Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજકોટની સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલમાં મિર્ઝાપુરના અંતિમાબેન ગુપ્તાનું વિનામુલ્યે સફળ ઓપરેશન

દર્દીના બંને વાલ્વ ખરાબ થઇ ગયા હતા, હૃદયના ધબકારા અનિયમીત હતા

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

   શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના , માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે . આવા જ એક દર્દી અંતિમાબેન અનિલ ગુપ્તા, (ઉંમર ૨૯ વર્ષ ગામઃ બજાર,દિહા તાલુકો /જીલ્લો :-  મિર્ઝાપુર, ઉત્તરપ્રદેશ)નું શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ઓપરેશન માટે આવેલું હતું. આ દર્દીના પતિ અલંગ ભાવનગર ખાતે મજૂરીકામ કરી મહિનામાં આશરે ૧૦,૦૦૦ રૂા કમાય છે. દર્દી તેમના વતન ઉતરપ્રદેશ માં બે બાળકો સાથે રહે છે. આ દર્દીને હદયની તકલીફ છેલ્લા ૪ વર્ષથી છે. જયારે તેઓએ વારાણસીની એક હોસ્ટિપટલમાં નિદાન કરાવ્યું ત્યારે ડોકટરે ઓપરેશનની જરૂર હોવાનું જણાવેલ હતું અને આશરે ૩ લાખ રૂપિયાનો ખર્ચ જણાવેલ હતો.

 આ ગરીબ કુટુંબ માટે આ અશક્ય હતું આ દરમિયાન  દર્દીના પતિને શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટની માહિતી મળતા તેમને દર્દીને વતનમાંથી બોલાવી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ લઇ આવેલ હતા. અહીં જરૂરી રિપોર્ટ્સ કર્યા બાદ દાખલ કરવામાં આવેલ હતા. આ દર્દીના બે વાલ્વ ખરાબ થઇ ગયા હોવાથી તેમને ચાલવામાં શ્વાસ ચડતો હતો  અને હૃદયના ધબકારા અનિયમિત હતા. આથી બંને વાલ્વ બદલાવી વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવેલ હતું. દર્દીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તા ૧૯.૫.૨૦૨૧ ના રોજ રજા આપવામાં આવી હતી. ભગવાન બાબાની કૃપાથી એક ગરીબ વ્યકિત ને નવું જીવન પ્રાપ્ત થયું છે.

(3:11 pm IST)