃ ગુનો દાખલ

ડ્રીમસીટી સોસાયટીના સભ્યો આવેદન પત્ર આપતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૯ : રૈયારોડ પર આવેલી ડ્રીમસીટી બીલ્ડીંગમાં સોસાયટીના નિયમોનું પાલન કરવાનું કહેતા તે બાબતનું મનદુઃખ રાખી સોસાયટીના પ્રમુખને બીલ્ડીંગમાં રહેતા શખ્સે છરી બતાવી જાનથી મારીનાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયારોડ ડ્રીમસીટી ડી-૨/૧૦૩માં રહેતા બીપીનભાઇ ઠક્કર (ઉવ.૩૬) એ યુનિવર્સિટીસ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં બીલ્ડીંગ સી-૨/૧૦૨૪ નંબરના ફલેટમાં રહેતા ધનરાજ નીમાવત ર્ફે વીરમ બેડલાનું નામ આપ્યુ છે. અમીતભાઇએ ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે સેનેટરીવેરનો વેપાર કરે છે. પોતે સોસાયટીના પ્રમુખ છે. બીલ્ડીંગના સી-૨/૧૦૨૪માં રહેતા ધનરાજ નીમાજત ઉર્ફે વીરમ બેડલા પોતાનું વાહન બીલ્ડીંગમાં પાર્કીંગ સરખુ કરતો ન હોઇ જેવા સોસાયટીના અન્ય નિયમોનું પાલન કરતો ન હોય તે બાબતે અમીતભાઇએ તેને અવાર-નવાર સોસાયટીના નિયમોનું પાલન કરવા બાબતે કહ્યું હતું. તેથી તેને સારૂ ન લાગતા ફોન પર અવાર-નવાર ગાળો આપતો હતો. દરમ્યાન ગઇકાલે પોતે તથા બીલ્ડીંગમાં રહેતા ભાવેશભાઇ સચદે, મીલનભાઇ અને રાકેશભાઇ બીલ્ડીંગમાં હતા ત્યારે ધનરાજ બેડલો પોતાની પાસે આવી છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ અંગે અમીતભાઇ ઠક્કરે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. સાજીદભાઇ ખેરાણીએ તપાસ હાથ ધરી છે. સોસાયટીના રહેવાસીઓએ પણ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખીતમાં રજુઆત પણ કરી હતી તેમાં ધનરાજ નીમાવત ઉર્ફે વીરમ બેડલા અવાર-નવાર સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરી ધાક-ધમકી તેમજ બીલ્ડીંગના સીકયુરેટી મેનને પણ ગાળો આપી નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકી આપ્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(3:08 pm IST)