Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ પોણા બે વર્ષનાં કાર્યકાળમાં કોરોના કાળની પરીક્ષામાં સફળ

લોકડાઉન સહિતની સમસ્યાઓ છતાં અનેક વિકાસ કામો પુરા કરાવ્યા નવા કામો શરૂ કરાવ્યા

રાજકોટ તા. ૧૯ :.. સપ્ટેમ્બર ર૦૧૯ માં રાજકોટનાં મ્યુ. કમિશનર તરીકે જવાબદારી સંભાળનાર ઉદિત અગ્રવાલની આજે બદલી થઇ છે. ત્યારે ર૦૧૯ થી લઇ આજ સુધીનાં પોણા બે વર્ષ સુધીનાં રાજકોટનાં કાર્યકાળ દરમિયાન કોરોના મહામારીનો સામનો કરીને પણ પ્રજાલક્ષી કાર્યો ચાલુ રાખવાની 'પરીક્ષા' આપવી પણ કેમ કે તેઓનાં કાર્યકાળનું દોઢ વર્ષ કોરોના કાળમાં જ વિત્યુ.

કોરોના કાળ દરમિયાન લોકડાઉન, ઝડપી આરોગ્ય લક્ષી સેવાઓ, ઉપરાંત મ.ન.પા.ની પ્રાથમિક સુવિધાઓ નિયમીત ચાલુ રખાવવી સાથો સાથ મોટી યોજનાઓ સમયસર પુર્ણ કરાવી. નવા બ્રીજ, આવાસ યોજનાઓ જેવા વિકાસકામો શરૂ કરાવવા સહિતની કપરી કામગીરીમાં પણ શ્રી અગ્રવાલ મહદઅંશે સફળ રહ્યા.

શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ યુવા મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલનો જન્મ ૨૩ મે ૧૯૮૨ના દિવસે થયેલ. તેઓ મૂળ દિલ્હીના વતની છે.  શ્રી ઉદિત અગ્રવાલ ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ભરૂચમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પાલીતાણામાં મદદનિશ કલેકટર, અમદાવાદ અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરમાં અને પંચમહાલમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. રાજકોટ મહાનગરના વહીવટી વડા તરીકે છેલ્લા પોણા બે વર્ષમાં તેમણે વિકાસને વેગ આપ્યો છે. નવા - નવા ઓવરબ્રિજ તેમની યશકલગીનું સોહામણુ છોગુ છે. કોરોના સામેની લડાઇમાં તંત્રના સફળ સુકાની સાબિત થયા છે. લોકો માટે રસીકરણ અને વહીવટીમાં નવીનીકરણ તે બંને દિશામાં શ્રેષ્ઠ કાર્ય થઇ રહ્યું છે. હાલ ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરાવી છે. અને હવે મહેસાણા કલેકટર પદે તેઓની નિયુકિત થઇ છે. ત્યારે સંભવતઃ આગામી સપ્તાહમાં શ્રી અગ્રવાલ રાજકોટને 'ગુડબાય' કહેશે.

(4:47 pm IST)