Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રેલનગર અન્‍ડર બ્રિજ નજીક ફાયરમેન અરશીલ ખોખરે આર્મીમેન ભાઇની રાઇફલથી ભડાકા કર્યાઃ નિર્દોષ સુભાષભાઇ દાંતીની હત્‍યા

મામા-મામી-માતા-પિતા સાથે ૧૨મીએ અજમેર શરીફ ગયેલી ભોમેશ્વરવાડીની સાનીયા ખોખર સાથે ફાયરમેન પતિ અરશીલ ખોખરને થયેલો ઝઘડો સેન્‍ટ્રલ જીએસટીના એએસઆઇ ડ્રાઇવરની હત્‍યા સુધી પહોંચ્‍યોઃ ત્રણ આરોપી આરીફ ખોખર અને તેના બે પુત્રો અરશીલ તથા અજીલને ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ, પેરોલ ફરલોની ટીમે પકડી લીધા : રેલનગરમાં રહેતાં સુભાષભાઇ ગઢવી બાઇક પર નીકળ્‍યા ત્‍યારે ઝઘડો જોઇ ઉભા રહ્યાઃ દિલશાદબેન સાથે મારકુટ થતી હોઇ તેણીને બચાવવા પોતાના બાઇકમાં બેસાડતાં આરીફ અને અજીલે ‘આ આપણા ઝઘડામાં વચ્‍ચે પડે છે, પુરો કરી નાંખ' કહેતાં અરશીલ ખોખરે ગોળી મારી દીધી

નિર્દોષની હત્‍યા: શહેરના જામનગર રોડ રેલનગર અન્‍ડરબ્રિજ પાસે મુસ્‍લિમ પરિવારજનો વચ્‍ચે ચાલી રહેલા ઝઘડામાં સેન્‍ટ્રલ જીએસટીમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં રેલનગરના સુભાષભાઇ દેવકરણભાઇ દાંતી (ગઢવી) વચ્‍ચે પડતાં તેમના પર રાઇફલથી ફાયરીંગ કરી હત્‍યા કરી નખાઇ હતી. ઘટના સ્‍થળે ઉંધી વળેલી રિક્ષા, સુભાષભાઇ દાંતીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, હુમલામાં ઘાયલ રેલનગરની દિલશાદબેન જાહીદભાઇ શેખ, ઘટના સ્‍થળના સીસીટીવી ફૂટેજ તથા હત્‍યાનો ભોગ બનનારના ભાઇઓ, પુત્ર સહિતના સ્‍વજનો  જોઇ શકાય છે. છેલ્લી તસ્‍વીર સુભાષભાઇ દાંતીની છે. ઘાયલ દિલશાદબેનની ભોમેશ્વરમાં રહેતી ભાણેજ સાનીયાને તેના ફાયરમેન પતિ અરશીલ ખોખરે ઝઘડો કરી કાઢી મુકી હોઇ તે બાબતે વાતચીત કરવા દિલશાદબેન, તેના સાસુ કુલસુમબેન, પતિ સહિતના લોકો નીકળ્‍યા ત્‍યારે રેલનગર અન્‍ડર બ્રિજ પાસે આંતરી ભાણેજ જમાઇ અરશીલ, તેના ભાઇ અજીલ, પિતા આરીફ ખોખરે હુમલો કર્યો હતો. જેમાં વચ્‍ચે પડેલા નિર્દોષ સુભાષભાઇ ગઢવીનો જીવ ગયો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેરમાં જામનગર રોડ રેલનગર અન્‍ડર બ્રિજ નજીક રાત્રીના હત્‍યાની ઘટનામાં નિર્દોષ એવા રેલનગરમાં રહેતાં સેન્‍ટ્રલ જીએસટી વિભાગના એએસઆઇ ડ્રાઇવર સુભાષભાઇ દેવકરણભાઇ દાંતી (ગઢવી) (ઉ.વ.૫૫)ની ગોળી મારી હત્‍યા કરવામાં આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પોલીસે રાતો રાત ત્રણ આરોપી ભોમેશ્વરવાડીના ફાયરમેન અરશીલ, તેના ભાઇ સિંકદરાબાદથી રજા પર આવેલા અજીલ અને આ બંનેના પિતા સિક્‍યુરીટીમેન તરીકે નોકરી કરતાં આરીફ હુશેનભાઇ ખોખરને દબોચી લીધા છે. અરશીલ ખોખરની પત્‍નિ સાનીયા થોડા દિવસ પહેલા પોતાના મામા-મામી, માતા-પિતા સહિતની સાથે અજમેર શરીફ ગઇ હતી. આ બાબતે પતિ અરશીલે ઝઘડો કરી સાનીયાને કાઢી મુકતાં તે જંકશનની દરગાહે જતી રહી હતી. સમાધાનની વાત કરવા સાનીયાના મામા-મામી સહિતના નીકળ્‍યા ત્‍યારે રેલનગર અન્‍ડરબ્રીજ પાસે સાનીયાના પતિ, જેઠ, સસરાએ હુમલો કર્યો હતો. જેમાં સુભાષભાઇ ગઢવી વચ્‍ચે પડતાં આરીફભાઇ અને અજીલે ‘આ આપણા ઝઘડામાં વચ્‍ચે પડે છે, પુરો કરી નાંખ' તેમ કહેતાં અરશીલે પોતાના ભાઇ અજીલ પાસેથી બંદૂક લઇ ભડાકા કરી હત્‍યા કરી હતી.

આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે હત્‍યાનો ભોગ બનેલા કસ્‍ટમ એન્‍ડ સેન્‍ટ્રલ એક્‍સાઇઝમાં સિનિયર ડ્રાઇવર એએસઆઇ તરીકે નોકરી કરતાં અને રેલનગર શિવદ્રષ્‍ટી પાર્ક-૧, ચામુંડા કૃપા ખાતે રહેતાં સુભાષભાઇ દેવકરણભાઇ દાંતી (ગઢવી)ના પુત્ર આશિષ સુભાષભાઇ દાંતી (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી ભોમેશ્વર પાસે ભોમેશ્વરવાડીમાં રહેતાં અને હાલ સિકંદરાબાદથી રજા પર આવેલા આર્મીમેન અજીલ આરીફભાઇ ખોખર, તેના ભાઇ રાજકોટ ફાયરબ્રિગેડમાં ફાયરમેન તરીકે નોકરી કરતાં અરશીલ આરીફભાઇ ખોખર અને પિતા રૈયા ગામે એપાર્ટમેન્‍ટમાં સિકયુરીટીમેન તરીને નોકરી કરતાં આરીફ હુશેનભાઇ ખોખર વિરૂધ્‍ધ આઇપીસી આઇપીસી ૩૦૨, ૧૧૪, આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧-બી)એ તથા જીપીએક્‍ટ ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને પકડી લીધા છે.

આશિષે પોલીસને જણાવ્‍યું છે કે હું રેલનગરમાં માતા પ્રવિણાબેન અને પિતા સુભાષભાઇ સાથે રહુ છું અને મારવાડી કોલેજમાં બીસીએ ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરુ છું.  મારા પિતા સુભાષભાઇ દાંતી રેસકોર્ષ રીંગ રોડ આયકર ભવનની બાજુમાં સેન્‍ટ્રલ જીએસટી ભવનમાં એએસઆઇ તરીકે નોકરી કરતાં હતાં. મારા પિતાજીને ચાર ભાઇઓ અને છ બહેન છે. જેમાં મોટા ભાઇ રમેશભાઇ દાંતી એર ઇન્‍ડિયાના નિવૃત કર્મચારી છે.  તેનાથી નાના હરેશભાઇ રિક્ષાચાલક છે, તેનાથી નાના અજીતભાઇ ગોંડલ પોલીસમાં હતાં તેમનું ૨૦૦૧માં અવસાન થયું છે. સોૈથી નાના મારા પિતા સુભાષભાઇ દાંતી હતાં.

૧૮મીએ બુધવારે સાંજે સાડા આઠેક વાગ્‍યે હું અને મારા પિતાજી સુભાષભાઇ  મારા મોટા બાપુ રમેશભાઇ દાંતી, ફઇબાના દિકરા જીજ્ઞેશભાઇ એમ બધા ભક્‍તિનગર સર્કલ પાસે કનૈયા ટી સ્‍ટોલ ખાતે બેઠા હતાં. મોટાબાપુને વિદેશ જવાનું હોઇ તેના વિઝા બાબતે વાતચીત કરતાં હતાં. એ પછી રાતે નવેક વાગ્‍યે અમે જુદા પડયા હતાં. મારા પિતાજી તેનું બાઇક લઇને ઘરે જવા નીકળ્‍યા હતાં. હું તેમની પાછળ પાંચેક મિનીટ બાદ મારું બાઇક લઇને ઘર તરફ જવા રવાના થયો હતો.

