Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

શહેરીજનો ઘેર બેઠા યોગ દિવસ ઉજવે

૨૧ જુન વિશ્વ યોગ દિન અનુસંધાને ગુજરાત રાજય બોર્ડ દ્વારા યોજાનાર 'યોગ એટ હોમ, યોગ વિથ ફેમીલી' અંતર્ગત : મ.ન.પા.ની યુટ્યુબ અને ફેસબુક લીંક તથા ડી.ડી. ગીરનાર પરથી લાઇવમાં જોડાઇને યોગ કરીએ, સ્વસ્થ રહીએ અને કોરોનાને હરાવીએ પદાધિકારીઓની અપીલ

રાજકોટ,તા.૧૯: ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્રસંદ્યની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.૧૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ સંયુકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્યંત ગૌરવની વાત છે. તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સાંસ્કૃતિક સમિતિ પરેશભાઈ પીપળીયા, અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા એક સંયુકત યાદીમાં જણાવ્યુ હતુ.

     રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે જાહેર સ્થળોએ યોગા યોજી શકાય તેમ નથી જેથી રાજય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ૨૧ જુન સોમવારે સવારે ૭:૩૦ કલાકે દુરદર્શન ગીરનાર (ડી.ડી. ગીરનાર) ટેલીવિઝન તથા ગુજરાત બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇઝના માધ્યમથી રાજયના તમામ નાગરિકો યોગમાં જોડાય તેવા આહવાન સાથે આયોજન કરેલ છે.રાજકોટ શહેરના તમામ નગરજનો સવારે ૭:૩૦ કલાકે પોતાના ઘરેથી રાજકોટ મહાનગરપાલિકાની યુટ્યુબ અને ફેસબુક લીંક  પરથી લાઈવ નિહાળી શકાશે અને યોગા ટ્રેનર દ્વારા યોગા કરી શકાશે.

૨૧ જુન વિશ્વ યોગા દિને સૌ ઘરેથી પરિવાર સાથે જોડાઈએ તેવી અપીલ મેયર સહિતનાં પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(4:36 pm IST)