Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વાર્ષિક હયાતીની ખરાઇ માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાઓ કેવા પ્રકારની છે ? પેન્‍શનરોએ જાણવા જેવું

 

રાજકોટ : છેલ્લે આપણે વાર્ષિક હયાતી ખરાઈ માટે બેંકમાં રૂબરૂ જઇને કરાવવા અંગેની વ્‍યવસ્‍થા બાબતે તથા આ સંદર્ભે પેન્‍શનરોએ ધ્‍યાનમાં રાખવાની બાબતો અંગે વિશદ્‌ ચર્ચા કરી હતી.પરંતુ ઘણા પેન્‍શનરો દ્વારા એ બાબતે વારંવાર પૃચ્‍છા કરવામાં આવતી હોય છે કે જે પેન્‍શનરો પોતાની શારીરિક અસ્‍વસ્‍થતાને કારણે અથવા તેઓ હાલમાં જે બેંક મારફત પેન્‍શન મેળવતા હોય તે બેંક નાં સ્‍થળે પોતાની જે તે મુખ્‍ય મથક ખાતેની ગેરહાજરીના કારણે તે બેંક ખાતે રૂબરૂ જઈ શકે તેમ ન હોય તેવા પેન્‍શનરોએ હયાતી ખરાઈ કરાવવા અંગે શું કરવું પડે?તો આ બાબતે પેન્‍શનર મિત્રો, યાદ રાખે કે હવે આવા પેન્‍શનરોએ

પોતાની હયાતી ખરાઈ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકારશ્રી દ્વારા ગત વર્ષ થી જ એવા પેન્‍શનરો કે જે સંબંધિત બેંક ખાતે રૂબરૂ પહોંચી શકે તેમ ન હોય તેવા પેન્‍શનરો માટે ગુજરાત સરકારશ્રીનાં નાણાં વિભાગ દ્વારા તેમના તા.૧૨/૦૪/૨૨ નાં ઠરાવથી સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હયાતી ખરાઈ માટેની વિવિધ  વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાઓ અંગે સ્‍પષ્ટતા ઓ કરવામાં આવેલ છે.જે ટુંકમાં નીચે મુજબ છે.

(૧) પેન્‍શનરે નિયત નમૂનાનું હયાતી ખરાઈનું  ફોર્મ ભરી પોતાની સહી કરી આ માટેના સક્ષમ સત્તાધિકારી કે જેના સહિના નમૂના જે તે તિજોરી કચેરી ખાતે અધિકારી પાસે પ્રમાણિત કરાવીને આવું ફોર્મ તિજોરી કચેરી ખાતે મોકલી શકે છે.

(૨) ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના ટપાલી/ગ્રામીણ ડાક સેવક મારફત ‘જીવન પ્રમાણ' પોર્ટલ ઉપર પેન્‍શનર નાં ઘર આંગણે હયાતી ખરાઈ માટેની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.આ માટે પેન્‍શનરે પોતાની નજીકની પોસ્‍ટ ઓફીસ/ઇન્‍ડિયન પોસ્‍ટ પેમેન્‍ટ બેંકનો સંપર્ક રૂબરૂમાં કરવો અથવા “post info app”મારફતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહે છે.આ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ રકમ પેન્‍શનરે ભોગવવાની રહે છે.

(૩) (અ)પેન્‍શનરો પોતે પણ ઘેર બેઠા સ્‍માર્ટ ફોનનો ઉપયોગ કરીને ‘જીવન પ્રમાણ'ની સાઇટ મારફત ‘face authentification technique' દ્વારા પોતે જાતે પણ હયાતી ખરાઈ  કરાવી શકે છે.પરંતુ આ માટે સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબનાં ફિચર્સ સાથેનો મોબાઈલ આ પદ્ધતિ માટે જરૂરી છે.તેથી મોટા ભાગનાં પેન્‍શનરો માટે હાલ તો આ પદ્ધતિ થોડી જટિલ બની રહે તેવું અનુભવે જણાયુ છે.

(૩)(બ) આ ઉપરાંત સરકારશ્રીની ‘જીવન પ્રમાણ'ની વેબ.સાઈટ ઉપરથી બાયોમેટ્રિક પદ્ધતિથી પણ પેન્‍શનર પાસે જો બાયોમેટ્રિક ડીવાઇસ હોય તો તેની મદદથી પોતાને ઘેર બેઠા અથવા નજીકના કોઈ સાયબર કાફેમાં જઈને ઓનલાઇન હયાતી ખરાઈ પણ કરાવી શકાય છે.

(૪) ‘Ease Of Banking Reforms'નાં કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા દેશના ૧૦૦ મોટા શહેરોમાં ‘ડોર સ્‍ટેપ બેંકિંગ' સુવિધા શરૂ કરવામાં આવી છે.જેમાં પેન્‍શનરો પોતાના મોબાઈલમાં ‘ડોર સ્‍ટેપ બેંકિંગ' એપ્‍લિકેશન ડાઉનલોડ કરીને આ સેવાનો લાભ લઈ શકે છે.(જો તેઓ આ નક્કી કરેલા શહેરો માં વસવાટ કરતા હોય તો) આ સેવાનો લાભ મેળવવા માટે પેન્‍શનરોએ https://doorstepbanks.com અથવા https://dsb.imfast.co.in/doorstep/login વેબસાઇટનો ઉપયોગ કરીને આ સેવાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી શકાય છે.તો વળી,પેન્‍શનર દ્વારા આ સેવા માટેના ટોલફ્રી નંબર ૧૮૦૦૧૨૧૩૭૨૧  અથવા ૧૮૦૦૧૦૩૭૧૮ ઉપર ફોન કરીને પણ આ સેવાનો લાભ લેવા માટે નોંધણી કરી શકાશે.

આ બધી સુવિધા પેન્‍શનરો ઘર આંગણે હયાતીની ખરાઈ કરાવી શકે તે માટેની છે.તેથી પોસ્‍ટ ખાતા/બેંક દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવતી આવી સેવા માટે જો કોઈ દર/ફી નિયત કરવામાં આવેલ હોય તો તેપેન્‍શનરોએ પોતે ભોગવવાનો રહેશે.અલબત્ત,આ રકમ બહુ મોટી નથી હોતી.

(૫) ઉપર દર્શાવેલ પદ્ધતિઓ સિવાય પેન્‍શનર જે તિજોરી કચેરી ખાતેથી પોતાનું પેન્‍શન મેળવતા હોય તે તિજોરી કચેરીને પણ, પોતે બેંક/તિજોરી કચેરી ખાતે રૂબરૂ જઈ શકવા માટે સક્ષમ ન હોવાં અંગેના તબીબી પ્રમાણપત્ર સાથે અરજી કરવાથી તિજોરી અધિકારી દ્વારા પણ તેમના રહેઠાણ ઉપર રૂબરૂ જઈને હયાતી ખરાઈ કરવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. હવે, ફરી વિદેશમાં વસતા ગુજરાત સરકારના પેન્‍શનરોએ પોતાની હયાતી ખરાઈ કરાવવા માટે શું કાર્યવાહી કરવાની થાય તે અંગે ચર્ચા કરીશું.(૨૨.૬)

નરેન્‍દ્ર વી.વિઠલાણી

(નિવૃત્ત અધિક તિજોરીઅધિકારી) 

પેન્‍શન ચુકવણા કચેરી રાજકોટ

મો.૯૮૨૪૪૮૮૬૬૭

 

 

(5:25 pm IST)