એ દરમિયાન જામનગર રોડથી રેલનગર તરફ જતાં અન્‍ડરબ્રિજ પહેલા રોડ પર લોકો કોલોની સામે હું પહોંચતા ત્‍યાં માણસો ભેગા થયા હોઇ જોવા જતાં મારા પિતાજીનું બાઇક જોવા મળતાં હું ત્‍યાં ગયો હતો. ત્‍યાં એક બહેન લોહીલુહાણ પડયા હોઇ તેને મેં પુછતાં તેણીએ કહ્યું હતું કે મારું નામ દિલશાદબેન જાહીદભાઇ શેખ (ઉ.૩૦) છે અને હું રેલનગરમાં આસ્‍થા ચોક શ્રીજી એપાર્ટમેન્‍ટમાં રહુ છું. અમારે સગાઓ વચ્‍ચે ઝઘડો થયો છે. જેથી મેં તેને આ બાઇક જેનું છે એ મારા પિતાશ્રી છે એ ક્‍યાં છે? તેમ પુછતાં તેણીએ કહેલું કે તેમને બંદુકની ગોળી લાગી જતાં સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા છે. ગોળી કોણે મારી? તેમ પુછતાં તેણીએ કહેલું કે અમારા ભાણેજ જમાઇ અર્શીલ ખોખર, તેના ભાઇ આજીલ ખોખર અને બંનેના પિતા આરીફભાઇએ અમારી સાથે ઝઘડો કરી મારકુટ ચાલુ કરી હતી.

આ વખતે તમારા પિતાજી બાઇક પર નીકળતાં અને અમારી સાથે ઝઘડો કરી મારામારી કરી રહેલા અર્શીલ, અજીલ અને તેના પિતા આરીફભાઇને સમજાવતાં તેમાંથી અર્શીલભાઇ ભાઇ આર્મીમેન અજીલે આવી ફાયરીંગ કરતાં તમારા પિતાને ગોળી લાગી ગઇ છે અને મારા સાસુ બજરંગવાડીમાં રહેતાં કુલસુમબેન મહમદહુશેન શેખ (ઉ.૫૦)ને પણ ગોળીથી ઇજા થઇ છે. દિલશાદબેને વધુમાં કહ્યું હતું કે ભાણેજ જમાઇ અરશીલ, તેનો ભાઇ અજીલ અને તેના પિતા આરીફભાઇ મને મારકુટ કરતાં હોઇ તેમાં અજીલે ફાયરીંગ કરતાં નાસભાગ મચી ગઇ હતી. એ વખતે મેં પણ ભાગવાનો પ્રયાસ કરી બાઇક ચાલક એવા તમારા પિતા પાસે મદદ માંગતાં તેણે મને બાઇકમાં બેસાડી ભાગવાનો પ્રયાસ કરતાં અમારા સગા આરીફભાઇ, તેના પુત્રો અજીલ અને અરશીલે બાઇકચાલકને અટકાવી અમારા ઝઘડામાંથી ખસી જવા કહ્યું હતું. પરંતુ બાકઇ ચાલક ભાઇએ આમ છતાં મારી મદદ કરતાં આરીફ ખોખરે તથા અજીલે અમારા ભાણેજ અરશીલને કહેલું કે આ કેમ આપણા ઝઘડામાં વચ્‍ચે પડે છે, તેને પુરો કરી નાંખ...તેમ કહેતાં અરશીલે અજીલ પાસેથી બંદૂક લઇ બાઇકચાલક ભાઇને ગોળી મારી દીધી હતી. મને પણ બંદૂકના પાછળના ભાગથી માર માર્યો હતો. એ પછી તેઓ મારા ઘરના સભ્‍યોને મારવા રેલનગર તરફ ભાગી ગયા હતાં.

આશિષ દાંતીએ વધુમાં જણાવ્‍યું હતું કે દિલશાદબેને આ વાત મને કરતાં મારા પિતાને કઇ હોસ્‍પિટલે લઇ ગયા છે? તેમ તેણીને પુછતાં તેણે સિવિલ હોસ્‍પિટલનું કહેતાં હું મારા મોટા બાપુ રમેશભાઇ દાંતીને ફોન કરી હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. જ્‍યાં મારા પિતાજી સુભાષભાઇને તબિબે મૃત જાહેર કર્યા હતાં.

