Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાના ચેરમેન સંજીવકુમાર એકાએક હિરાસર પહોંચ્‍યાઃ કેન્‍ડલ લાઇટ નાંખવાનું શરૂ

કલેકટર દોડી ગયાઃ રવ-વેનું કામ પૂર્ણઃ હિરાસરના ૨૫ પરીવારોને ખસેડવા જાહેરનામું બહાર પડયું.. : ઓગષ્‍ટ-સપ્‍ટેમ્‍બરમાં કામ પૂર્ણ કરવાનો સંકેતઃ બ્રીજ-રસ્‍તાનું કામ ગતિમાં: હાલ ગ્રાસ પ્‍લાન્‍ટ કામ શરૂ...

રાજકોટ, તા.૧૯: શહેરથી રાજકોટ દ્વારા હિરાસર પાસે આકાર પામી રહેલ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટના કાર્યની પ્રગતિ જાણવા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાના ચેરમેન સંજીવકુમાર એકાએક રાજકોટ આવ્‍યા હતા અને તેમણે હીરાસર ગ્રીન ફિલ્‍ડ એરપોર્ટની સાઇટ વિઝીટ પણ કરી હતી. તેમની મુલાકાતના પગલે કલેકટર અરૂણ મહેશ બાબુ તથા સંબંધિત એજન્‍સીઓ અને સ્‍ટાફ પણ હીરાસર પહોંચ્‍યા હતા.

કલેકટર અરૂણ મહેશ બાબુએ ‘અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં એરપોર્ટના કામ અંગે માહિતી આપતા જણાવેલ કે, ૨૭૦૦ મીટરના રન-વેનું કામ સંપૂર્ણ રીતે પુરૂ થઇ ગયું છે. હાલ રન-વેની બંને તરફ કેન્‍ડલ લાઇટ નાખવાનું કાર્ય શરૂ કરાયું છે. આ ઉપરાંત રસ્‍તા અને બ્રીજના કામ પણ ગતિમાં ચાલી રહ્યા છે. હિરાસર ખાતેની ૪-૫ પવનચક્કીઓ પણ - ૨ મહિનામાં હટાવી લેવાનું કલેકટરે ઉમેર્યુ હતું.

તેમણે વધુમાં જણાવેલ કે, હિરાસર ગામના જે ૨૫ પરિવારોની સ્‍થળાંતર દરખાસ્‍ત મૂકવામાં આવી હતી તેને રાજય સરકારની મંજુરી મળી ગઇ છે અને એક મહીનામાં આ પરીવારોને વળતર આપી દેવામાં આવશે. ઉપરાંત રાજય સરકાર દ્વારા એવોર્ડ પણ આપવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્‍યુ હતુ, આ ૨૫ પરીવારો માટે રાજય સરકારે જાહેરનામું બહાર પાડવાનું કલેકટરે ઉમેર્યુ હતું.

ઓગષ્‍ટ - સપ્‍ટેમ્‍બર સુધીમાં હિરાસર એરપોર્ટનું તમામ કામ પૂર્ણ થઇ જવાનો કલેકટરે આશાવાદ દર્શાવ્‍યો હતો. આજની સંજીવકુમારની અચાનક મુલાકાતથી એરપોર્ટના લોકાર્પણનો તખ્‍તો ગોઠવાતો હોવાની પણ શકયતા છે. બપોરે આ લખાય છે ત્‍યારે ચેરમેન સંજીવકુમાર સાથે કલેકટર સહિતના અધિકારીઓની ૧.૩૦ કે ૨ વાગ્‍યાથી મીટીંગ પણ યોજાઇ હતી. જેમાં સંજીવકુમારે એરપોર્ટની કામગીરી અંગે રિવ્‍યુ લીધા હતા.

આજે એરપોર્ટ ઓથોરીટીના ચેરમેન સંજીવકુમારે હિરાસર ગ્રીન ફિલ્‍ડ એરપોર્ટની મુલાકાત દરમ્‍યાન સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્‍ડીંગ, એ.ટી.સી.ટાવર, ફાયર સ્‍ટેશન રન વે સહિત વિવિધ સ્‍થળની સાઇટ વિઝીટ લઇને પ્રગતિ હેઠળની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. ચેરમેનશ્રી સમક્ષ એરપોર્ટની કામગીરીને પ્રોગેસ રિપોર્ટ પ્રેઝન્‍ટેશન દ્વારા રજૂ કરાયો હતો.

સંજીવકુમાર તેમજ દિલ્‍હીથી આવેલ પ્‍લાનિંગ મેનેજર અનિલકુમાર પાઠકે તમામ એજન્‍સીઓ સાથે વાર્તાલાપ કરીને તેમને પડતી મુશ્‍કેલીઓ જાણી તમામ બાબતોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી વહીવટી તંત્રના સંકલનમાં રહીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેકટ મેનેજર લોકનાથના જણાવ્‍યા મુજબ હાલ રનવેની ૨૭૦૦ મીટરની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, બાઉન્‍ડ્રી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોકસ કલર્વટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. કલેકટર અરૂણ મહેશ બાબુએ વહીવટીતંત્ર દ્વારા સ્‍થળાંતર સંબંધી તમામ કામગીરીનું નિરાકરણ આવી ગયાનું ચેરમેનને જણાવ્‍યુ હતું.

આ મુલાકાત દરમિયાન જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ જમીન સંપાદનની માહિતી પૂરી પાડી હતી. આ તકે નાયબ કલેકટર દેસાઇ, એરપોર્ટ ઓથોરીટી અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(

(2:50 pm IST)