Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પરમહંસ યોગાનંદજી : યોગ વિજ્ઞાનને પ્રસરાવનાર મહાન યોગ ગુરૃ

સોમવારે તા. ૨૧ ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે યોગ વિજ્ઞાનની શરૃઆત કરાવનાર પશ્ચિમના યોગ ગુરૃ પરમહંસ યોગાનંદજીને યાદ કરવા ઉચિત ગણાશે. પરમહંસ યોગાનંદજીનું બાળપણનું નામ મુકુંદલાલ ઘોષ હતુ. તેમનો જન્મ પ જાન્યુઆરી ૧૮૯૩ ના ભારતના ગોરખપુરમાં એક ધનાઢય અને ધર્મપરાયણ બંગાળી પરિવારમાં થયો હતો. યુવાવસ્થામાં જ તેઓ ભારતના એવા મહાન સંતો અને તત્વજ્ઞાનિઓના સંપર્કમાં આવ્યા હતા કે જેઓ તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષી શકતા. ૧૯૧૦ ના વર્ષમાં માત્ર ૧૭ વર્ષની વયે તેમની મુલાકાત ઇશ્વર તુલ્ય સંત શ્રી યુકતેશ્વરગીરી સાથે થઇ હતી. તેઓના આશ્રમમાં યોગાનંદજીએ યોગસાધનામાં પોતાના જીવનના અમૂલ્ય ૧૦ વર્ષ વિતાવ્યા હતા. વર્ષ ૧૯૧૫ માં કલકતા વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ સ્વામી પદ પ્રાપ્ત કરી વિધિવત સન્યાસી બન્યા અને યોગાનંદ (યોગ દ્વારા આનંદ) નામ ધારણ કર્યુ.

વૈશ્વિક લક્ષ્ય :

યોગાનંદજીએ પોતાના જીવન કાર્યની શરૃઆત ૧૯૧૭ માં એક શાળાની સ્થાપના દ્વારા કરી જે શાળા 'જીવન કેવી રીતે જીવવું જોઇએ' ના સિધ્ધાંત આધારિત છે. આ શાળામાં આધુનિક શિક્ષણ પધ્ધતિ, યોગની તાલીમ અને આધ્યાત્મિક આદર્શનો સંગમ હતો. આ શાળા પાછળથી 'યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા' બની. આ સંસ્થા યોગાનંદજી દ્વારા ૧૯૨૦ માં સ્થપાયેલ સંસ્થા સેલ્ફ રીએલાઇઝેશન ફેલોશીપના આંતરરાષ્ટ્રીય મુખ્યમથક લોસ એન્જેલસ અમેરીકાની ભારતીય શાખા છે.

અમેરીકામાં તેઓએ પોતાના યોગજ્ઞાને અપૂર્વ જુસ્સા અને સચોટતા પૂર્વક રજુ કર્યુ કે જેથી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પશ્ચિમના લોકોની સ્વીકૃતિ પામે. આ દિવ્ય જ્ઞાન વડે ઘણા લોકો ઇશ્વરના સાનિધ્યમાં લાવ્યા. યોગાનંદે પૂર્વના યોગ વિજ્ઞાને પશ્ચિમ જગતમાં એવી રીતે ફેલાવ્યુ કે જેથી તેઓને ખરા અર્થમાં પશ્ચિમમાં યોગ વિજ્ઞાની શરૃઆત કરાવનાર એવા પશ્ચિમના યોગ ગુરૃ કહેવામાં આવે છે. પરમહંસ યોગાનંદજી દ્વારા યોગ વર્ગોમાં તેમના શિષ્યોને આપવામાં આવેલાં વ્યકિતગત માર્ગદર્શન અને ધ્યાનની પધ્ધતિઓને જિજ્ઞાસુઓના ગૃહ અભ્યાસ માટે શ્રેણીબધ્ધ પાઠમાળાના પાઠો ઉપલબ્ધ કરાવ્યા છે. આ પાઠોમાં શ્રી યોગાનંદજીએ શીખવેલાં આધ્યામિત્ક જીવન જીવવાની કળા અને ક્રિયા યોગ પરની ધ્યાનની પધ્ધતિઓ બતાવવામાં આવેલી છે. આજે પરમહંસ યોગાનંદજીની સંસ્થા વાય.એસ.એસ. એક વટવૃક્ષ બની છે. સમગ્ર વિશ્વમાં ૫૦૦ થી વધુ મંદિરો, ધ્યાન કેન્દ્રો, આશ્રમો અને ધ્યાન મંડળીઓ ધરાવે છે. પરમહંસ યોગાનંદજીનું વિશ્વમાં સૌથી વધુ વેચાતું આધ્યાત્મિક પુસ્તક 'યોગી કથામૃત' એક યોગીની આત્મકથ, વિશ્વની ૫૦ થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ બન્યુ છે. ૭૫ વર્ષથી વિશ્વને સતત આધ્યાત્મિક યોગનો પરિચય કરાવી રહ્યુ છે. માનવ સેવાના આદર્શોને અગ્રીમતા આપી વાયએસએસ દ્વારા અત્યારે સમાજના ઉત્કર્ષ માટે અસંખ્ય શૈક્ષણિક અને દાન આધારિત સંસ્થાઓ કાર્યરત છે.