દિલશાદબેન શેખ અને તેના સગા સંબંધીઓ વચ્‍ચે ઝઘડો ચાલતો હોઇ તેમાં મારા પિતા સુભાષભાઇ દિલશાદબેનને બચાવવા તેમના બાઇક પર બેસાડીને નીકળવા જતાં અર્શીલ ખોખર, અજીલ ખોખર અને આરીફ ખોખરે આંતરી હુમલો કરી આરીફભાઇ અને અજીલના કહેવાથી અરશીલે ફાયરીંગ કરી મારા પિતાજીની હત્‍યા કરી હતી. તેમ વધુમાં આશિષ દાંતીએ કહેતાં ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી સહિતની ટીમે ગુનો નોંધ્‍યો હતો.

વધુ માહિતી મુજબ રેલનગર અન્‍ડર બ્રિજ પાસે ભડાકા કર્યા બાદ આરીફભાઇ અને તેના પુત્રો અરશીલ તથા આર્મીમેન અજીલ રેલનગરમાં અરશીલના સાસુ કુલસુમબેન મહમદહુશેન શેખના ઘરે પહોંચ્‍યા હતાં અને ત્‍યાં પણ ભડાકા કર્યા હતાં. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીઆઇ વાય. બી. જાડેજાની ટીમોના પીએસઆઇ કે. ડી. પટેલ, પ્ર.નગરના ધર્મરાજસિંહ ઝાલા, ગાંધીગ્રામના શબ્‍બીરભાઇ મેલક, ગોપાલભાઇ પાટીલ, પેરોલ ફરલો સ્‍કવોડના જયદિપસિંહ જાડેજા, સહિતનો સ્‍ટાફ રેલનગર પહોંચી ગયો હતો અને ત્‍યાંથી જ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતાં. જો આ ટૂકડીએ સમય સુચકતા વાપરી ન હોત તો તેમના પર પણ ગોળીબાર થયો હોત તેમ પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું.

આ સમગ્ર ઘટનામાં નિર્દોષ એવા સેન્‍ટ્રલ જીએસટી ભવનના એએસઆઇ સુભાષભાઇ દાંતીનો ભોગ લેવાઇ ગયો હતો. હોસ્‍પિટલના બિછાનેથી દિલશાદબેન શેખે જણાવ્‍યું હતું કે ગત ૧૨મીએ હું, મારા સાસુ કુલસુમબેન શેખ, મામા, મામી સહિતના અજમેર શરીફ ગયા હતાં. તે વખતે મારી ભાણેજ સાનીયા અરશીલ ખોખર (રહે. ભોમેશ્વરવાડી)ને પણ તેના પતિ અરશીલ શેખને પુછીને સાથે લઇ ગયા હતાં. અજમેરથી પરત આવી સાનીયાને તેના સાસરે મુકી આવ્‍યા હતાં. ત્‍યારે કોઇ માથાકુટ નહોતી. એ પછી ગઇકાલે ભાણેજ જમાઇ અરશીલ શેખે અમારી ભાણેજ એટલે કે તેની પત્‍નિ સાનીયા સાથે ઝઘડો કરી મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકતાં સાનીયા જંકશન ગેબનશાહ પીરની દરગાહે જતી રહી હતી અને અમને જાણ થતાં અમે તેને બજરંગવાડીમાં મારા સાસુ કુલસુમબેનના ઘરે લઇ ગયા હતાં. અહિ ભાણેજ જમાઇ અરશીલ, તેના ભાઇ અજીલ, પિતા આરીફભાઇ ઝઘડો કરવા આવતાં હોવાની જાણ થતાં મારા પતિ જાહીદ મહમદહુશેન શેખ, હું તથા બીજા લોકો રેલનગર અન્‍ડર બ્રીજ પાસે પહોંચતા અરશીલ, અજીલ, આરીફભાઇ ત્‍યાં જ મળી ગયા હતાં અને અમારા પર હુમલો કરી મારામારી ચાલુ કરી હતી. જેમાં બાઇકચાલક મને મદદ કરવા આવતાં ભાણેજ જભાઇ અરશીલે તેના આર્મીમેન ભાઇની બંદૂકથી ગોળીબાર કરી બાઇક ચાલકને મારી નાંખ્‍યા હતાં અને મને પણ પછાડી મારકુટ કરી હતી.

