Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજકોટના નવા મ્યુ. કમિશનર અમિત અરોરા ટેકનીકલ ક્ષેત્રે માસ્ટરઃ IIT માં M.Tec સુધીનો અભ્યાસ

મુળ વતન યુ.પી.નું બરેલીઃ હાલ પંચમહાલ જીલ્લા કલેકટર છેઃ રાજકોટમાં વેકસીનેશન અને મોટા પ્રોજેકટોને પ્રાયોરીટી આપવા કટીબધ્ધતા વ્યકત કરી

રાજકોટ તા. ૧૯ :.. રાજય સરકારે આજે એકી સાથે ૭૭ આઇએએસ અધિકારીઓની એક ઝાટકે બદલી કરી છે. જેમાં રાજકોટનાં વર્તમાન મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનાં સ્થાને હાલ પંચમહાલ કલેકટરની જવાબદારી સંભાળતાં અમિત અરોરાને જવાબદારી સુપ્રત કરી છે.

નોંધ છે કે રાજકોટનાં નવા મ્યુ. કમિશનર ર૦૧ર ની બેચનાં આઇએએસ ઓફીસર છે. અને ર૦૧૯ થી તેઓ પંચમહાલ કલેકટરની જવાબદારી સંભાળી રહ્યા છે.

શ્રી અરોરાનું મુળ વતન યુ.પી.નું બરેલી છે. તેઓએ મુંબઇ આઇ. આઇ. ટી.માં બી.ટેક અને એમ. ટેકની ડયુઅલ ડીગ્રી મેળવી છે. ઉપરાંત કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. આમ રાજકોટનાં નવા મ્યુ. કમિશનર ટેકનીકલ ક્ષેત્રનાં માસ્ટર છે જેનો લાભ શહેરને મળશે.

આ તકે રાજકોટનાં નવ નિયુકત મ્યુ. કમિશનર અમિત અરોરાએ 'અકિલા' ને જણાવ્યુ હતું કે તેઓ રાજકોટમાં કોરોનાં વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવવા અને જે મોટા પ્રોજેકટો ચાલી રહ્યા છે. જેવા કે નવા બ્રીજ, રામવન  (અર્બન ફોરેસ્ટ) વગેરેને અગ્રતા આપશે ઉપરાંત બજેટમાં સુચવાયેલી યોજનાઓ હાથ ધરાય તેવા પ્રયાસો કરશે. (અમિત અરોરા) મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૧૭)

(4:32 pm IST)