દિવ્ય વારસો :

૭ માર્ચ ૧૯૫૨ ના રોજ લોસ એન્જેલસ કેલિફોર્નિયામાં ભારતીય રાજદુત શ્રી વિનય રંજન સેનના સન્માનમાં આયોજીત પ્રીતિ ભોજ પ્રસંગે યોગાનંદજીએ એક યાદગાર અને ઇશ્વરાભિમુખ પ્રવચન આપ્યું. ત્યાર બાદ મહાસમાધિમાં પ્રવેશી ઇશ્વર સાથે એકાકાર થઇ ગયા. તેઓની મહાસમાધિના સમાચારને પ્રખ્યાત અખબારો જેવા કે ધ ન્યુયોર્ક ટાઇમ્સ, ધ લોસ એંજલીસ ટાઇમ્સ અને ટાઇમ મેગેઝીન એ વિશેષ સ્થાન આપી પ્રસિધ્ધ કર્યા હતા. શ્રી હેરી ટી રોવ જેઓ લોસ એન્જેલસના ફોરેસ્ટ લોન મેમોરિયલ પાર્કના શબગૃહના ડિરેકટર હતા. અહીં યોગાનંદજીનું પાર્થિવ શરીર અંતિમક્રિયા પૂર્વે થોડા દિવસો રાખવામાં આવ્યુ હતુ. તેમણે નોટરી દ્વાર પ્રમાણિત કરેલ એક પત્ર મોકલ્યો હતો તેનો સાર આ મુજબ છે : 'પરમહંસ યોગાનંદજીના મૃત શરીરમાં વિકારના કોઇપણ દેખીતા લક્ષણો જણાયા નથી. એ અમારા અનુભવનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ તેમના શરીરમાં કોઇ વિક્રિયતા જણાઇ નથી'.

સ્મતિરૃપે ટપાલ ટીકીટ :