 આ બઘડાટીમાં દિલશાદ જાહીદ શેખ (ઉ.૩૦-રહે. રેલનગર, આસ્‍થા ચોક શ્રીજી એપાર્ટમેન્‍ટ) અને તેના સાસુ કુલસુમબેન મહમદહુશેન શેખ (ઉ.૫૦-રહે. બજરંગવાડી)ને પણ ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, ડીસીબી પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ હીરાભાઇ રબારી, ભુમિકાબેન, ખોડુભા, ગોપાલભાઇ, શક્‍તિસિંહ, સલિમભાઇ, અર્જુનભાઇ સહિતે ગુનો નોંધી આરોપીઓને દબોચી લીધા હતાં. ત્રણેયની વિશેષ પુછતાછ થઇ રહી છે. (૧૪.૮)

 

૩ ફૂટેલા કાર્ટીસ કબ્‍જેઃ આર્મીમેન અજીલ ઇદની રજામાં આવ્‍યો હતો

હત્‍યાની ઘટનામાં પોલીસે ત્રણ ફૂટેલા કાર્ટીસ કબ્‍જે કર્યા છે. જેમાંથી ફાયરીંગ થયા એ રાઇફલ આર્મીમેન અજીલ ખોખરની છે. તે સિકંદરાબાદ બોર્ડર ઉપર ફરજ બજાવે છે. ઇદની રજામાં તે રાજકોટ વતનમાં આવ્‍યો હતો. 

 

સાંજે સાડા આઠે સુભાષભાઇ ભક્‍તિનગર સર્કલેથી મોટાભાઇ, ભાણેજ અને પુત્ર સાથે વાતચીત કરીને જુદા પડયા ને થોડી જ મિનીટો બાદ હત્‍યા : પુત્ર આશિષ ટોળુ જાઇ શું થયું ઍ જાવા ગયો ને પિતા પર ગોળીબાર થયાની ખબર પડી

હત્‍યાની ઘટનામાં જાણવા મળેલી વિગતો મુજબ સુભાષભાઇ દાંતી સાંજે સાડા આઠેક વાગ્‍યે પોતાના મોટા ભાઇ અટીકા પાસે રાધાકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં રમેશભાઇ દાંતીને મળવા માટે ભક્‍તિનગર સર્કલ પાસે કનૈયા હોટલે ગયા હતાં. આ સ્‍થળે તેમનો ભાણેજ જીજ્ઞેશ નારણભાઇ જોગડા અને પુત્ર આશિષ દાંતી પણ હતાં. રમેશભાઇને વિદેશ જવા વિઝા મેળવવાના હોઇ તેની વાતચીત કર્યા બાદ સુભાષભાઇ પોતાના બાઇક પર બેસી ઘર તરફ જવા રવાના થયા હતાં. તેઓ નીકળ્‍યા તેની પાંચ મિનીટ બાદ તેમનો પુત્ર આશિષ પણ પોતાના બાઇક પર ઘરે જવા નીકળ્‍યો હતો. નવેક વાગ્‍યે આશિષ રેલનગર અન્‍ડર બ્રિજ જવાના રસ્‍તે પહોંચ્‍યો ત્‍યારે ટોળુ હોઇ શું થયું છે? એ જોવા માટે ઉભો રહેતાં ત્‍યાં પોતાના પિતા સુભાષભાઇનું બાઇક પડેલુ દેખાયું હતું. ત્‍યાં ઘાયલે પડેલા મહિલા દિલશાદબેનને આ બાઇકવાળા ભાઇ ક્‍યાં ગયા? શું થયું? તેમ પુછતાં આશિષને ખબર પડી હતી કે પોતાના પિતાને ગોળી મારી દેવામાં આવી છે. એ પછી તે હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. પણ ત્‍યાં પિતાજીનો મૃતદેહ જ જોવા મળતાં શોકમાં ગરક થઇ ગયો હતો. ત્‍યારબાદ તેણે મોટાબાપુ સહિતને ફોન કરી હોસ્‍પિટલે બોલાવ્‍યા હતાં. 

 

સુભાષભાઇ ચાર ભાઇ અને છ બહેનમાં નાના હતાં: મોટા ભાઇ રમેશભાઇ દાંતી એર ઇન્‍ડિયાના નિવૃત કર્મચારી

હત્‍યાનો ભોગ બનેલા સુભાષભાઇ દાંતી ચાર ભાઇઓ અને છ બહેનમાં નાના હતાં અને સેન્‍ટ્રલ જીએસટીમાં ફરજ બજાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર આશિષ છે જે અભ્‍યાસ કરે છે. તેઓ પોતાની પાછળ પુત્ર, પત્‍નિ પ્રવિણાબેન, ભાઇઓ, બહેનો સહિતના સ્‍વજનનોને વિલાપ કરતાં છોડી ગયા છે. સુભાષભાઇના મોટા ભાઇ રમેશભાઇ દાંતી એર ઇન્‍ડિયાના નિવૃત કર્મચારી છે. 

 

...તો પોલીસ પર પણ ગોળીબાર થયો હોત

પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમે રેલનગરમાં પહોંચી તુરત જ રાઇફલ સાથે આરોપીને પકડી લીધો

જાણવા મળ્‍યા મુજબ રેલનગર અન્‍ડરબ્રિજ પાસે માથાકુટ થઇ ત્‍યારે અહિ અરશીલે પોતાના આર્મીમેન ભાઇ અજીલની આઠ એમ.એમ.ની રાઇફલથી ભડાકો કર્યો હતો. અહિ દિલશાદબેનને રાઇફલનો કુંદો મારી પછાડી દીધા હતાં. તેની સાથેના સ્‍વજનો રેલનગર તરફ ભાગી ગયા હતાં. આથી આરોપીઓ અજીલ, અરશીલ, તેના પિતા આરીફભાઇ રેલનગરમાં પણ પહોંચ્‍યા હતાં અને ત્‍યાં પણ ભડાકા કર્યા હતાં. એ દરમિયાન ડીસીબી પીએસઆઇ કે.ડી. પટેલ સહિતના ત્‍યાં પહોંચ્‍યા હતાં અને આરોપીઓને દબોચી લીધા હતાં. જો સમય સુચકતા ન રખાઇ હોત તો કદાચ પોલીસ ઉપર પણ ભડાકા થયા હોત. તેમ જાણવા મળ્‍યું છે.

 

હત્‍યાના આરોપીઓમાં એક ફાયરમેન, એક આર્મીમેન અને એક સિક્‍યુરીટીમેનઃ ત્રણેય પિતા-પુત્રોની અટકાયત

નિર્દોષ સુભાષભાઇ દાંતીની હત્‍યાના આરોપસર ગાંધીગ્રામ પોલીસે ભોમેશ્વરવાડીના અરશીલ ખોખર, તેના ભાઇ અજીલ ખોખર અને પિતા આરીફ હુશેનભાઇ ખોખરને રાતોરાત અટકાયતમાં લઇ લીધા છે. જેમાં અરશીલ ખોખર ફાયરમેન તરીકે ફરજ બજાવે છે. તેનો મોટો ભાઇ અજીલ ખોખર સિકંદરાબાદ આર્મીમાં છે અને થોડા દિવસ પહેલા જ રજા પર આવ્‍યો છે. આ બંનેના પિતા રેયા ગામે એપાર્ટમેન્‍ટમાં સિક્‍યુરીટીમેન તરીકે નોકરી કરે છે. અરશીલે પોતાના આર્મીમેન ભાઇ અજીલની રાઇફલથી ભડાકા કરી હત્‍યા કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું.

 

દિલશાદબેને કહ્યું-એ ભાઇ મને બાઇક પર બેસાડી બચાવવા માટે ભાગ્‍યા, પણ ભાણેજ જમાઇ અરશીલે એમનો જીવ લઇ લીધો

હોસ્‍પિટલના બિછાનેથી દિલશાદબેન  જાહીદભાઇ શેખ (રહે. રેલનગર)એ જણાવ્‍યું હતું કે મારી ભાણેજ જમાઇ સાનીયાને તેના પતિ અરશીલે મારકુટ કરતાં તેણી જંકશની દરગાહે જતી રહી હતી. આ કારણે થયેલા ઝઘડામાં રેલનગર બ્રિજ પાસે અમારા પર ભાણેજ જમાઇ અરશીલ, તેના ભાઇ અજીલ અને આ બંનેના પિતા આરીફભાઇએ હુમલો કર્યો હતો. હવામાં રાઇફલથી ભડાકા થતાં મારી સાથેના સગા ભાગ્‍યા હતાં. આ વખતે મને બચાવવા બાઇક ચાલક આવ્‍યા હતાં અને તેણે મને બાઇકમાં બેસાડી બાઇક ભગાવતાં આરીફભાઇ અને અજીલે આ આપણા ઝઘડામાં વચ્‍ચે પડે છે, તેને પુરો કરી નાંખ...તેમ કહેતાં ભાણેજ જમાઇ અરશીલે તેના ભાઇ અજીલ પાસેથી બંદૂક લઇ ભડાકો કરતાં બાઇકચાલકને ગોળી લાગી ગઇ હતી. મને પણ બંદૂકના કૂ઼દાથી માર મારતાં હું પડી ગઇ હતી.

(3:40 pm IST)