વર્ષ ૧૯૭૭ માં શ્રી પરમહંસ યોગાનંદજીની મહાસમાધિની ૨૫ મી વર્ષગાંઠ નિમિતે ભારત સરકારે તેઓના સન્માનાર્થે અને તેઓએ માનવતાના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કરેલા અપૂર્વ યોગદાન બદલ ટપાલ ટીકીટ પણ પ્રસિધ્ધ કરી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા. ૭ માર્ચ ૨૦૧૭ ના રોજ 'વિજ્ઞાન ભવન' નવી દિલ્હી ખાતે આ ટપાલ ટીકીટનું લોકાર્પણ કરતા જણાવ્યુ કે પરમહંસ યોગાનંદજીના જીવન પર દ્રષ્ટિ કરતા જણાય છે કે તેઓએ બાહ્ય સ્વતંત્રતા તરફ ભાર ન આપતા આંતરિક યાત્રા તરફ ધ્યાન કેન્દ્રીત કરેલ હતુ. જડ માન્યતાઓને દુર કરી તેઓએ આધ્યાત્મિકતાને સહજ ઉપલબ્ધ અને જીવન પરિવર્તનશીલ બનાવી. જે સો વર્ષમાં તેમણે શરૃ કરેલ કાર્ય વૈશ્વિક ચળવળ અને નિરંતર આધ્યાત્મિક સમજનો સ્ત્રોત બની ગયુ છે. તેઓની ૧૨૫ મી વર્ષગાંઠ પ્રસંગે ભારત સરકારે શ્રી પરમહંસ યોગાનંદજીને શ્રધ્ધાંજલી પાઠવતા રૃપિયા ૧૨૫ નો સિકકો લોકાર્પિત કર્યો હતો. આ સમારોહ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના પ્રમુખપદે નવી દિલ્હીના કેન્દ્રીય સચિવાલય ખાતે ૨૯ મી ઓકટોબર ૨૦૧૯ ના રોજ યોજાયેલો હતો. તેઓએ પોતાના સમગ્ર જીવનને પૂર્વ પશ્ચિમની એકતા માટે, તેમજ વ્યકિતનું ઇશ્વર સાથે ઐકય સાધી શાંતિનું સામ્રાજય સ્થાપવા માટે સમર્પિત કરેલ હતુ.

યોગાનંદજીએ પોતાની આત્મકથા 'યોગી કથામૃત' એક યોગીની આત્મકથામાં કહ્યુ છે કે વિશ્વ બંધુત્વ એક મહાન વિચાર છે. પરંતુ માણસે પોતાની સહાનુભુતિને વિસ્તારીને પોતાની જાતને વિશ્વ માનવ સ્વરૃપે વિકસાવવાની છે. તેઓ કે જે સાચી રીતે જાણે છે કે 'આ મારૃ અમેરિકા, મારૃ ભારત, મારૃ ફિલિપાઇન્સ, મારૃ યુરોપ, મારૃ આફ્રિકા વગેરે માટે સુખી અને ઉન્નત જીવનની તક કયારેય ઓછી નહીં હોય.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વાય એસ એસ દ્વારા ત્રિ- દિવસીય ઓનલાઇન કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં યોગ આધ્યાત્મના પરિચય સાથે એક યોગીની આત્મકથા પુસ્તક ફ્રી આપવામાં આવશે.

- ડો. પ્રદીપ મનોહર કરકરે મો.૯૨૨૭૬ ૦૧૯૪૭

નિવૃત્ત આરોગ્ય અધિકારી, રાજકોટ

યોગદા સત્સંગ સોસાયટી દ્વારા આજથી ત્રણ દિવસીય ઓનલાઇન ધ્યાન સત્રનો પ્રારંભ

રાજકોટ : યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ગુરૃદેવ શ્રી શ્રી પરમહંસ યોગાનંદજી જેઓ વિશ્વ પ્રસિધ્ધ 'યોગી કથામૃત' ના લેખક છે અને યોગના ભીષ્મ પિતામહ ગણાય છે તેમની સ્મૃતિમાં વિશ્વ યોગ દિવસ નિમિતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સંતો દ્વારા સંચાલિત ઓનલાઇન ધ્યાન સત્રનું તા. ૧૯, ૨૦, ૨૧ એમ ત્રણ દિવસ માટે આયોજન કરાયુ છે. યોગદા સત્સંગ, ધ્યાન કેન્દ્ર રાજકોટ તરફથી યોગ ધ્યાનના જીજ્ઞાસુ ભાઇ બહેનો માટે ખાસ 'ગાઇડેડ મેડીટેશન' (ક્રિયા યોગ ધ્યાનનો પ્રથમ પરિચય) ના સત્ર માટે આમંત્રિત કરવામાં આવે છે.  આ ઓનલાઇન સત્સંગમાં જોડાવા માટે yssi.org/Yoga-Eng વેબસાઇટની મુલાકાત લેવા અથવા મો.૮૭૮૦૩ ૪૯૭૧૮, મો.૯૨૨૭૬ ૦૧૯૪૭ ઉપર સંપર્ક કરી શકાશે.

(1:22 pm IST)